સ્થાનિક ચાંદીમાં રૂ. 5300નું અને સોનામાં રૂ. 1321નું બાઉન્સબૅક
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે સોના અને ચાંદીમાં ખાસ કરીને અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે અને હળવી નાણાનીતિ અપનાવે તેવા આશાવાદ સાથે વર્તમાન કૅલેન્ડર વર્ષ 2026નો આરંભ મજબૂત અન્ડરટોને થયો હતો અને વર્ષ 2025ના અંતિમ સત્રમાં જોવા મળેલા ઘટાડાની સામે આજે ચાંદીના ભાવ 4.6 ટકા જેટલા અને સોનાના ભાવ બે ટકા જેટલા ઉછળીને ક્વૉટ થઈ રહ્યા હતા. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 5300નું અને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1321નું બાઉન્સબૅક જોવા મળ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવમાં સુધારાતરફી વલણ રહેવાની સાથે સ્ટોકિસ્ટોનું આકર્ષણ જળવાઈ રહ્યું હતું. આ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગનો પણ ટેકો મળતાં હાજરમાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 5300ના ઉછાળા સાથે રૂ. 2,34,550ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે વિશ્વ બજાર પાછળ સોનામાં પણ સુધારાતરફી વલણ રહેતાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 1315 વધીને રૂ. 1,34,242 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1321 વધીને રૂ. 1,34,782ના મથાળે રહ્યા હતા. જોકે, ભાવમાં તેજીનું વલણ રહેતાં માત્ર રોકાણકારોની છૂટીછવાઈ રોકાણલક્ષી માગ રહી હતી. આ સિવાય જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ગત વર્ષ 2025ના અંતિમ સત્રમાં ગત બુધવારે હાજરમાં સોનાના ભાવ વધ્યા મથાળેથી બે સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા બાદ આજે વર્ષ 2026ના પ્રથમ સત્રમાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ બે ટકા વધીને આૈંસદીઠ 4397.66 ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ 1.6 ટકા વધીને 4409.90 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે 4.6 ટકાના ઉછાળા સાથે આૈંસદીઠ 74.52 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ અને ભૂરાજકીય તણાવને ધ્યાનમાં લેતા એકંદરે આજે બન્ને કિંમતી ધાતુઓમાં વર્ષ 2026નો આરંભ મક્કમ અન્ડરટોને થયો હોવાનું એફએક્સટીએમના વરિષ્ઠ વિશ્લેષક લુકમાન ઑટુન્ગાએ જણાવ્યું હતું. જોકે, તાજેતરમાં ઊંચા મથાળેથી સોનાના ભાવમાં જોવા મળેલા ઘટાડાને પગલે ભારત અને ચીન ખાતે ડીલરો સોનાના ભાવ જે છેલ્લા બે મહિનાથી વૈશ્વિક ભાવની સરખામણીમાં ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા તેની સામે હવે પ્રીમિયમમાં ઑફર કરી રહ્યાના અહેવાલ હતા. નોંધનીય બાબત એ છે કે ગત સાલ સોનાના વૈશ્વિક ભાવમાં વર્ષ 1979 પછીનો સૌથી મોટો 64 ટકાનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે ચાંદીના ભાવમાં 147 ટકાની તેજી ફૂંકાઈ ગઈ હતી.
દરમિયાન યુબીએસના વિશ્લેષક ગિઓવન્ની સ્ટુનોવોએ જણાવ્યું હતું કે હાલની વૈશ્વિક આર્થિક સ્થિતિ, અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો અને અમેરિકાની નીતિ અંગે પ્રવર્તી રહેલી અનિશ્ચિતતાને ધ્યાનમાં લેતા વર્ષ 2026માં સોનાના વૈશ્વિક ભાવ આૈંસદીઠ 5000 ડૉલર તરફ આગેકૂચ કરતા રહે તેવી અમે ધારણા મૂકી રહ્યા છીએ.