થાણે: પાલઘર જિલ્લામાં 2022માં પ્રોપર્ટી ડેવલપરની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા તમામ આરોપીની સંયુક્ત પૂછપરછની પોલીસની વિનંતી પર વિશેષ કોર્ટે સોમવારે ગેન્ગસ્ટર સુભાષ સિંહ ઠાકુરની પોલીસ કસ્ટડી 29 ડિસેમ્બર સુધી લંબાવી આપી હતી.
સુભાષ સિંહ ઠાકુરની પોલીસ કસ્ટડી પૂરી થતી હોવાથી સોમવારે તેને વિશેષ એમસીઓસીએ જજ એસ.એસ. શિંદે સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. વિશેષ સરકારી વકીલ સંજય મોરેએ આ કેસમાં ધરપકડ કરાયેલા અન્ય આરોપીઓ સાથે સંયુક્ત પૂછપરછ કરવા માટે ઠાકુરની પોલીસ કસ્ટડી દસ દિવસ લંબાવી આપવાની માગણી કરી હતી. જોકે કોર્ટે ઠાકુરની કસ્ટડી 29 ડિસેમ્બર સુધી લંબાવી આપી હતી.
બચાવ પક્ષના વકીલ રાહુલ અરોટે ફરિયાદ પક્ષની વિનંતીનો વિરોધ કરતા દલીલ કરી હતી કે તપાસકર્તા પક્ષની ઠાકુરની તપાસ કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો છે.
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ‘ગુરુ’ ઠાકુરને ઉત્તર પ્રદેશની ફતેહગઢ સેન્ટ્રલ જેલમાંથી ગયા સપ્તાહે કસ્ટડીમાં લેવાયો હતો.
પાલઘર જિલ્લાના વિરારમાં મનવેલપાડા વિસ્તારમાં ફેબ્રુઆરી, 2022માં પ્રોપર્ટી ડેવલપર સમય ચવાણ (32)ની હત્યા બદલ ઠાકુર સામે ગુનો દાખલ કરાયો હતો. ઠાકુર વિરુદ્ધ એમસીઓસીએ પણ લગાવવામાં આવ્યો હતો.
સ્થાનિક બિલ્ડર રાહુલ દુબે અને ચવાણ વચ્ચે મિલકતનો વિવાદ હતો અને તેને કારણે ચવાણની હત્યા કરવામાં આવી હતી. બાઇક પર આવેલા બે હુમલાખોરે ચવાણને ગોળી મારી હતી.
દુબેની બિહારના બલિયાથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે શૂટરોને મનીષ સિંહ તથા રાહુલ શર્મા તરીકે ઓળખી કાઢવામાં આવ્યા હતા. શર્મા અને તેના સાથીદાર અભિષેક સિંહને 29 માર્ચે વારાણસીથી ઝડપી પાડવામાં આવ્યા હતા. (પીટીઆઇ)