નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે એવી માહિતી આપી હતી કે ઝડપથી વિસ્તરી રહેલા શહેરી વિસ્તારોમાં માળખાકીય સુવિધા મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારની કટિબદ્ધતાના ભાગરૂપે પુણે મેટ્રોપોલિટન ક્ષેત્ર માટે 32,523 કરોડ રૂપિયાના 220 વિકાસ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે.
ફડણવીસ નાગપુરના વિધાન ભવન સંકુલમાં યોજાયેલી પુણે મેટ્રોપોલિટન આયોજન સમિતિની પાંચમી બેઠકમાં બોલી રહ્યા હતા. નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવાર, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ખાતાના પ્રધાન ચંદ્રકાંત પાટિલ અને અનેક વિધાનસભ્યો બેઠકમાં હાજર રહ્યા હતા.
પુણે સાથે સંકળાયેલા આગામી પ્રોજેક્ટ્સમાં પાવના, ઇન્દ્રાયણી, મુળા અને મુઠા નદીઓના પુનર્જીવન, મુખ્ય જંકશન પર 17 ટ્રાફિક ડિક્ધજેશન પ્રોજેક્ટ્સ, 10 પ્રવાસન કેન્દ્રો, એક સ્કાયવોક, પાંચ મલ્ટી-મોડલ હબ પ્રોજેક્ટ્સનો સમાવેશ થતો હોવાની માહિતી તેમણે આપી હતી.
યરવડા અને કાત્રજ વચ્ચે વીસ કિમી લાંબી ટનલનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટની વ્યવહારુતાનું મૂલ્યાંકન ચાલી રહ્યું છે અને અંદાજિત ખર્ચ 7,500 કરોડ રૂપિયા છે.
મુખ્ય પ્રધાને કહ્યું હતું કે પુણેના ઝડપી શહેરીકરણ માટે આયોજિત અને સંકલિત વિકાસની જરૂર છે.
તેમણે અધિકારીઓને ભવિષ્યમાં વસ્તી વધારા અને વિસ્તરણને ધ્યાનમાં રાખીને, નિર્ધારિત સમયમર્યાદામાં માળખાકીય યોજના પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
ફડણવીસે કહ્યું કે જૂન 2021માં પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (પીએમસી)ની હદમાં ભળી ગયેલા 23 ગામોનું આયોજન પાલિકા દ્વારા કરવું જોઈએ. તેમણે પુણે યુનિવર્સિટી નજીકના ફ્લાયઓવરના ઔપચારિક ઉદ્ઘાટનની રાહ જોયા વિના જાહેર ઉપયોગ માટે ખુલ્લો મૂકવાનો પણ નિર્દેશ આપ્યો. શહેર માટે એક વ્યાપક ગતિશીલતા યોજના તૈયાર કરવા માટે ટૂંક સમયમાં તમામ સમિતિના સભ્યોની બેઠક યોજાશે, એમ તેમણે ઉમેર્યું હતું.
પુણે મેટ્રોપોલિટન રિજનમાં ચાલી રહેલા કામોમાં - 589 કિમીને આવરી લેતા 127 રોડ પ્રોજેક્ટ્સ, 83 કિમીનો રિંગ રોડ, વિકાસ કેન્દ્રો, ઔદ્યોગિક પટ્ટાઓ અને એરપોર્ટને જોડતા રસ્તાના કામો, ત્રણ પુલ/ફ્લાયઓવર પ્રોજેક્ટ્સ, ત્રણ હાઉસિંગ પ્રોજેક્ટ્સ, ચાર પાણી પુરવઠા યોજનાઓ (વાઘોલી યોજના પૂર્ણ)નો સમાવેશ થાય છે.
નવલે બ્રિજ નજીક વારંવાર થતા અકસ્માતોના મુદ્દા પર, મુખ્ય પ્રધાને અધિકારીઓને મુંબઈ-બેંગલુરુ હાઇવે પર સર્વિસ રોડનું કામ શરૂ કરવા અને અકસ્માતો ઘટાડવા માટે વધારાના વિકલ્પો શોધવાનો નિર્દેશ આપ્યો. માણ-હિંજવડી-શિવાજીનગર મેટ્રો લાઇન-3ની પ્રગતિની સમીક્ષા કરતા, ફડણવીસે નિર્દેશ આપ્યો કે આ પ્રોજેક્ટ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થવો જોઈએ.