નવી દિલ્હી: વેનેઝુએલાની રાજધાની કારાકાસ પર શનિવારે શ્રેણીબદ્ધ મિસાઈલ હુમલાઓ થયા હતા. આ તમામ હુમલાઓ પાછળ અમેરિકાનો હાથ છે. અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીની ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટનાક્રમને લઈને વેનેઝુએલામાં રહેતા ભારતીયો અને વેનેઝુએલા જવા ઈચ્છતા ભારતીયો માટે ભારત સરકારે એક ગાઇડલાઇન જાહેર કરી છે અને કેટલીક મહત્ત્વની સૂચનાઓ આપી છે.
ભારતીયો માટે મહત્ત્વની સૂચનાઓ
ભારત સરકારે જણાવ્યું છે કે, વેનેઝુએલાની દરેક બિનજરૂરી યાત્રાઓથી બચો. જે કોઈ ભારતીયો કોઈ કારણોસર વેનેઝુએલામાં છે, તેઓ વધુ સાવધાની રાખો. તમારી એેક્ટિવિટી સીમિત રાખો અને કારાકસ ખાતેના ભારતીય દૂતાવાસનો સંપર્ક કરો. ભારતીય વિદેશ મંત્રાલયે સંપર્ક માટે cons.caracas@mea.gov.in ઇમેલ આઈડી અને +58-412-9584288(વ્હોટ્સએપ માટે પણ) જાહેર કર્યો છે. આ બંને માધ્યમોથી વેનેઝુએલામાં રહેતા ભારતીયો ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી શકે છે.
અમેરિકાએ કેમ કર્યો હુમલો
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ અનેકવાર વેનેઝુએલામાં ડ્રગ કાર્ટેલ અને ગેરકાયદે પ્રવાસન રોકવા માટે સીધી કાર્યવાહીની ધમકી આપી હતી. ઓક્ટોબરમાં ટ્રમ્પે CIA ને વેનેઝુએલામાં સ્પેશિયલ ઓપરેશન ચલાવવાની મંજૂરી પણ આપી હતી. આ પૃષ્ઠભૂમિમાં જોતા, આ વિસ્ફોટો અમેરિકા દ્વારા કરવામાં આવેલી કોઈ મોટી સૈન્ય કાર્યવાહી હોઈ શકે છે તેવી અટકળો વહેતી થઈ હતી. જોકે. હવે આ અટકળોને સાચી પૂરવાર થઈ છે.
UNએ કરી હુમલાની ટીકા
ઉલ્લેખનીય છે કે, યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે વેનેઝુએલા પર અમેરિકાના હુમલા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી. તેમના પ્રવક્તા, સ્ટીફન ડુજારિકે કહ્યું કે આ કાર્યવાહી આંતરરાષ્ટ્રીય કાયદા માટે ખતરનાક કાયર્વાહી સ્થાપિત કરી શકે છે. તેમણે ભાર મૂક્યો કે બધા દેશોએ યુએન ચાર્ટર સહિત આંતરરાષ્ટ્રીય કાયદાનું સંપૂર્ણ સન્માન કરવું જોઈએ. ગુટેરેસે ચિંતા વ્યક્ત કરી કે આ કિસ્સામાં આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવામાં નથી આવ્યું.