ગાંધીનગર: આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગુજરાત ભાજપમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ઓક્ટોબર 2025માં જગદીશ વિશ્વકર્માને ગુજરાત ભાજપ પ્રદેશના પ્રમુખ બનાવાયા હતા. ત્યારે હવે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા પ્રદેશ સંગઠનના નવા હોદ્દેદારો અને વિવિધ મોરચાઓના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. આ યાદીમાં અનુભવી અને યુવા નેતાઓના નામ જોવા મળ્યા છે.
વિવિધ જિલ્લાના 36 નામની જાહેરાત
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા પ્રદેશ ઉપપ્રમુખ, પ્રદેશ મહામંત્રી, પ્રદેશ મંત્રી, પ્રદેશ કોષાધ્યક્ષ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા, પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ તથા પ્રદેશ મોરચાના પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી, 10 મંત્રી, 7 મોરચા પ્રમુખ તથા 1-1 કોષાધ્યક્ષ, સહ કોષાધ્યક્ષ, કાર્યાલય મંત્રી, મુખ્ય પ્રવક્તા અને મીડિયા ઇન્ચાર્જનો સમાવેશ થાય છે.

નવા ભાજપ સંગઠનમાં અનિરુદ્ધ દવે, ડો. પ્રશાંત કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ અને અજય બ્રહ્મભટ્ટને મહામંત્રી બનાવવામાં આવ્યા છે. મોરચા પ્રમુખોની વાત કરીએ તો ડૉ. હેમાંગ જોશીને યુવા મોરચા, અંજુબેન વેકરીયાને મહિલા મોરચા, હિરેન હિરપરાને કિસાન મોરચા, માનસિંહ પરમારને ઓ.બી.સી. મોરચા, ડૉ. કિરીટ સોલંકીને એસ.સી. મોરચા, ગણપત વસાવાને એસ.ટી. મોરચા તથા નાહિન કાઝીને લઘુમતી મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

ડૉ. અનિલ પટેલને મુખ્ય પ્રવક્તા તથા પ્રશાંત વાળાની મીડિયા ઈન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ડૉ. પરિન્દુ ભગતને કોષાધ્યક્ષ તથા મોહન કુંડારીયાને સહ કોષાધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. શ્રીનાથ શાહને કાર્યાલય મંત્રી તરીકેનો પદભાર સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, નવા સંગઠનના કુલ 36 સભ્યોમાંથી 9 સભ્યો સૌરાષ્ટ્રના છે.