ઇસ્લામાબાદ: પાડોશી દેશ પાકિસ્તાન હાલમાં તેના ઈતિહાસના સૌથી ગંભીર પ્રતિભા પલાયન (Brain Drain) ના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આર્થિક સંકટ, રાજકીય અસ્થિરતા અને ઘટતી જતી રોજગારીની તકોને કારણે પાકિસ્તાનના શિક્ષિત યુવાનો અને કુશળ વ્યવસાયિકો મોટી સંખ્યામાં વિદેશ જઈ રહ્યા છે. બ્યુરો ઓફ એમિગ્રેશનના તાજેતરના આંકડા મુજબ, છેલ્લા 24 મહિનામાં પાકિસ્તાને 5,000 ડોક્ટરો, 11,000 એન્જિનિયરો અને 13,000 એકાઉન્ટન્ટ્સ ગુમાવ્યા છે. આ આંકડાઓએ પાકિસ્તાનની સંસ્થાગત નિષ્ફળતાને વિશ્વ સમક્ષ ખુલ્લી પાડી દીધી છે.
આ સંકટથી સૌથી વધુ પ્રભાવિત પાકિસ્તાનનું આરોગ્ય ક્ષેત્ર થયું છે, જ્યાં 2011 થી 2024 વચ્ચે નર્સોના પલાયનમાં 2,144 ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે. વર્ષ 2024 માં અંદાજે 7.27 લાખ લોકોએ વિદેશમાં કામ કરવા માટે નોંધણી કરાવી હતી, જ્યારે 2025 માં નવેમ્બર સુધીમાં જ આ આંકડો 6.87 લાખને પાર કરી ગયો છે. ચિંતાજનક બાબત એ છે કે હવે માત્ર મજૂર વર્ગ જ નહીં, પરંતુ પીએચડી ધારકો અને ઉચ્ચ શિક્ષિત વ્યાવસાયિકો પણ દેશમાં ભવિષ્ય ન દેખાતા વિદેશ તરફ દોટ મૂકી રહ્યા છે.
આ ગંભીર સ્થિતિ વચ્ચે પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ આસિમ મુનીરનું નિવેદન સોશિયલ મીડિયા પર ટીકાનું કેન્દ્ર બન્યું છે. તેમણે આ પલાયનને 'બ્રેઈન ડ્રેઈન' ને બદલે 'બ્રેઈન ગેઈન' ગણાવ્યું હતું, જેની પૂર્વ સેનેટર મુસ્તફા નવાઝ ખોખર અને વિપક્ષી નેતાઓએ આકરી નિંદા કરી છે. નેતાઓનું કહેવું છે કે ઈન્ટરનેટ શટડાઉનને કારણે ફ્રીલાન્સિંગ સેક્ટરને કરોડો ડોલરનું નુકસાન થઈ રહ્યું છે અને લાખો નોકરીઓ જોખમમાં છે. લોકો કહી રહ્યા છે કે પ્રતિભાને અપમાનથી નહીં પણ તકો આપીને જ રોકી શકાય છે.
બીજી તરફ, પ્રતિભા પલાયન અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે શાહબાઝ શરીફ સરકારે એરપોર્ટ પર કડક દેખરેખ શરૂ કરી છે. વર્ષ 2025 માં અત્યાર સુધીમાં 66,154 મુસાફરોને પાકિસ્તાની એરપોર્ટ પર જ રોકી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, ખાડી દેશોમાંથી ભીખ માંગવા અને ગેરકાયદેસર સ્થળાંતરના આરોપસર હજારો પાકિસ્તાનીઓને પાછા મોકલવામાં આવ્યા છે, જેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની છબી વધુ ખરડાઈ છે.