નવી દિલ્હીઃ અબુ ધાબીમાં તાજેતરમાં આઇપીએલની 2026ની સીઝન માટે હરાજી (Auction)માં ખરીદવામાં આવેલા એકમાત્ર બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહમાન (MUSTAFIZUR RAHMAN)ને આ ઑક્શન માટેના લિસ્ટમાં કોણે અને શા માટે સામેલ કર્યો હતો એ સૌથી મોટો સવાલ અત્યારે ચર્ચામાં છે. 2025માં તમામ બાંગ્લાદેશી ખેલાડીઓને આઇપીએલમાં એન્ટ્રી નહોતી, પણ એ દેશમાં હિન્દુ વિરોધી દેખાવો અને અત્યાચારો અટક્યા ન હોવા છતાં શા માટે મુસ્તફિઝુરને આ વખતે રમવાની પરવાનગી મળી એની પણ ચર્ચા થઈ રહી છે.
બાંગ્લાદેશી બોલરને મેળવવા રસાકસી થયેલી
16મી ડિસેમ્બરની હરાજીમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)એ પેસ બોલર મુસ્તફિઝુરને 2.00 કરોડ રૂપિયાની મૂળ કિંમત સામે 9.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે અગાઉ મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, હૈદરાબાદ અને રાજસ્થાન વતી રમી ચૂક્યો છે. આ વખતના ઑક્શનમાં તેને મેળવવા દિલ્હી કૅપિટ્લ્સે 2.00 કરોડ રૂપિયાની મૂળ કિંમતે પ્રથમ બિડ મૂક્યું હતું. દિલ્હી અને ચેન્નઈના ફ્રૅન્ચાઇઝી વચ્ચે જોરદાર રસાકસી થઈ હતી અને ચેન્નઈએ તેને 5.40 કરોડ રૂપિયામાં મેળવવાની તૈયારી બતાવી ત્યારે કોલકાતાના ફ્રૅન્ચાઇઝીએ 5.60 કરોડ રૂપિયાના બિડ સાથે એન્ટ્રી કરી હતી. એ તબક્કે ચેન્નઈ અને કોલકાતા વચ્ચે હરીફાઈ થઈ હતી. ચેન્નઈના પ્રતિનિધિઓ 9.00 કરોડ રૂપિયાના તબક્કે અટકી ગયા બાદ કોલકાતાએ મુસ્તફિઝુરને 9.20 કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો. તે આઈપીએલમાં ખરીદવામાં આવેલા સૌથી મોંઘા બાંગ્લાદેશી ખેલાડીઓમાં ગણાય છે.

મંજૂરી મળ્યા પછી... : રાજકીય નેતા
આ વખતની આઇપીએલની હરાજીમાં બાંગ્લાદેશી ખેલાડીઓને ખરીદવામાં બીસીસીઆઇ તથા આઇસીસીની શું ભૂમિકા હતી? એવો સવાલ કૉન્ગે્રસના સુપ્રિયા શ્રીનેતે ઉઠાવ્યો છે. એક જાણીતી વેબસાઇટના એએનઆઇ આધારિત અહેવાલ અનુસાર સુપ્રિયા શ્રીનેતની એવી દલીલ છે કે પહેલી વાત એ છે કે ઑક્શનના લિસ્ટમાં બાંગ્લાદેશી ખેલાડીઓને સામેલ કરવાની છૂટ આપી કોણે?
કૉન્ગે્રસના સંસદસભ્ય તારિક અનવરનું એવું કહેવું છે કે ` સંબંધિત સત્તાધીશોની મંજૂરી પછી જ અને નિશ્ચિત પ્રક્રિયા મુજબ જ વિદેશી ખેલાડીઓની હરાજીમાં ખરીદી થતી હોય છે. ક્રિકેટ બોર્ડે પરવાનગી આપી હશે ત્યારે જ શાહરુખ ખાનની સહ-માલિકીના ફ્રૅન્ચાઇઝીએ બાંગ્લાદેશી પ્લેયર મુસ્તફિઝુર અને બીજા ખેલાડીઓને ખરીદ્યા હશે. કોઈ પણ વિદેશી ખેલાડીને ખરીદતાં પહેલાં તેના ક્રિકેટ બોર્ડની પરવાનગી પણ ફરજિયાત હોય છે. આ બધું જોતાં સૌથી પહેલાં તો એ નક્કી કરવું જોઈએ કે આવા ખેલાડીઓને આપણે ત્યાં રમવાની પરવાનગી મળશે કે નહીં?'