નવી દિલ્હીઃ ગત ડિસેમ્બર મહિનામાં ભારતીય ઉત્પાદન ક્ષેત્રમાં નવાં ઓર્ડરોમાં વૃદ્ધિ મંદ પડતાં ઉત્પાદકોને ઈનપૂટ ખરીદી અને રોજગાર સર્જન મર્યાદિત રાખવું પડ્યું હોવાથી ઉત્પાદન માટેનો આંક બે વર્ષના તળિયે રહ્યો હતો.
ગત ડિસેમ્બર મહિનાનો સિઝનલી એડજસ્ટેડ એચએસબીસી ઈન્ડિયા પર્ચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (પીએમઆઈ) જે નવેમ્બર મહિનામાં 56.6 હતો તે ઘટીને 55ની સપાટીએ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે 50ની ઉપરનો આંક વિસ્તરણનો અને 50ની નીચેનો આંક જે તે ક્ષેત્રમાં ઘટાડાનો નિર્દેશ આપતો હોય છે.
એકંદરે ગત ડિસેમ્બરમાં પીએમઆઈ આંકમાં ઘટાડો જોવા મળ્યો હોવા છતાં વર્ષ 2025માં ભારતના ઔદ્યોગિક ઉત્પાદને સારી કામગીરી દાખવી છે. નવાં બિઝનૅસને ટેકે કંપનીઓ વ્યસ્ત રહી હતી અને ફુગાવાલક્ષી દબાણ નીચુ રહ્યું હોવાથી માગનો ટેકો પણ સારો મળ્યો હોવાનું એસ ઍન્ડ પી ગ્લોબલ માર્કેટ ઈન્ટેલિજન્સના એસોસિયેટ ડિરેક્ટર અને અર્થશાસ્ત્રી પોલ્લયન્ના ડે લિમાએ જણાવ્યું હતું.
વર્ષ 2025ના અંતિમ મહિનામાં નવાં ઓર્ડરોમાં વૃદ્ધિદર મંદ પડતાં ઉત્પાદન વૃદ્ધિદર ખોરવાયો હતો અને ઘટીને 38 મહિનાની નીચી સપાટીએ અને આંક બે વર્ષના તળિયે રહ્યો હોવાનું પીએમઆઈ સર્વેક્ષણમાં જણાવ્યું હતું. આંક મંદ પડવાના મુખ્ય કારણોમાં આંતરરાષ્ટ્રીય ઓર્ડર ધીમા પડ્યા હોવાનું સર્વેક્ષણમાં જણાવતાં ઉમેર્યું હતું કે નવાં નિકાસ ઓર્ડરમાં વૃદ્ધિ 14 મહિનાની નીચી સપાટીએ રહી હતી. જોકે, એશિયા, યુરોપ અને મધ્યપૂર્વની માગ સારી હોવાનું જણાવ્યું હતું.
વધુમાં રોજગાર સંબંધે અહેવાલમાં જણાવ્યું હતું કે ગત ડિસેમ્બર મહિનામાં કંપનીઓ દ્વારા રોજગાર સર્જન માર્ચ, 2024 પછીની નીચી સપાટીએ રહ્યું હતું, જ્યારે ભાવના મુદ્દે સર્વેક્ષણમાં જણાવ્યું હતું કે ઈનપૂટ ખર્ચમાં વૃદ્ધિ ઐતિહાસિક ધીમી ગતિએ વધારો થયો હતો. જોકે, ભારતીય ઉત્પાદકોએ વર્ષ 2026માં ઉત્પાદનમા ઉત્પાદનમાં હાલના સ્તરથી નોંધપાત્ર વધારો થવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો, પરંતુ એકંદરે લોકમાનસનું સ્તર સાડા ત્રણ મહિનાની નીચી સપાટીએ રહે તેવી ભીતિ પણ વ્યક્ત કરી હોવાનું સર્વેક્ષણમાં ઉમેર્યું હતું.