Tue Jan 06 2026

Logo

White Logo

રાજકોટ 9.4 ડિગ્રી સાથે ઠર્યું! : ગુજરાતમાં કડકડતી ઠંડી, તો મુંબઈ-દિલ્હીમાં પ્રદૂષણ અને ધુમ્મસનો કહેર

2 days ago
Author: Devayat Khatana
Video

અમદાવાદ: ગુજરાતમાં ઉત્તર ભારતમાં પડી રહેલી ઠંડીની અસર જોવા મળી રહી છે. ઘણા સમથી કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આ દરમિયાન ગુજરાતમાં ન્યૂનતમ તાપમાનનો પારો બે અંકથી ઘટીને એક અંક સુધી પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 9.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સૌથી નીચું તાપમાન રાજકોટમાં 9.4 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 11.4 ડિગ્રી સેલ્સિયસ, નલિયામાં 11.8 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 11.8 ડિગ્રી સેલ્સિયસ, કંડલામાં 13 ડિગ્રી સેલ્સિયસ, દાહોદમાં 13.2 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 14 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદમાં 15 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 15 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 16 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

મહારાષ્ટ્રના હવામાનની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોમાં, ખાસ કરીને મુંબઈમાં, વાયુ પ્રદૂષણનું સ્તર નોંધપાત્ર રીતે વધ્યું છે, જેના કારણે વિઝિબિલિટી અને જાહેર આરોગ્ય પર ગંભીર અસર પડી છે. હવામાં ધૂળના રજકણોનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે, જેના કારણે આકાશ ધૂંધળું દેખાઈ રહ્યું છે. હવામાન વિભાગના અધિકારીઓએ ચેતવણી આપી છે કે આગામી 24 કલાક સુધી હવાની સ્થિતિ જોખમી રહી શકે છે. તેમણે નાગરિકોને બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપી છે, ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને શ્વાસ સંબંધી સમસ્યા ધરાવતા લોકો માટે સાવચેતી રાખવા જણાવાયું છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ અને ઘટતા તાપમાને લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) એ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે દિલ્હીના અનેક ભાગોમાં મધ્યમથી ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. પાલમ અને સફદરજંગ જેવા વિસ્તારોમાં વિઝિબિલિટી ખૂબ જ ઓછી નોંધાઈ હતી. આ ગાઢ ધુમ્મસને કારણે રસ્તાઓ પર વાહનોની અવરજવરને અસર થઈ છે અને ઘણી ટ્રેનો તેના નિર્ધારિત સમય કરતાં મોડી ચાલી રહી છે.