(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ તાજેતરમાં વૈશ્વિક સ્તરે ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારો તથા કેન્દ્રવર્તી બૅન્કોની પ્રબળ માગ ઉપરાંત એક્સચેન્જ ટ્રેડેડ ફંડોનાં આંતરપ્રવાહને ટેકે ગત શુક્રવારે ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર હાજરમાં ચાંદીના ભાવ વધીને એક તબક્કે આૈંસદીઠ 83.62 ડૉલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચીને પાછા ફર્યા હતા. તેમ જ ચાંદીના માર્ચ વાયદામાં પણ ભાવ જે વધીને આૈંસદીઠ 82.67 ડૉલર સુધી પહોંચ્યા હતા તે આજે 4.51 ટકા ઘટીને આૈંસદીઠ 73.71 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિકમાં આજે એમસીએક્સ ખાતે સત્રના આરંભે ચાંદીના વાયદામાં સતત ચોથા સત્રમાં તેજીનું વલણ જળવાઈ રહેતાં ભાવ વધીને એક તબક્કે કિલોદીઠ રૂ. 2,54,174ની ટોચે પહોંચ્યા હતા, પરંતુ ત્યાર બાદ વિશ્વ બજારમાં નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં પીછેહઠ જોવા મળતાં સ્થાનિકમાં વાપણ વાયદાના ભાવમાં અંદાજે ત્રણ ટકા જેટલો ઘટાડો આવ્યો હતો અને ભાવ ગગડીને 2.32 લાખ સુધી પહોંચ્યા હતા.
જોકે, આજે હાજર બજારમાં વાયદાથી વિપરીત ગત શુક્રવારના બંધ સામે સત્રના અંતે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 7333ના સુધારા સાથે રૂ. 2,35,440ના મથાળે બંધ રહ્યા હતા. આમ હાજર અને વાયદામાં સામસામા રાહ જોવા મળ્યા હતા.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે એમસીએક્સ ખાતે ચાંદીના વાયદામાં ભાવ એક તબક્કે વધીને કિલોદીઠ રૂ. 2,54,174ના શિખરે પહોંચ્યા બાદ વિશ્વ બજારનાં નિરુત્સાહી અહેવાલે આગલા બંધ સામે કિલોદીઠ રૂ. 7124 અથવા તો 2.97 ટકાના ઘટાડા સાથે રૂ. 2,32,663ના મથાળે બંધ રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત સપ્તાહે ચાંદીના વાયદામાં કિલોદીઠ રૂ. 31,348 અથવા તો 15.04 ટકાનો તોતિંગ ઉછાળો જોવા મળ્યો હતો.
આજે હાજરમાં ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં ગત શુક્રવારના વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે વેરારરહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 15,376 ઉછળી આવ્યા હતા, પરંતુ ત્યાર બાદ વિશ્વ બજારમાં નફારૂપી વેચવાલીનું દબાણ જોવા મળતાં સત્રના અંતે ભાવ આગલા બંધ સામે માત્ર રૂ. 7333ના સુધારા સાથે રૂ. 2,35,440ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હતી અને માત્ર ઔદ્યોગિક વપરાશકારોની છૂટીછવાઈ લેવાલી રહી હતી. વધુમાં આજે સત્રના અંતે વિશ્વ બજાર પાછળ હાજરમાં વેરારરહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા બંધ સામે 10 ગ્રામદીઠ રૂ. 1171 ઘટીને રૂ. 1,36,233 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 1175ના ઘટાડા સાથે રૂ. 1,36,781ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં પણ ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.