પણજી: રવિવારે મધ્યરાત્રિ પછી ગોવાનાં આર્પોરા ખાતે આવેલા બિર્ચ બાય રોમિયો લેન નાઇટક્લબમાં લાગેલી આગની ઘટનામાં 25 લોકોએ જીવ ગુમાવ્યો હતો. નાઇટક્લબના માલિક સૌરભ લુથરા અને ગૌરવ લુથરા કાર્યવાહીથી બચવા દેશ છોડીને ભાગી ગયા છે. એવામાં જાણવા મળ્યું છે કે જ્યારે આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે લુથરા ભાઈઓ ફ્લાઈટમાં બેસીને થાઇલેન્ડ માટે રવાના થઇ ગયા હતાં.
ગોવા પોલીસે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું કે, બિર્ચ બાય રોમિયો લેન નાઇટક્લબમાં આગ લાગી હોવાની જાણ કરતો ફોન શનિવારે રાતે 11:45 કરવામાં આવ્યો હતો. આગ્નીકાંડના મુખ્ય આરોપી સૌરભ અને ગૌરવ લુથરાએ રવિવારે 1:17 વાગ્યે ફ્લાઈટ ટિકિટ બુક કરાવી હતી. આમ એક તરફ આગ બુજાવવાની કાર્યવાહી ચાલી રહી હતીં અને બીજી તરફ આરોપીઓ દેશછોડીને ભાગી જવાની યોજના બનાવી રહ્યા હતાં.
ગોવા પોલીસની સ્પષ્ટતા:
ગોવા પોલીસના એક અધિકારી એ જણાવ્યું, “લુથરા ભાઈઓએ 7 ડિસેમ્બરના રોજ સવારે 1:17 વાગ્યે મેક માય ટ્રીપ(MMT) પ્લેટફોર્મ પર થાઇલેન્ડ માટેની ટિકિટ બુક કરાવી હતી. મતલબ કે જ્યારે ગોવા પોલીસ અને ફાયર સર્વિસ આગ ઓલવવાની કામગીરી કરી રહ્યા હતાં અને ફસાયેલા લોકોને બચાવી રહ્યા હતા, ત્યારે આરોપીઓ દેશ છોડીને ભાગી જવાની યોજના બનાવી રહ્યા હતાં."
અગાઉ આરોપ લાગી રહ્યા હતાં કે પોલીસે આરોપોને ભાગી જવા મદદ કરી હતી. ગોવા પોલીસે સ્પષ્ટતા કરીને આવા આરોપોને નકારી કાઢ્યા હતાં. પોલીસે કહ્યું કે દુર્ઘટના કેટલી મોટી છે એની જાણ થાય એ પહેલા જ બંને આરોપીઓ ભાગી ગયા હતા.
ગોવા પોલીસ ઇન્ટરપોલના સંપર્કમાં:
નિવેદનમાં જણાવવામાં આવ્યું કે ગોવા પોલીસ અને અન્ય એજન્સીઓના કર્મચારીઓ આખી રાત રેસ્ક્યુ ઓપરેશનમાં વ્યસ્ત હતાં, સવારે 6:00 વાગ્યા સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું. આરોપીઓ નવી દિલ્હીથી સવારે 5:30 વાગ્યાની ઇન્ડિગો 6E 1073 ફ્લાઇટમાં બેસીને થાઈલેન્ડના ફુકેત માટે નીકળી ગયા હતાં.
થાઈલેન્ડમાં આરોપીઓની ધરપકડ માટે ગોવા પોલીસે ઇન્ટરપોલનો સંપર્ક કર્યો છે.
આગોતરા જામીન માટે અરજી:
બંને ભાઈઓએ તેમના વકીલો મારફતે ગઈ કાલે દિલ્હીની એક કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. કોર્ટે તાત્કાલિક રાહત આપી ન હતી, વધુ સુનાવણી આજે ગુરુવારે કરવામાં આવશે. અરજીમાં લુથરા ભાઈઓએ દલીલ કરી છે કે તેઓ ક્લબના માલિક નથી, તેઓ માત્ર લાઇસન્સધારક છે.