મુંબઈઃ ઘાટકોપર જૉલી જિમખાના (Jolly gymkhana)ની ક્રિકેટ સબ કમિટી દ્વારા 25-11-25ના રોજ઼ શરૂ કરવામાં આવેલી ચોથી ગર્લ્સ અંડર 15 સિલેકશન ટ્રાયલ ટૂર્નામેન્ટ સોમવાર, 1-12-25ના રોજ પૂર્ણ થઈ હતી.
ટૂર્નામેન્ટ (tournament)નું આયોજન સિલેક્ટ થયેલી 48 ગર્લ્સની ત્રણ ટીમ (ટીમ રેડ, ટીમ ગ્રીન, ટીમ બ્લુ)માં વહેંચીને લીગ સિસ્ટમથી ટૂર્નામેન્ટ રાખવામાં આવી હતી જેમાં ફાઇનલમાં ટીમ રેડ અને ટીમ ગ્રીન વચ્ચે મુકાબલો થયો હતો. ફાઇનલમાં ટીમ રેડ (7/205) સામે ટીમ ગ્રીને (3/206) સોનાક્ષી સોલંકીના અણનમ 106 રનની મદદથી વિજય મેળવીને ટાઇટલ જીતી લીધું હતું.
બેસ્ટ બૅટર ઑફ ધ ટૂર્નામેન્ટ - સોનાક્ષી સોલંકી (162 રન ), બેસ્ટ બોલર-અદવૈતા તોરાસ્કાર-(4 વિકેટ ) તથા પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ-ઉન્નતિ પાટીલ (84 રન અને 2 વિકેટ)ને તથા વિજેતા અને ઉપવિજેતાને ટ્રોફીઓ આપીને નવાજવામાં આવ્યા હતા. આ ટૂર્નામેન્ટ બાદ પ્લેયર્સના પર્ફોમન્સ જોઈને મુંબઇ તરફથી રમવા માટેની 16 પ્લેયર્સની ટીમનું સિલેકશન થશે.
કાર્યક્રમના અંતમાં એમસીએના અધ્યક્ષ અજિંક્ય નાઇકે મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને મહિલા ક્રિકેટને વધુને વધુ આગળ લાવવા એમસીએ ખૂબ જ પ્રયત્નશીલ રહેશે એવું જણાવ્યું હતું.
અંતમાં ક્રિકેટ-ઇન્ચાર્જ નિશિથ ગોલવાળાએ જણાવ્યું હતું કે જૉલી જિમખાના તરફથી રમતી સાઈમા ઠાકુર ભારત વતી રમી ચૂકી છે અને હાલમાં મુંબઇ તરફથી રમી રહી છે.