Mon Dec 22 2025

Logo

White Logo

ગુજરાત સરકારે વર્ગ-3ની પરીક્ષા પદ્ધતિમાં : કર્યો મોટો ફેરફાર, જાણો શું બદલાયું

2 days ago
Author: Himanshu Chawda
Video

ગાંધીનગર: રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા વર્ગ-3ની ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ સંવર્ગની ભરતી પરીક્ષાના ગુણભારમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગના સંયુક્ત સચિવ રોનક મહેતાની સહી સાથે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી સમયમાં યોજાનારી તમામ વર્ગ-3ની ભરતીઓમાં આ પદ્ધતિ લાગુ પડશે. આ જાહેરનામા અનુસાર હવે વર્ગ-3ની પરીક્ષામાં ગણિત (Maths) અને તાર્કિક કસોટી (Reasoning)નું મહત્વ વધારી દેવામાં આવ્યું છે.

વર્ગ-3ની નવી પરીક્ષા પદ્ધતિમાં શું બદલાયું?

સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા વર્ગ-3ની તાંત્રિક (Technical) અને બિન-તાંત્રિક (Non-Technical) સંવર્ગની ભરતી પરીક્ષા કુલ 210 ગુણની જ રહેશે, પરંતુ ભાગ-અ(Part A) અને ભાગ-બ(Part B) એમ બે ભાગમાં લેવાતી આ પરીક્ષાના ગુણભારમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પરીક્ષાના ભાગ-અ (Part A)ના ગુણ 60થી વધારીને 90 કરવામાં આવ્યા છે.

આ ફેરફાર મુજબ હવેથી તાર્કિક કસોટી (Reasoning & Data Interpretation)ના 30 ગુણ, ગાણિતિક કસોટી (Maths/Quantitative Aptitude)ના 30 ગુણ અને બંધારણ, વર્તમાન પ્રવાહો, અંગ્રેજી અને ગુજરાતી અર્થગ્રહણ જેવા અન્ય વિષયોના 30 ગુણ રહેશે. આમ Part A કુલ 90 ગુણનો રહેશે. જોકે, Part Bમાં માર્ક્સ ઘટાડવામાં આવ્યા છે. અગાઉ Part Bનું પેપર 150 માર્ક્સનું આવતું હતું. આ માર્ક્સ ઘટાડીને 120 કરવામાં આવ્યા છે. આ પેપરમાં જે-તે વિષયને લગતા પ્રશ્નો પૂછવામાં આવે છે.

ઉમેદવારોને બદલવી પડશે પોતાની રણનીતિ

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો પોતાના મુખ્ય વિષયના જોરે મેરિટમાં આવતા હતા, પરંતુ હવે ગણિત અને રીઝનિંગ મેરિટમાં આવવા માટે મહત્ત્વનું સાબિત થશે. તેથી જે ઉમેદવારો જૂની પદ્ધતિ મુજબ તૈયારી કરતા હતા, તેમને હવે પોતાની રણનીતિ બદલવી પડશે અને ગણિત-રીઝનિંગ પર વધુ ભાર મૂકવો પડશે. જોકે, આ ફેરફાર કરવા પાછળ સરકારનો હેતુ ઉમેદવારોની બૌદ્ધિક ક્ષમતા અને તાર્કિક શક્તિ વધુ સારી રીતે ચકાસવાનો છે.