Sat Dec 13 2025

Logo

White Logo

અમેરિકા સાથેની ટ્રેડ ડીલમાં અનિશ્ચિતતા : અને વિદેશી ફંડોનો બાહ્યપ્રવાહ

1 day ago
Author: Ramesh Gohil
Video

ડૉલર સામે રૂપિયો 38 પૈસા ગબડીને નવા તળિયે 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
અમેરિકા-ભારત વચ્ચેની ટ્રેડ ડીલમાં થઈ રહેલા વિલંબ સાથે અનિશ્ચિતતા તેમ જ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં જળવાઈ રહેલી વેચવાલીને કારણે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયાએ સત્ર દરમિયાન એક તબક્કે 54 પૈસાના કડાકા સાથે નવું તળિયું દાખવ્યા બાદ સત્રના અંતે રૂપિયો ગઈકાલના બંધ સામે 38 પૈસા ગબડીને ઐતિહાસિક 90.32ના નીચા મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી રૂપિયામાં મોટો કડાકો અટક્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું. 

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 89.42ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 89.95ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન વધુ ગબડીને નીચામાં 90.48 અને ઉપરમાં 89.95ની રેન્જમાં રહીને અંતે 38 પૈસાના ગાબડાં સાથે 90.32નાં નવા તળિયે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે રૂપિયામાં સાત પૈસાનો ઘટાડો આવ્યો હતો. 

ફોરેક્સ ટ્રેડરોના જણાવ્યાનુસાર ચીફ ઈકોનોમિક એડવાઈઝર વી અનંથા નાગેશ્વરને અમેરિકા સાથેની ટ્રેડ ડીલ માર્ચ સુધી થવાની શક્યતા વ્યક્ત કરી હોવાના અહેવાલ પશ્ચાત્‌‍ રૂપિયો સડસડાટ ગબડ્યો હતો. આજે સત્ર દરમિયાન ખાસ કરીને ટ્રેડ ડીલની અનિશ્ચિતતા સપાટી પર આવતા રૂપિયો 54 પૈસા તૂટીને સત્ર દરમિયાન ઑલ ટાઈમ લૉ સપાટીએ પહોંચ્યો હતો, જોકે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને ડૉલર ઈન્ડેક્સની નરમાઈએ વધુ ધોવાણ અટકાવ્યું હોવાનું મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે ટ્રેડ ડીલ વિલંબિત થઈ રહી હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં નકારાત્મક વલણ જોવા મળી શકે. જોકે, રિઝર્વ બૅન્કનો હસ્તક્ષેપ શક્યતઃ રૂપિયાને ટેકો આપી શકે છે. 

દરમિયાન અમેરિકી ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમીસન ગ્રીરે કહ્યું હતું કે બે દિવસીય વાટાઘાટમાં અમને ભારત તરફથી પ્રસ્તાવિત ટ્રેડ ડીલ માટે સારી ઑફર મળી છે. જોકે, મકાઈ, સોયાબીન, ઘઉં અને કપાસ જેવાં અમુક કાચા પાક માટે ભારતે પ્રતિકાર દર્શાવ્યો હોવાનું તેમણે વૉશિંગ્ટન ખાતે જણાવ્યું હતું. 

આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.18 ટકા ઘટીને 98.61 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 1.25 ટકા ઘટીને બેરલદીઠ 61.43 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે 426.86 પૉઈન્ટ અને 140.55 પૉઈન્ટ વધીને બંધ રહ્યા હતા, જ્યારે ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1651.06 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.