મુંબઈ: નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેને જવાહરલાલ નેહરુ પોર્ટ (JNPA) સાથે જોડવા માટે એક નવો 14 કિમી લાંબો રસ્તો બનાવવાની યોજના બનાવી રહી છે. આ રસ્તો મોરબેથી કલંબોલી થઈને તલોજા જશે. વિરાર-અલીબાગ કોરિડોરમાં વિલંબને કારણે NHAIએ આ કામ શરૂ કર્યું છે.
આ રસ્તો મહારાષ્ટ્રના તલાસરીથી મોરબે સુધી બનાવવામાં આવી રહ્યો છે અને તેનું 70 ટકા બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. આ આઠ-લેનનો ખાસ હાઇવે માથેરાનની ટેકરીઓની તળેટીમાં બદલાપુર નજીક મોરબે ખાતે પૂરો થશે. જ્યાં NHAI એ એક ટનલ ખોદી છે, જે લગભગ પૂર્ણ થઈ ગઈ છે. ત્યાંથી JNPA સુધી રસ્તો બનવાની અપેક્ષા છે.
આ માટે મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ (MSRDC) એ વિરાર-અલીબાગ કોરિડોર હેઠળ 21 કિમી લાંબો રસ્તો બનાવવાની યોજના બનાવી છે. જોકે, MSRDC ને કામમાં ભારે વિલંબ થઈ રહ્યો છે અને પ્રોજેક્ટ અટકી ગયો છે. એટલા માટે NHAI એ હવે MSRDC પર આધાર રાખવાને બદલે પોતાનો અલગ 14 કિમીનો રસ્તો બનાવવા માટે એક પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું છે.
જાણો સમગ્ર શું યોજના છે?
MSRDC મોરબેથી કરંજડે સુધી 21 કિલોમીટરનો રસ્તો બનાવવાની યોજના ધરાવે છે,જે અલીબાગ સુધી જશે. આ માટે જમીન સંપાદન પણ જરૂરી છે. જોકે, NHAI કરંજડેને બદલે કલંબોલી સુધીનો રસ્તો બનાવવાની યોજના ધરાવે છે. નવો રસ્તો માંડ બે થી ત્રણ કિલોમીટર લાંબો હશે.
આનાથી મોરબેમાં ટનલમાંથી બહાર નીકળતા વાહનો તલોજા સુધી જશે, ત્યાંથી તેઓ MIDC રોડ સાથે જોડાશે, તેથી 14 કિલોમીટરનો નવો રસ્તો બનાવવાને બદલે NHAI MIDCમાં પરિવહન જરૂરિયાતોને અનુરૂપ રસ્તો વિકસાવશે. આનાથી સમગ્ર 14 કિલોમીટરના રસ્તાનો કુલ ખર્ચ મહત્તમ 100 કરોડ રૂપિયા થશે. NHAIના અધિકારીઓએ જણાવ્યું હતું કે મંત્રાલય દ્વારા ડિઝાઇનને મંજૂરી આપવામાં આવી છે.
આ પ્રોજેક્ટ શરૂઆતમાં અમદાવાદ હાઇ-વે અને ઘોડબંદર રોડ પર જુચંદ્રથી અલીબાગ સુધીના 126 કિમીના પટ્ટા પર ટ્રાફિકની ભીડ ઓછી કરવા માટે બનાવવામાં આવ્યો હતો, પરંતુ તેને નવઘર (વસઈ)થી બાલાવલી (પેણ તાલુકો) સુધી 98 કિલોમીટર વધુ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે 26,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.