Thu Jan 01 2026

Logo

White Logo

New year Special: ભારતમાં 31મી ડિસેમ્બરની બપોર હોય : ત્યારે જ આ દેશ કરે છે 2026નું સ્વાગત, જાણો શું છે કારણ...

23 hours ago
Author: Darshana Visaria
Video

2025નું વર્ષ પૂરું થવાને હવે બસ ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આખી દુનિયા 31મી ડિસેમ્બરના રાતે 12ના ટકોરે નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત થઈ જાય છે. એવું નથી કે દુનિયામાં તમામ જગ્યાએ એક સાથે નવું વર્ષ શરૂ થાય છે. કેટલાક એવા દેશ પણ છે કે જ્યાં દુનિયામાં સૌથી પહેલાં નવું વર્ષ શરૂ થાય છે. ભારતમાં જ્યાં બપોર હોય છે ત્યાં જ આ દેશમાં નવું વર્ષ શરૂ થઈ જાય છે. ચાલો તમને જણાવીએ કયો છે આ દેશ? 

દુનિયામાં સમયના અલગ-અલગ ઝોન (Time Zones) હોવાને કારણે નવા વર્ષની શરૂઆત દરેક જગ્યાએ એક સાથે થતી નથી. ભૌગોલિક સ્થિતિ અને આંતરરાષ્ટ્રીય તારીખ રેખા (International Date Line) ને આધારે નવું વર્ષ સૌથી પહેલા પેસિફિક મહાસાગરના ટાપુઓ પર આવે છે.

કયો દેશ સૌથી પહેલા નવું વર્ષ ઉજવે છે?
દુનિયામાં નવા વર્ષનું સૌથી પહેલું સ્વાગત કિરીબાતી (Kiribati) નામના દેશમાં થાય છે. કિરીબાતીના 'લાઇન આઇલેન્ડ્સ' (Line Islands), જેમાં ખાસ કરીને ક્રિસમસ આઇલેન્ડ (Kiritimati) નો સમાવેશ થાય છે, ત્યાં સૌથી પહેલા મધ્યરાત્રિના 12 વાગે છે. ભારત સાથે સમયનો તફાવતની વાત કરીએ જ્યારે ભારતમાં 31મી ડિસેમ્બરના બપોરના 3.30 વાગ્યા હોય છે, ત્યારે કિરીબાતીમાં નવું વર્ષ શરૂ થઈ ગયું હોય છે. એટલે કે, તેઓ આપણા કરતા 8.30 આગળ છે.

શા માટે કિરીબાતીમાં ઉજવાય છે સૌથી પહેલાં ન્યૂ યર? (વૈજ્ઞાનિક કારણ)
આનું મુખ્ય કારણ ઇન્ટરનેશનલ ડેટ લાઇન (IDL) છે. આ એક કાલ્પનિક રેખા છે જે પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે અને પૃથ્વી પર તારીખ અને સમય નક્કી કરે છે. કિરીબાતી આ રેખાની એકદમ પૂર્વમાં આવેલું છે. 1995 પહેલા કિરીબાતી બે અલગ-અલગ તારીખ ઝોનમાં વહેંચાયેલું હતું, પરંતુ વહીવટી સરળતા માટે સરકારે ડેટ લાઇનને પૂર્વ તરફ ધકેલી દીધી, જેનાથી તે દુનિયાનો સૌથી પહેલો સમય ઝોન (UTC+14) ધરાવતો દેશ બની ગયો.

શું છે કિરબાતીની ખાસિયત? 
કિરીબાતીની ખાસિયત વિશે વાત કરીએ તે એક કિરીબાતી એ એક ૩૩ પરવાળાના ટાપુઓનો સમૂહ છે. જે પ્રકૃતિની દૃષ્ટિએ અત્યંત સુંદર છે, પરંતુ ગ્લોબલ વોર્મિંગ અને દરિયાઈ સપાટી વધવાને કારણે આ દેશ અસ્તિત્વના જોખમમાં છે. અહીં નવું વર્ષ પરંપરાગત નૃત્ય, ગીતો અને સી-ફૂડની જ્યાફત સાથે ઉજવવામાં આવે છે.

બીજા ક્રમે કયા દેશો આવે છે?
કિરીબાતી પછી તરત જ એટલે કે એના 15 મિનિટ કે 1 કલાક બાદ ન્યૂઝીલેન્ડ (ચથમ આઇલેન્ડ્સ), ટોંગા અને સમોઆમાં નવા વર્ષની ઉજવણીની શરૂઆત થાય છે. ન્યૂઝીલેન્ડનું ઓકલેન્ડ શહેર એ દુનિયાનું એવું પહેલું મોટું શહેર છે જ્યાં ભવ્ય આતશબાજી સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે.

સૌથી છેલ્લે નવું વર્ષ ક્યાં ઉજવાય છે? 
જ્યારે આખી દુનિયા નવા વર્ષની ઉજવણી કરીને થાકી ગઈ હોય છે, ત્યારે સૌથી છેલ્લે અમેરિકાના કેટલાક નિર્જન ટાપુઓ જેમ કે બેકર આઇલેન્ડ અને હાઉલેન્ડ આઇલેન્ડ પર નવું વર્ષ આવે છે. કિરીબાતી અને આ ટાપુઓ વચ્ચે લગભગ 26 કલાકનો ટાઈમ ડિફરન્સ જોવા મળે છે. 

છે ને એકદમ કામની માહિતી? નવા વર્ષની ઉજવણી પહેલાં આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...