Mon Dec 08 2025

Logo

White Logo

ગોવા 'અગ્નિકાંડ'નો નવો વીડિયો વાયરલઃ : 'મહબૂબા મહબૂબા' ગીત વખતે ફાટી નીકળી આગ...

16 hours ago
Author: Tejas
Video

પણજીઃ ગોવાના ઉત્તરીય વિસ્તારની નાઇટક્લબમાં ફાટી નીકળેલી આગનો એક વીડિયો વાયરલ થયો છે. ક્લબમાં મહબૂબા-મહબૂબા ગીત ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક છત પર આગ લાગી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, ત્યાર પછીના ગણતરી મિનિટમાં ક્લબમાં અફડાતફડીનો માહોલ ઊભો થયો હતો. આ દ્રશ્યો ક્લબના પહેલા માળના છે, જે ત્યાં હાજર એક પર્યટકે વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ ઘટનામાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે જાણીતા મહેબૂબા ગીત પર મહિલા ડાન્સ કરી રહી હતી, ત્યાર પછી અચાનક છત પર આગ ફાટી નીકળી હતી. આગને કારણે ગીત તો બંધ થઈ જાય છે અને લોકો બૂમાબૂમ કરીને આગ આગ કહીને દોડાદોડ કરે છે. આખા રુમમાં ધુમાડા ભરાઈ જતા લોકો દોડાદોડ કરી મૂકે છે. રુમમાંથી બહાર નીકળવા માટે નાસભાગનો માહોલ ઊભો થયો હતો. સોશિયલ મીડિયા પર વીડિયા વાયરલ થયા પછી લોકોને જોરદાર ઝટકો લાગ્યો હતો. આગના અન્ય વીડિયો પણ વાયરલ થયા પછી લોકોએ ખેદ વ્યક્ત કર્યો હતો.

 

આ દુર્ઘટનામાં કુલ 25 લોકોનાં મોત થયા છે, જેમાં ચાર પ્રવાસી અને ક્લબના 14 કર્મચારીનો સમાવેશ થાય છે. બાકીના મૃતદેહોની ઓળખ પ્રક્રિયા ચાલી રહી છે. જોકે, મોટા ભાગના લોકોના મૃત્યુ ધુમાડામાં શ્વાસ રુંધાઈ જવાથી થયા છે. મળતી માહિતી મુજબ ક્લબમાં દરવાજા નાના હોવાને કારણે લોકો સમયસર બહાર નીકળી શક્યા નહોતા. કેટલાક લોકો પહેલા માળ તરફ ભાગ્યા હતા, પરંતુ ત્યાં ફસાઈ જવાને કારણે આગનો ભોગ બન્યા.

આ દુર્ઘટનાને પગલે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય માઇકલ લોબોએ ગોવાની તમામ નાઇટક્લબમાં સેફ્ટી ઓડિટ કરાવવાની વાત કરી છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પણ સ્વીકાર્યું છે કે ક્લબમાં ફાયર સેફ્ટીના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું નહોતું. તેમણે સ્પષ્ટ કર્યું છે કે બેદરકારી દાખવીને ક્લબ ચલાવવાની મંજૂરી આપનાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન ક્લબના એક ગાર્ડે જણાવ્યું હતું કે જો ક્લબમાં ડીજે અને ડાન્સર્સ આવવાના કારણે પૂરી ભીડ જામી હોત તો મૃત્યુઆંક વધી શક્યો હોત. આ ઘટનાએ ગોવામાં નાઇટલાઇફની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યાં છે.