Tue Dec 16 2025

Logo

White Logo

દિલ્હીએ ડેવિડ મિલરને : સરોજિની માર્કેટના ભાવમાં ખરીદી લીધો!

Abu Dhabi   2 hours ago
Author: Ajay Motiwala
Video

અબુ ધાબીઃ આઇપીએલના મિની ઑક્શનમાં સાઉથ આફ્રિકાના હાર્ડ-હિટર ડેવિડ મિલરને મંગળવારે 2.00 કરોડ રૂપિયાની મૂળ કિંમતે કોઈ ફ્રૅન્ચાઇઝીઓએ ખરીદવામાં રસ નહોતો બતાવ્યો અને છેવટે દિલ્હી કૅપિટલ્સે (DC) તેને એ જ બેઝ પ્રાઇસ પર મેળવી લીધો જેનાથી આશ્ચર્ય ફેલાયું છે અને તેની આ ખરીદી વિશે દિલ્હીમાં કહેવાય છે કે ` આ તૂફાની બૅટ્સમૅનને દિલ્હી કૅપિટલ્સે સરોજિની માર્કેટના ભાવમાં (ભાજીમૂળાના ભાવે) ખરીદી લીધો.'

ડેવિડ મિલર (DAVID MILLER) બહુ નામાંકિત બૅટ્સમૅન છે. તે વિશ્વભરના આક્રમક મિડલ-ઑર્ડર બૅટ્સમેનોમાં અચૂક ગણવામાં આવે છે. તાજેતરમાં જ તે પોતાના દેશની એસએ20 નામની લીગ ટૂર્નામેન્ટના પ્રચાર માટે મુંબઈ આવ્યો હતો.

મિલર આ પહેલાં લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી) ટીમમાં હતો. 2025ના મેગા ઑક્શનમાં લખનઊના ફ્રૅન્ચાઇઝીએ તેને 1.50 કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસ સામે 7.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે તેને આ વખતે હરાજીમાં મૂકી દીધો અને દિલ્હીનું ફ્રૅન્ચાઇઝી તેને માત્ર 2.00 કરોડ રૂપિયામાં મેળવવામાં સફળ થયું છે.

36 વર્ષનો ડેવિડ ઍન્ડ્રયૂ મિલર અગાઉ રાજસ્થાન રૉયલ્સ, કિંગ્સ ઇલેવન પંજાબ અને ગુજરાત ટાઇટન્સ વતી પણ રમ્યો હતો. તેણે આઇપીએલમાં 13 વર્ષની કરીઅરમાં કુલ 141 મૅચમાં 3,077 રન કર્યા છે જેમાં એક સેન્ચુરી અને 13 હાફ સેન્ચુરી સામેલ છે. તેણે 141 મૅચમાં કુલ 138 સિક્સર અને 220 ફોર ફટકારી છે.