નવી દિલ્હીઃ ગત કૅલૅન્ડર વર્ષ 2025માં દેશની અગ્રણી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયાનું ઉત્પાદન વર્ષે 9.3 ટકાના વૃદ્ધિદર સાથે 22.55 લાખ યુનિટની સપાટીએ રહ્યું હોવાનું કંપનીએ એક યાદીમાં જણાવ્યું છે.
નોંધનીય બાબત એ છે કે આ સાથે જ સતત બીજા વર્ષ દરમિયાન કંપનીનું ઉત્પાદન વાર્ષિક ધોરણે 20 લાખની સપાટીની ઉપર રહ્યું છે. આ ઉત્પાદનમાં સ્થાનિક અને નિકાસ માટેનાં તથા ઓરિજનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ માટેના પુરવઠા માટેના વાહનોનો સમાવેશ થતો હોવાનું કંપનીએ યાદીમાં જણાવતા ઉમેર્યું હતું કે ગત સાલ વર્ષ 2024માં ઉત્પાદન 20.63 લાખ યુનિટની સપાટીએ રહ્યું હતું.
મારુતિ સુઝુકી ઈન્ડિયા લિ.નાં મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિકયુટીવ ડિરેક્ટર અને સીઈઓ હિસાશી ટકેઉચીએ આ વિક્રમ ઉત્પાદનનો શ્રેય તેમનાં કર્મચારીઓ અને સહયોગી ભાગીદાર પુરવઠાકારોને આપતા જણાવ્યું હતું કે ઉચ્ચ સ્તરના સ્થાનિકીકરણે અમને વૈશ્વિક કક્ષાની ગુણવત્તા જાળવી રાખીને આ સિદ્ધિ હાંસલ કરવા માટે સક્ષમ બનાવ્યા છે, જે ભારતનાં ઑટોમેટિવ ઉત્પાદનની ઈકોસિસ્ટમની મજબૂતાઈ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા પર ભાર મૂકે છે, એમ તેમણે ઉમેર્યું હતું.
ગત વર્ષ 2025માં થયેલા કુલ ઉત્પાદનોમાં ઉત્પાદિત થયેલા ટોચના પાંચ મૉડૅલમાં ફ્રોનેક્સ, સ્વિફ્ટ, ડિઝાયર અને અર્ટિગાનો સમાવેશ હોવાનું કંપનીએ યાદીમાં જણાવ્યું હતું.