Thu Jan 01 2026

Logo

White Logo

ઊના-ગીરગઢડામાં 'લીલો દુષ્કાળ': : રાવલ ડેમના ત્રણ દરવાજા ખોલાતા જળબંબાકાર 16 ગામો અસરગ્રસ્ત

2 months ago
Author: Himanshu Chavada
Video

ઊના/ગીરગઢડા: ગીર સોમનાથ જિલ્લાના ઊના અને ગીરગઢડા તાલુકામાં મેઘરાજાએ અર્ધી સદીનો વરસાદ વરસાવતાં 'લીલા દુષ્કાળ' જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. અતિવૃષ્ટિના કારણે ખેડૂતો પહેલાથી જ પરેશાન હતા ત્યાં હવે રાવલ ડેમ માંથી પાણી છોડવાના કારણે કૃત્રિમ આફત આવી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

રાતોરાત ડેમના ત્રણ દરવાજા ખોલ્યા

ઉપરવાસમાં ભારે વરસાદ અને જંગલના પાણીની જબરજસ્ત આવક થતાં રાવલ ડેમમાં જળસ્તર ભયજનક સપાટી વટાવી ગયું હતું. આથી, ડેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા રાતોરાત ડેમના ત્રણ દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલી નાખવામાં આવ્યા હતા.

ડેમમાંથી પાણી છોડવાના કારણે નીચાણવાળા વિસ્તારમાં સ્થિત ઊનાના સનખડા પંથક સહિત રાવલ ડેમ હેઠળના આશરે 16 ગામોમાં પરિસ્થિતિ અત્યંત નાજુક બની ગઈ છે. સનખડા વિસ્તારના અનેક ભાગોમાં ડેમનું પાણી ઘૂસી જતાં રાત્રિના સમયે તંત્ર દોડતું થયું હતું અને લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી હતી.

તાત્કાલિક નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ

રાવલ ડેમનું પાણી છોડાતા માલણ, રૂપેણ અને શાહી જેવી સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. આ નદીઓના પાણી ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોનો ઉનાળુ અને ચોમાસુ એમ તમામ કૃષિ પાક પાણીમાં તણાઈ ગયો છે.

પાણીના આ પ્રચંડ પ્રવાહથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. ઊભા પાકનો સંપૂર્ણ નાશ થતાં ખેડૂતો માથે આભ તૂટી પડ્યું છે. વ્યાપક જળબંબાકારના કારણે સમગ્ર પંથકના જનજીવન પર ભારે અસર પડી છે અને અનેક જગ્યાએ રસ્તાઓ ધોવાઈ જતાં સંપર્ક પણ કપાઈ ગયો છે. ખેડૂતો હવે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરીને નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે.