સુભાષ ઠાકર
મારું નામ કેવી રીતે પડ્યું?
શરીરથી સૌથી નજીક આપણુ નામ હોવા છતાં એ નામ આપણને જ પાડવા ન મળે તો દુખના ડુંગરા તૂટી ન પડે? જોકે એનાથી નાનકડી ટેકરીયે તૂટી પડતી નથી. આ તો મારું ચાલતું નથી બાકી મારું ચાલે તો જન્મ્યા પછી થોડા વખતે હું જાતે જ બધાને નામ પાડવાનો અધિકાર આપું. અરે, જે નામ આ શરીરનું વળગણ બની જાય, જે નામ પર જિંદગીનો હિસાબ ચાલુ થાય, જે નામથી જ નામના કમાવાની હોય, એ નામ સગાંવ્હાલાં પાડે? ધિક્કાર છે આવા જીવનને.
સાચુ કઉ? એ લોકો પહેલાં નામ પાડે ને પછી આપણને. શરૂ શરૂમાં મારું નામ પાડવા માટે આખા કુટુંબમાં પડાપડી થઇ. મારું જીવન ને મારું શરીર હોવા છતાં એક નોકરી માટે 500 અરજી આવે એમ નામના જથ્થાબંધ સૂચન આવ્યા. નામકરણના દિવસે કુટુંબના બધા સભ્યો ગહન ચિંતનમાં ઊતરી પડ્યા.
ત્યાં જ મારા દીનુમામાનો મોબાઈલ રણક્યો
‘હેલો દિનુભાઈ, બાજુમાંથી ચંબુલાલ સ્પીકિંગ... મારા દીકરાનું નામકરણ છે.’
‘અરે વાહ... અમે ચોક્કસ આવશું. પણ ક્યારે છે?’ મામાએ પૂછ્યું.
‘શું ક્યારે છે? અને તમે શું કામ આવશો?.’
‘અરે પાડોશી તરીકે એટલો તો હરખ કરવા...’
‘અરે તમે સમજ્યા લાગતા નથી આ તો હમણાં નવા પાડોશી તરીકે રહેવા આવ્યા છીએ એટલે વાઈફે કીધુ કે દીનુભાઈને જણાવી દો કે દીકરાનું નામકરણ છે ને દીકરીનું નામ સ્મિતા છે. કઈ કામ પડે તો.’
‘તારી જાતના ચંબુડા, અહીં નામકરણના અવસરે તું મગજની મેથી નઈ માર’ મનમાં બોલી મામાએ ફોન કટ કર્યો.
એ દિવસે મારું નામ પાડવા મારા કુટુંબીજનો સાથે જેને દુશ્મનાવટ હતી એ લોકો બદલાની ભાવનાથી મારું નામ કંસ, રાવણ કે દુર્યોધન, હિટલર જેવા એ જમાનામાં દુર્લભ નામનું સૂચન કરતા. વળી મારા ઘરનો સિનિયર સિટિઝન વિભાગ તો મારુંં નામ અંબાલાલ કે મણીલાલ રાખવાના મૂડમાં આવી ગયેલો, પણ મારા ઘરના બીજા મજબૂત મેમ્બરોએ દલીલ કરી કે આવા નામથી હું ડાયરેક્ટ વડીલ તરીકે પેદા થયો હોઉ એવો હાઉ ઊભો થશે.
અંતે સાત વિરદ્ધ ત્રણથી આખો પ્રસ્તાવ ઉડી ગયો. આજે પણ આવા નામો આઉટ ઓફ સ્ટોકમાં છે. અરે બોસ, કેટલાયે તો મારો ચહેરો જોઈ ટોમી ને મોતી જેવા નામ કીધા ત્યારે મને કાળજે કેવા ઘા વાગ્યા હશે. અરે, જેને કોઈ વાતમાં જરાપણ ટપ્પી ન પડે એવા એલણપ્પુઓ, આશારામ, રામ-રહીમ કે રામપાલ જેવા નામનો આગ્રહ કરવા લાગ્યા. હવે તમે જ બોલો મારા નામમાં ક્યાંય ‘રામ’ આવ્યું. તો મારી ઈજ્જતના મળ્યા પહેલાં ધજાગરા થાય કે નઈ?
વળી મારા ફૂવાએ સંસ્કૃતમાં વિશારદ પાસીંગ માર્કથી કર્યું હોવાથી મારું નામ ‘હસ્તકમળદંડ પદમપ્રકાશમ પરીપુંડ પરીપત્રિકા’ રાખવાનું કીધુ ત્યારે મારું આખું કુટુંબ ડઘાઈ ગયુ. બધાના મોઢા કોઈને તાજેતાજા સ્મશાને મૂકી આવેલા ડાઘુ જેવા થઇ ગયા, પણ ફૈબા સિવાય કોણ લમણે લાગે.
આખું નામ ગોખવામાં મહિનો લાગે ને બોલવામાં અઠવાડીયું લાગે એવુ બોરીવલીથી અંધેરી જેવડું નામ યાદ કોને રહે? છેવટે ખુદ ફઈબાએ જ રોજની જેમ ફૂવાને તતડાવ્યા :
‘તમે તો નામ પાડવા બેઠા છો કે સંસ્કૃતનો શ્ર્લોક શીખવાડો છો? નામ પાડવાનો અધિકાર આપણો છે પણ બોલવામાં સરળ, સુંદર ને કાનને ગમે એવું મીઠડું હોવું જોઈએ. આ નામનો અર્થ શું?’
‘અરે અર્થને તારે ધોઈ પીવો છે ? સિમ્પલ વાત સમજ. અહી અનામી બની જનમવાનુ, નામી બની જીવવાનું, ને નનામી બની ઉપર મૂળ ગામે નીકળી જવાનું. સમજી?’
અંતે ખૂબ માથાકૂટ પછી ભવિષ્યમાં મારી ભાષા મધુર હશે એ આશાએ સર્વાનુમતે મારું નામ પાડ્યું ‘સુભાષ’. પછી આ શરીર મોંઘવારીની ગતિએ વધવા લાગ્યું. બચપન સરકવા લાગ્યું યૌવન ફરકવા લાગ્યું... સમય અને જિંદગીને પોઝનું બટન નથી.
વર્તમાન ભૂતકાળ બનતો ગયો ને ભવિષ્યકાળ વર્તમાન બનતો ગયો પછી મારા શરીરની ઉંચાઇ કરતા મારી ઈચ્છાઓની ઉંચાઇ વધવા લાગી. કઈક બનવાના ચક્કરમાં બૅંકમાં ખાતું ખોલાવા ગયો તો મેનેજરે કીધુ‘ બૅંક જેને સારી રીતે જાણતી હોય એવી બે વ્યક્તિના નામ આપો’
‘વિજય માલ્યા ને નીરવ મોદી.’
સાહેબે ફોર્મ ફાડી નાખ્યું, સિક્યોરિટીને બોલાવીને મને ધમકાવ્યો, મિત્રો આમાં હું ક્યાંય ખોટો હોઉં તો તમારે પણ મને ધમકાવવો,પીઠ પર ચાર પાંચ ધબ્બા મારવા, મારા કપડાં ફાડી લીરેલીરા કરી નાખો મારા અંગેઅંગના ટુકડા કરી ગીધડાઓને ખવડાવી દો. તો પણ હું સત્યને વળગી રહીશ, બોલો સત્યમેવ જયતે...
ઉપરની આખી ઘટના બાપુને કરી તો બાપુ બોલ્યા
‘બેટા, આ ભારત છે. અહી નામ માટે નહી બદનામ થવા માટે પણ ધક્કામુક્કી થાય છે.’
‘કબુલ ...બાપુ. પણ જે નામના ને પ્રતિષ્ઠા કમાવા કેટલા ધમપછાડા-કાવાદાવા કરી હું નામ કમાયો હોઉં ને પછી બધા મંડી પડે કે ‘જગમેં સુંદર હૈ દો નામ ચાહે કૃષ્ણ ક્હો યા રામ’ ત્યારે મારો આત્મા અંદરથી કકળી ઉઠે છે. અરે કોઈ ટપકી પડે ને વીડિયો ઓ કેમેરાની જેમ લાશને ઉંચકી ‘રામ નામ સત્ય હૈ’ બોલવાનું? આ મારું બેટુ કેવું કે જેને ક્યારે જોયો નથી, મળ્યા નથી એ રામનું નામ ‘સત્ય’ ને જે પરિવાર સાથે રહ્યો, લોકો માટે જીવ્યો એનું નામ અસત્ય?
‘જુઓ બાપુ, કહી દઉં કે મારા મરણ વખતે રામની જગાએ ‘સુભાષ નામ સત્ય હૈ’ બોલાવજો.’
‘જો બેટા, એક વાત સમજી લે’ બાપુ બોલ્યા ‘આ પ્રતિષ્ઠા ને નામનાનું ગુમડું જીવનના અંત સુધી નથી ફૂટતું કે નથી મટતું. અરે જે નામ આગળ સ્વર્ગસ્થ લખાઈ જવાનું છે એને તું તારું માની અડ્ડો જમાવી બેઠો છે એ ભ્રમમાંથી ક્યારે બહાર આવીશ?’
‘વાહ બાપુ, તમે તો મારી આંખ કાયમ માટે મીચાઈ જાય એ પહેલાં ખોલી દીધી.’
શું કહો છો ?