Wed Jan 07 2026

Logo

White Logo

થલતેજની ઈમારત માટે મનપાએ કરી : રૂ. 103 કરોડની એફએસઆઈ ડીલ

3 weeks ago
Author: pooja shah
Video

(અમારા પ્રતિનિધિ તરફથી) 
અમદાવાદઃ
શહેરમાં પણ મુંબઈ જેવી આકાશને આંબતી ઈમારતો બનવા જઈ રહી છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ તાજેતરમાં થલતેજમાં 38 મળીય ઈમારત ઊભી કરવા વધારાની ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ (એફએસઆઈ) મંજૂર કરી હતી. આ માટે બિલ્ડરે રૂ. 103. 50 કરોડ મનપાને ચૂકવ્યા હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી હતી. મનપાને અગાઉ એક પ્રોજેક્ટ માટે આટલી મોટી રકમ મળી નથી. આનું કારણ જંત્રીના વધી ગયેલા દર સાથે ઊંચી ઈમારતો માટેનુ અનુકૂળ વાતાવરણ ગણવામાં આવે છે. આ સાથે આ પ્રકારના પ્રોજેક્ટ અમદાવાદમાં લક્ઝરી હૉમ્સના ટ્રેન્ડનો પણ પુરાવો આપે છે. 

તાજેતરમાં જ પાલિકાએ આ પ્રોજેક્ટના પ્લાનને મંજૂરી આપી હતી. ૯,૯૫૮ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા આ પ્રોજેક્ટમાં કુલ ૫૩,૬૮૩.૧૯ ચોરસ મીટર એફએસઆઈનો ઉપયોગ થશે. આમાંથી ૪.૨ એફએસઆઈ ચાર્જેબલ એફએસઆઈ તરીકે ખરીદવામાં આવ્યો છે, જે ૧.૨ ની માન્ય એફએસઆઈ કરતા વધારે છે.  રાજ્ય સરકારના ધોરણો મુજબ ઊંચી ઇમારતો માટે કુલ  ૫.૪ એફએસઆઈને માન્યતા આપે છે. 

મનપાના અધિકારીના જણાવ્યા અનુસાર બિલ્ડરે વધારાની એફએસઆઈ માટે હાલના જંત્રી દરના 40% ચૂકવવાના હતા. આ પ્લોટ માટે, જંત્રી-લિંક્ડ એફએસઆઈ દર રૂ. 62,000 પ્રતિ ચોરસ મીટર નક્કી કરવામાં આવ્યો હતો, રૂ. 41,734 પ્રતિ ચોરસ મીટર ચાર્જેબલ એફએસઆઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. થલતેજ વિસ્તારના જંત્રી દર પ્રમાણે કુલ રૂ. 103 કરોડ આપવાના રહે છે. જેમાંથી રૂ. 25 કરોડ મનપાએ જમા કરાવ્યા હતા અને રૂ. 78.50 કરોડ નિયમ અનુસાર ઈન્સ્ટોલમેન્ટમાં આપવામાં આવશે, તેવી માહિતી એક અહેવાલ દ્વારા મળી હતી. 

મનપાએ મંજૂર કરેલા પ્લાન અનુસાર આ પ્રોજેક્ટમાં ચાર રેસિડેન્શિયલ ટાવર હશે. જેમાં બ્લોક એ અને બીના 38 માળ હશે, જ્યારે બ્લોક સી અને ડીમાં 33 માળ હશે. બ્લોક એ અને બીની ઊંચાઈ 127.7 મીટર મંજૂર કરવામાં આવી છે, જ્યારે બ્લોક સી અને ડી 111.45 મીટર ઊંચા હશે. આ પ્રોજેક્ટમાં ત્રણ બેઝમેન્ટ લેવલ, 2,490.94 ચોરસ મીટરનો ગ્રાઉન્ડ કવરેજ અને 1,764.05 ચોરસ મીટરનો  કોમન પ્લોટ એરિયા હશે. કુલ 250 રેસિડેન્શિયલ યુનીટસ હશે, જેનો કુલ બિલ્ટ-અપ એરિયા 1,07,255.33 ચોરસ મીટર રહેશે, તેમ અહેવાલ દ્વારા જાણવા મળ્યું હતું. 

મનપાના ડેટા દર્શાવે છે કે મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં શહેરની હદમાં 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી 30 ઇમારતોના પ્રોજેક્ટને મંજૂર કર્યા છે, જેમાંથી 23 રહેણાંક પ્રોજેક્ટ્સ છે અને સાત કમર્શિયલ પ્રોજેક્ટસ છે. 

તાજેતરમાં જ મુંબઈ સમાચારે એક ટોક શૉના માધ્યમથી અમદાવાદની રિયલ એસ્ટેટ માર્કેટની સ્થિતિ વિસ્તારપૂર્વક દર્શકો સામે રજૂ કરી હતી. અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં અફોર્ડેબલ હાઉસિંગ મંદ ગતિએ ચાલી રહ્યું છે, જ્યારે લક્ઝરી હાઉસિંગમાં એક વર્ગ રસ ધરાવે છે. આ સાથે વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ આવા આલિશાન મકાનોમાં રોકાણ કરે છે.