નવી દિલ્હી: બાંગ્લાદેશમાં ઉસ્માન હાદીના મૃત્યુ બાદ હિંસા સતત વધી રહી છે. જેમાં હિંદુઓને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમજ ભારતને પણ નિશાન બનાવવામાં આવી રહ્યું છે. તેમજ બંને દેશોએ વિઝા સર્વિસ બંધ કરી દીધી છે. જેથી ભારત અને બાંગ્લાદેશના સંબંધો બગડ્યા છે, એવું વૈશ્વિક સ્તરે ફલિત થઈ રહ્યું છે. આ દરમિયાન બાંગ્લાદેશના મોહમ્મદ યૂનુસે અમેરિકાના દૂત સાથે વાતચીત કરી છે, આ વાતચીતમાં શું થયું? આવો જાણીએ.
યૂનુસની અમેરિકાના દૂત સાથે વાતચીત
અમેરિકાના ખાસ દૂત સર્જિયો ગોરે બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યૂનુસ સાથે ફોર પર વાત કરીને દેશમાં ઘટી રહેલી ઘટનાઓ અંગે ચર્ચા કરી હતી. ટેલિફોનિક વાતચીત દરમિયાન મોહમ્મદ યૂનુસે 12 ફેબ્રુઆરી થનારી સામાન્ય ચૂંટણી યોજનવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મોહમ્મદ યૂનુસે દાવો કર્યો કે, વચગાળાની સરકાર નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી માટે પ્રતિબદ્ધ છે, પરંતુ આવામી લીગના સમર્થતો ચૂંટણીમાં અડચણો ઊભી કરી રહ્યા છે. જ્યારે મૃતક નેતા શરીફ હાદીના સંગઠન 'ઇંકલાબ મંચ' દ્વારા બાંગ્લાદેશ સરકારને 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને ન્યાય નહીં મળે તો જનઆંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. સંગઠને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પાસે તપાસની માંગ કરી છે.
ભારત-બાંગ્લાદેશના સંબંધો કેવી રીતે બગડ્યા
ભારતે બાંગ્લાદેશના રાજદૂતને બોલાવીને લઘુમતીઓની સુરક્ષા, દૂતાવાસો પર જોખમ અને ભ્રામક નેરેટિવ અંગે કડક શબ્દોમાં વાંધો ઉઠાવ્યો હતો. અગાઉ દિલ્હી ખાતેના બાંગ્લાદેશ હાઈ કમિશને સુરક્ષાના કારણોનો હવાલો આપીને વિઝા અને કોન્સ્યુલર સેવાઓ અસ્થાયી રૂપે અટકાવવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો હતો. જ્યારે ભારતે બાંગ્લાદેશમાં પોતાનું વિઝા અરજી કેન્દ્ર બંધ કરી દીધું હતું. ઉસ્માન હાદીની હત્યા બાદ હિંસા ભડકી ઊઠી હતી. જેમાં આ કેન્દ્ર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.
બાંગ્લાદેશની વચગાળાની સરકારે એ સંકેત આપ્યો છે કે, પરિસ્થિતિ બગડવા પર તે ભારતમાં પોતાના ડિપ્લોમેટિક મિશનની સમીક્ષા કરી શકે છે. જ્યારે ભારતે એ સ્પષ્ટ કર્યું છે કે, તે લઘુમતીઓની સલામતી અને પ્રાદેશિક સ્થિરતાને લઈને સાવધાન રહેશે. જ્યારે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ યૂનુસ સરકાર પર ચરમપંથિઓને પ્રોત્સાહન આપવાનો અને ભારત સાથે સંબંધો બગાડવાનો આરોપ લગાવ્યો છે.