Hangover Home Remedies: 31 ડિસેમ્બરની રાત્રે દેશના મોટા શહેરોમાં લેટ નાઇટ પાર્ટી થતી હોય છે. જે રાજ્યોમાં દારૂબંધી નથી, ત્યાં લોકો દારૂ પણ પીતા હોય છે. જોકે, મોડી રાત સુધી જાગવા અને દારૂના સેવનને કારણે બીજા દિવસે સવારે 'હેંગઓવર' જેવી સમસ્યા ઊભી થાય છે. જેની અસર શરીરમાં લાંબો સમય સુધી રહે છે. પરંતુ કેટલાક ઘરેલુ ઉપાયથી 'હેંગઓવર'થી જલ્દી છૂટકારો મેળવી શકાય છે.
'હેંગઓવર'થી છૂટકારો મેળવવા શું કરવું?
દારૂના સેવન અને ઉજાગરાને કારણે શરીરમાં ડિહાઇડ્રેશન અને મિનરલ્સની ઉણપ સર્જાય છે. જેથી માથાનો દુખાવો, ઉબકા અને થાક અનુભવાય છે. આ શારીરિક સમસ્યાઓમાંથી કુદરતી રીતે બહાર આવવા માટે ઘરેલુ કેટલાક ડિટોક્સ ડ્રિંક્સ પીવા જોઈએ. આ ડ્રિંક્સ તમારા શરીરને રિ-હાઇડ્રેટ કરશે અને સ્ફૂર્તિ આપશે.
હેંગઓવર દૂર કરનારા ડ્રિંક્સમાં નવશેકું લીંબુ પાણી પહેલાં ક્રમે છે. લીંબુ પાણી શરીરમાં પાણીની ઉણપ પૂરી કરે છે અને પાચનતંત્રને મજબૂત બનાવે છે. તે પેટનું ફૂલવું અને ઉબકા જેવી સમસ્યામાં તુરંત રાહત આપે છે. એક ગ્લાસ નવશેકા પાણીમાં અડધું લીંબુ નિચોવીને સવારે ખાલી પેટે હળવે-હળવે પીવું જોઈએ.
નવશેકા લીંબુ પાણી બાદ સિંધવ મીઠાંયુક્ત પાણી બીજા નંબરે છે. દારૂના સેવનથી શરીરમાંથી ઇલેક્ટ્રોલાઇટ્સ બહાર નીકળી જાય છે, જેનાથી શરીર નબળાઈ અનુભવે છે. સિંધવ મીઠાવાળું પાણી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સને બેલેન્સ કરે છે. તેથી જ્યારે પણ લેટ નાઇટ પાર્ટીમાંથી ઘરે પાછા ફરીએ ત્યારે એક ગ્લાસ તાજા પાણીમાં એક ચપટી સિંધવ મીઠું ઉમેરીને પીવું જોઈએ.
આદુ, લીંબુ, ફુદીનો શરીરને કરશે ડિટોક્સ
આદુ પેટની અગવડતા અને બળતરા ઘટાડે છે, જ્યારે મધ શરીરમાં શર્કરાનું પ્રમાણ જાળવી તરત ઉર્જા પૂરી પાડે છે. તેથી આ બંનેનું મિશ્રણ પણ 'હેંગઓવર' દૂર કરવામાં મદદ કરે છે. આ મિશ્રણ તૈયાર કરવા માટે આદુના ટુકડાને પાણીમાં નાખીને ઉકાળવા જોઈએ. ત્યારબાદ પાણી ગાળી પછી તેમાં એક ચમચી મધ ઉમેરી તેને હુંફાળું કરીને પીવું જોઈએ.
કાકડી, ફુદીનો અને લીંબુનું ડિટોક્સ વોટર એક ઉત્તમ કુલિંગ ડ્રિંક છે. ફુદીનો પાચન સુધારે છે અને કાકડી શરીરને અંદરથી ઠંડક આપે છે. આ ડિટોક્સ ડ્રિંક તૈયાર કરવા માટે એક જગ પાણીમાં કાકડીના ટુકડા, ફુદીનાના પાન અને લીંબુની સ્લાઈસ ઉમેરો. આખો દિવસ આ પાણીને થોડું-થોડું પીતા રહો. સારા એવા પ્રમાણમાં 'હેંગઓવર'થી રાહત મળશે. આ સિવાય આમળાનો રસ પણ 'હેંગઓવર'થી છૂટકારો મેળવવામાં મદદ કરે છે. કારણ કે આમળા વિટામિન-સી અને એન્ટીઑકિસડન્ટનો ભંડાર છે. તે લીવરને ડિટોક્સિફાય કરવામાં અને શરીરનો થાક ઉતારવામાં ખૂબ મદદરૂપ થાય છે.
લેટ નાઇટ પાર્ટી પછી એસિડિટી, ગેસ અને પેટના દુખાવા જેવી સમસ્યાઓ જોવા મળતી હોય છે. આ સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે જીરાનું પાણી રામબાણ ઈલાજ છે. લેટ નાઇટ પાર્ટી બાદ રાત્રે એક ચમચી જીરું પાણીમાં પલાળી રાખો. સવારે આ પાણીને ગાળીને પી લો.
(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલી તબીબી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)