નવી દિલ્હી : ભારત સરકારે બે ભાગેડુ વિજય માલ્યા અને લલિત મોદીને દેશ પરત લાવવાની પ્રતિબધ્ધતા વ્યકત કરી છે. તેની બાદ પોતાને ભારતના બે ભાગેડુમાંથી એક ગણાવતા લલિત મોદીની શાન ઠેકાણે આવી છે. ભાગેડુ લલિત મોદીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં ભારત સરકારની માફી માંગી છે. આ પૂર્વે વિજય માલ્યાની જન્મદિવસની પાર્ટીમાં લલિત મોદી પણ હાજર હતા. લલિતે પોતે આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો.જેમાં તેમણે કટાક્ષમાં પોતાને અને માલ્યાને ભારતના બે સૌથી મોટા ભાગેડુ ગણાવ્યા હતા.
નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું
જયારે હવે ભાગેડુ લલિત મોદીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં માફી માંગી. તેમણે લખ્યું, જો મેં કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડી હોય ખાસ કરીને ભારત સરકાર જેના માટે મને ખૂબ માન છે તો હું માફી માંગુ છું. લલિત મોદીએ પોસ્ટમાં આગળ લખ્યું કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હતું અને તે ક્યારેય તેમનો હેતુ નહોતો. હું ફરી એકવાર નિષ્ઠાપૂર્વક માફી માંગુ છું. વિજય માલ્યાની જન્મદિવસની પાર્ટીના વીડિયોમાં, લલિત મોદી હસીને કહે છે, આપણે બે ભાગેડુ છીએ... ભારતના સૌથી મોટા ભાગેડુ. તેમજ પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે મને એવું કંઈક કરવા દો જે ઇન્ટરનેટ પર ફરીથી હલચલ મચાવે..
સરકાર ભાગેડુઓને પરત લાવવા માટે પ્રતિબદ્ધ
જોકે, થોડા દિવસ પૂર્વે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલને પૂછવામાં આવ્યું હતું કે ભાગેડુ વિજય માલ્યા અને લલિત મોદીને ક્યારે ભારત પાછા લાવવામાં આવશે. ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે, ભારત સરકાર ભાગેડુઓને પરત લાવવા માટે પ્રતિબદ્ધ છે. અમે આ બાબતે ઘણા દેશો સાથે ચર્ચા કરી રહ્યા છીએ. અમે તેમને પરત લાવવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે.