ચંદીગઢ: પંજાબમાંથી એક ચોંકાવનારી એક ઘટના સામે આવી છે, જ્યાં વર્ષ 2015ના બહુચર્ચિત ફરીદકોટ ગોળીબાર કેસના આરોપી અને પૂર્વ આઈપીએસ (IPS) અધિકારી અમર સિંહ ચહલે કથિત રીતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હાલ તેમની સારવાર ચાલી રહી છે અને તેમની હાલત ગંભીર હોવાના અહેવાલ મળી રહ્યા છે. જોકે સત્તાવાર રીતે તેમના મૃત્યુ અંગે કોઈ પૃષ્ટી કરવામાં આવી નથી.
મળતી વિગતો અનુસાર ઘટનાસ્થળેથી પોલીસને એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં પૂર્વ અધિકારીએ આ અંતિમ પગલું ભરવા પાછળના કારણોનો ઉલ્લેખ કર્યો હોવાના અહેવાલ છે. સ્યુસાઈડ નોટ મુજબ અમર સિંહ ચહલ છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યા હતા, જેમાં તેમને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું. આ આર્થિક પાયમાલી અને તેના કારણે સર્જાયેલા માનસિક તણાવને લીધે તેમણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
નોંધનીય છે કે અમર સિંહ ચહલ ૨૦૧૫ના ફરીદકોટ ગોળીબાર કાંડમાં મુખ્ય આરોપીઓમાંના એક હતા. વર્ષ ૨૦૨૩માં પંજાબ પોલીસની એસઆઈટીએ આ મામલે પૂર્વ મુખ્ય પ્રધાન પ્રકાશ સિંહ બાદલ, સુખબીર સિંહ બાદલ અને અન્ય અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં અમર સિંહ ચહલનું નામ પણ સામેલ હતું.
આ હાઈ-પ્રોફાઈલ કેસની તપાસ ચાલી રહી હતી તે દરમિયાન જ પૂર્વ આઈપીએસ અધિકારીના આત્મહત્યાના પ્રયાસના સમાચારથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.