Thu Jan 01 2026

Logo

White Logo

મનન : શ્રુતિ ને સ્મૃતિ

3 days ago
Author: Mumbaisamachar Team
Video

હેમંત વાળા

‘વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે’, નરસિંહ મહેતાના પદની આ પંક્તિ બધાંએ સાંભળી છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, વિશે તો બધાં જાણે છે. શ્રુતિ અને સ્મૃતિ બાબતે હજી સમાજમાં એટલી સમજ નથી. શ્રુતિ અને સ્મૃતિ એ સનાતની સાહિત્યની બે મુખ્ય શ્રેણીઓ છે. તેમના વચ્ચેનો ભેદ તેની ઉદ્ગમ-પ્રક્રિયાને આધારિત છે.

શ્રુતિ અર્થાત્ જે સાંભળવામાં આવ્યું છે. તેનો સંબંધ સાંભળવાની પ્રક્રિયા સાથે છે. આ શ્રેણીમાં દિવ્ય કૃપાથી દિવ્ય વ્યક્તિઓ દ્વારા જે સાંભળવામાં આવ્યું તેનો સંગ્રહ છે. જ્યારે, સ્મૃતિનો સંબંધ યાદદાસ્ત સાથે છે. સ્મૃતિ એટલે જે યાદ છે તે અથવા જેને યાદ કરવામાં આવ્યું છે તે અથવા જે યાદ આવ્યું છે તે. આ શ્રેણીમાં ઋષિમુનિઓને જે યાદ આવ્યું તે કોઈ સ્વરૂપે આલેખાયું છે.

શ્રુતિ એ દૈવિક જ્ઞાન છે, જે ભગવાન અથવા પરમાત્મા તરફથી પ્રાપ્ત થાય છે. આ જ્ઞાન, આપણને સૃષ્ટિ તથા જીવનના ગહન સત્ય અને આધ્યાત્મિક સત્તાને ઓળખવા માટેનો માર્ગ પ્રશસ્ત કરે છે. આ શાસ્ત્ર પણ બે શ્રેણીમાં વર્ગીકૃત કરાયાં છે, પણ તેની ચર્ચા અહીં અસ્થાને છે.

શ્રુતિ દૈવી પ્રેરણાથી સંભળાઈ હતી તેમ માનવામાં આવે છે. આ શ્રેણીનાં શાો ઋષિમુનિઓ દ્વારા સત્ય-પ્રેરણાથી પ્રકાશિત થયાં હતાં. આ ઋષિમુનિઓને તેમની આંતરિક શક્તિ, આધ્યાત્મિકતા, સાત્ત્વિકતા, શુદ્ધિ, પવિત્રતા, આધ્યાત્મિક નિષ્ઠા, ધર્મ પરાયણતા, સત્ય નિષ્ઠા, દૈવી સંપત્તિ, સ્થિતપ્રજ્ઞતા, ઈશ્વર શ્રદ્ધા, બ્રહ્મ જિજ્ઞાસા તથા ગહન તાત્ત્વિક ચિંતનના પરિણામ સ્વરૂપ આ શા પ્રત્યક્ષ થયાં હતાં. સૌથી અધિકૃત અને મૂળભૂત શાસ્ત્ર તરીકે માનવામાં આવતી શ્રુતિ, સનાતની સંસ્કૃતિ તથા સનાતની વિચારધારાનો પ્રારંભિક આધાર છે. 

એમ જણાય છે કે વિશ્વની સૌથી પરિપક્વ, પ્રાચીન, પવિત્ર અને પાવક વિચારધારા, શ્રુતિ દ્વારા, એક રીતે મૌલિક-સત્ય, આદર્શ-ધર્મ અને આધ્યાત્મિક ઊંડાણની પરિભાષા સ્થાપિત કરે છે. અહીં જે સ્થાપિત થયું છે, જે રીતે સ્થાપિત થયું છે, જે હેતુથી સ્થાપિત થયું છે, જે તર્ક અને નિયમબદ્ધતાથી સ્થાપિત થયું છે, તે વિશે આજ સુધી કોઈ પ્રશ્ન નથી ઉઠાવી શકાયો. આ એક સંપૂર્ણ જ્ઞાનનો ભંડાર છે. વેદ-ઉપનિષદ શ્રુતિના ભાગ છે.

શ્રુતિની અપેક્ષાએ સ્મૃતિ માનવ નિર્મિત શા છે. અહીં મહાભારત, રામાયણ, પુરાણ, વિવિધ ધર્મશા તથા મનુસ્મૃતિ જેવી રચનાનો સમાવેશ થાય છે. બ્રહ્મ-સૂત્ર શિવ-સૂત્ર જેવાં શા પણ સ્મૃતિ શ્રેણીમાં ગણાય છે. આ ઉપરાંત અહીં વિવિધ ટીકાઓ, ધાર્મિક તેમ જ પવિત્ર નિયમો તથા સાત્ત્વિક શ્રદ્ધાને પોષે તેવી માન્યતાને આધારિત આલેખાયેલા પુસ્તકોનો પણ સમાવેશ થાય છે. સ્મૃતિઓની સંખ્યા વધારે છે અને તે સમાવેશીય છે. તેમાં વિવિધતા પણ જોવા મળે છે, જાણે તે બધી જ વિચારધારાનો સમાવેશ કરવાનો પ્રયત્ન કરે છે. આને કારણે ક્યારેક સ્મૃતિમાં શ્રુતિની વિરુદ્ધ કશુંક પ્રતીત થાય, પરંતુ તેવા સંજોગોમાં શ્રુતિની વિચારસરણીને પ્રાધાન્ય અપાય છે.

શ્રુતિ મૂળ રૂપે ‘ધર્મ અને આત્માનુભૂતિ’ના મૂળભૂત સિદ્ધાંતો માટેનો આધાર છે, જ્યારે સ્મૃતિ સમાજ અને જીવનશૈલીને ચોક્કસ પ્રકારની ઉચ્ચ વિચારધારા અનુસાર પદ્ધતિબદ્ધ કરવા માટે માર્ગદર્શક છે. શ્રુતિ દૈવિક અને શાશ્વત જ્ઞાન સમાન છે જ્યારે સ્મૃતિ તેનું સાંદર્ભિક અર્થઘટન છે એમ પણ કહી શકાય. મનુ મહારાજ દ્વારા લખાયેલ મનુસ્મૃતિ હોય કે યાજ્ઞવલ્ક્ય ઋષિ દ્વારા લખાયેલ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ હોય, આ પ્રકારની રચનામાં રોજિંદા જીવનને સાત્ત્વિકતાથી પસાર કરીને ઉચ્ચકક્ષાના કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે માટે સૂચન કરાયાં છે. આ સ્મૃતિમાં જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માટેનાં ધારાધોરણ નિર્ધારિત થયાં છે.

સનાતની સંસ્કૃતિની મહાનતા એ છે કે તે દરેક વ્યક્તિને સ્વતંત્રતા, મોકળાશ અને માર્ગદર્શન આપે છે. આ સૌથી પ્રાચીન સંસ્કૃતિમાં વિચારધારા પણ છ પ્રકારની છે - છ પ્રકારનાં ‘દર્શન’ છે. સાંખ્ય, યોગ, વૈશેષિક, ન્યાય, વેદાંત અને મીમાંસા. જે વ્યક્તિને જે માર્ગ યોગ્ય લાગે તે માર્ગે આગળ વધી શકે છે. તેવી જ રીતે અહીં પણ શ્રુતિ અને સ્મૃતિ દ્વારા, બે પ્રકારની સંભાવના સ્થાપિત કરવામાં આવી છે. આમ તો બંને પરસ્પર સંકળાયેલી છે પરંતુ બેમાંથી એકને મુખ્ય ગણી, વ્યક્તિ પરમપદને પામી શકે છે. દરેક વ્યક્તિને પોતાની રુચિ અનુસાર પોતાના માર્ગનું ચયન કરવાની સ્વતંત્રતા આ એકમાત્ર સંસ્કૃતિમાં છે.

શ્રુતિના કથનને અંતિમ સત્ય તરીકે સ્વીકારી, તે પ્રમાણે અદ્વૈતના સિદ્ધાંતના સંપૂર્ણ અનુસરણથી પણ પરમપદને પામી શકાય છે અને તેવી જ રીતે પણ સ્મૃતિના ધર્મનિષ્ઠ વ્યવહારના સૂચન થકી પણ તે જ પદ પ્રાપ્ત થઈ શકે છે. મજાની વાત એ છે કે શ્રુતિમાં પ્રગટ થયેલ વાતો પર ચિંતન કરવાથી સ્મૃતિમાં જે વાતો સ્થાપિત કરવામાં આવી છે તેની યથાર્થતા સમજમાં આવે, અને તેવી જ રીતે, સ્મૃતિમાં આલેખાયેલી વાતો પર ચિંતન કરતાં શ્રુતિની વાતોની સત્યતા પ્રગટ થાય. 

જે શ્રુતિ અને સ્મૃતિ, બંનેને જાણે છે એ સમજી શકે છે કે બંને એકબીજાના પૂરક છે - બંને એકબીજાની વાતોની સાક્ષી પણ પૂરે છે અને તે વાતોને આગળ પણ વધારે છે. પણ એનો અર્થ એમ નથી થતો કે બંનેની એકબીજાના ‘અવલંબન’ની જરૂર છે. બંને સ્વતંત્ર રીતે પણ પોતાની વાત કહેવા એટલા જ સમર્થ છે. પરંતુ જો એકબીજાના આધારે એકબીજાની વાત સમજવાનો પ્રયત્ન થાય તો સમજણ સ્પષ્ટ, ત્વરિત, સમાવેશીય, સચોટ તથા પરિણામલક્ષી બની શકે.

શ્રદ્ધાના બીજા બધા જ ક્ષેત્રમાં એક પુસ્તક સ્થાપિત થયું છે. તેની અપેક્ષાએ સનાતની સંસ્કૃતિમાં તો આખું પુસ્તકાલય છે. વળી, અહીંના બધા જ પુસ્તકો સિદ્ધ, સ્થાપિત, સંપૂર્ણ, શ્રેષ્ઠ તથા માનવીય છે.