Thu Dec 11 2025

Logo

White Logo

ગુજરાતના નવસારીમાંથી : રૂપિયા 7.36 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, દુબઈ કનેક્શન ખુલ્યું

1 day ago
Author: Chandrakant Kanoja
Video

અમદાવાદઃ  દેશમાં સતત સાયબર ફ્રોડના કેસો વધી રહ્યા છે. જેમાં ગુજરાતના નવસારીના મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને સાયબર ફ્રોડ આચરનાર ટોળકીના 5 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે 'ઓપરેશન મ્યુલ હંટ' હેઠળ આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, કેન્દ્ર સરકારના  ઇન્ડિયન સાયબર ક્રાઈમ કોર્ડીનેશન સેન્ટર નવી દિલ્હી તરફથી મ્યુલ બેંક એકાઉન્ટની પ્રાપ્ત થયેલી માહિતીના આધારે નવસારી સાઈબર ક્રાઈમ પોલીસની ટીમ દ્વારા વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી હતી.

ઈન્ડસન્ડ બેંકનું એક મ્યુલ બેંક એકાઉન્ટ મળી આવ્યું

આ તપાસ દરમ્યાન ઈન્ડસન્ડ બેંકનું એક મ્યુલ બેંક એકાઉન્ટ મળી આવ્યું હતું. જેમાં 1 કરોડ 80 લાખથી વધુના ફ્રોડ ટ્રાન્જેકશન થયા હોવાનું તથા ભારતના વિવિધ રાજ્યોમાંથી 7 સાયબર ફ્રોડ કમ્પલેન થઇ હોવાનું માલુમ પડતા આ મામલે વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી હતી.આ એકાઉન્ટ નવસારીના જલાલપોર તાલુકાના એરુ ચાર રસ્તા પાસે રહેતા રાહુલ નંદુ કુમાવત [ઉ.25]નું હોવાનું માલુમ પડ્યું હતું જેના અન્ય 3 બેંક એકાઉન્ટોમાં પણ 28 લાખથી વધુના સાયબર ફ્રોડ ટ્રાન્જેકશન તથા તે એકાઉન્ટ પર 5 જેટલી સાબર ફ્રોડ કમ્પલેન થઇ હોવાનું માલૂમ પડતા નવસારી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી.

કુલ 5 આરોપીઓને ઝડપી પાડ્યા 

આ મામલે મ્યુલ બેંક એકાઉન્ટ હોલ્ડર તથા આ બેંક કીટો અને સિમ કાર્ડ મેળવી આગળ પહોચાડનાર ચાર એજન્ટો સહિત કુલ 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 7 મોબાઈલ ફોન, અન્ય લોકોના 3 સીમકાર્ડ, 12 ડેબીટ/ક્રેડીટ કાર્ડ, 12 પાન કાર્ડ, 4,32,800 રોકડા રૂપિયા અને ફોર વ્હીલ કાર સહીત કુલ 15,12,800 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં પોલીસે રાહુલ નંદુ કુમાવત (ઉ.25), નિમેશ અશોકભાઈ પાડવે (ઉ.33) આનંદ રમેશભાઈ રૂડાણી (ઉ.30), મિલન રમેશભાઈ સતાણી (ઉ.30) અને સુમિત કુમાર અશોકભાઈ મોરડિયા (ઉ.29) ને ઝડપી પાડ્યા હતા.

રાહુલ કુમાવત બેંક ખાતા ધારક

આ સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે, રાહુલ કુમાવત બેંક ખાતા ધારક છે, જેણે પોતાના ચાર બેંક એકાઉન્ટ ખોલીને નિમેશ પાડવે તથા આનંદ રૂડાણીને આપ્યા હતા. જ્યારે આરોપી નિમેશ પડવે બેક કીટ લેનાર એજન્ટ/મધ્યસ્થી, આનંદ રૂડાણી- બેંક કીટ લઈને આગળ મિલન સતાણી સુધી પહોચાડનાર તથા પોતાના પણ ચાર બેંક એકાઉન્ટ ખોલીને આગળ આપનાર, મિલન સતાણી- બેક એકાઉન્ટ દુબઈ ખાતે મોકલનાર તથા બેંક એકાઉન્ટમાં લેતી દેતી કરનાર તથા યુએસડીટી માં કન્વર્ટ કરવામાં મુખ્ય સુત્રધાર સુમિત મોરડિયા - લોકો પાસેથી બેંક એકાઉન્ટ લઇ મિલન સતાણીને આપનાર જેની પર વર્ષ 2024 માં અમદાવાદ સાયબર ક્રાઈમ ખાતે ગુનો દાખલ થયો છે.

ભારતના વિવિધ રાજ્યોમાંથી 19 સાયબર ફ્રોડ કમ્પ્લેઇન 

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી રાહુલ કુમાવતના કુલ 4 બેંક એકાઉન્ટમાં કુલ 2 કરોડ 11 લાખથી વધુના ફ્રોડ ટ્રાન્જેકશન તથા ભારતના વિવિધ રાજ્યોમાંથી 12 સાયબર ફ્રોડ કમ્પ્લેઇન થઇ છે.  આરોપી આનંદ રમેશભાઈ રૂડાણીના ચાર બેંક એકાઉન્ટમાં કુલ 5 કરોડ 25 લાખથી વધુના ફ્રોડ ટ્રાન્જેકશન તથા ભારતના વિવિધ રાજ્યોમાંથી 19 સાયબર ફ્રોડ કમ્પ્લેઇન થઇ છે.

ભારતના વિવિધ રાજ્યોમાંથી કુલ 31 સાયબર કમ્પ્લેઇન

આમ સાયબર ક્રાઈમ આચરતી આ ટોળકી દ્વારા 8 મ્યુલ બેંક એકાઉન્ટોમાં કુલ 7 કરોડ 36 લાખથી વધુના ફ્રોડ ટ્રાન્જેકશન કરેલ/કરાવેલા છે જેમની પર ભારતના વિવિધ રાજ્યોમાંથી કુલ 31 સાયબર કમ્પ્લેઇન થઇ છે. હાલ પકડાયેલા આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે, આરોપીઓની પૂછપરછ દરમ્યાન તેઓ દુબઈ સ્થિત સાયબર ફ્રોડ આચરનાર ટોળકી સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. જેની પણ વધુ તપાસ પોલીસ કરી રહી છે.