વડોદરાઃ 11 જાન્યુઆરીથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન ડે સીરિઝનો આરંભ થશે. પ્રથમ મેચ વડોદરામાં રમાશે. આ મેચની ટિકિટનું વેચાણ 1 જાન્યુઆરી, 2026થી શરૂ થશે. વડોદરામાં 16 વર્ષ બાદ ઈન્ટરનેશનલ મેચ રમાશે. ઉપરાંત ભારત પણ 2026ની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમશે.
ક્યારથી અને ક્યાં વેચાશે ટિકિટ
બરોડા ક્રિકેટ એસોસિએશનના જણાવ્યા મુજબ, ક્રિકેટ ચાહકો બુકમાયશોથી ટિકિટ બુક કરાવી શકશે. 1 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યાથી ટિકિટનું વેચાણ શરૂ થશે. બરોડા ક્રિકેટ એસોસિએશનના 1800 સભ્યોને મેચ જોવા કોમ્પલિમેન્ટરી પાસ આપવામાં આવશે. સભ્યો માટે, એલેમ્બિક સિટી એવન્યુ ખાતેના સંસ્કૃતિ કોન્ફરન્સ હોલ અને મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ પર હોસ્પિટાલિટી સુવિધાઓ સાથે મેચનું વિતરણ કરવામાં આવશે. પાસ 6 અને 7 જાન્યુઆરીના રોજ સવારે 10.30 થી સાંજના 5.30 વાગ્યા દરમિયાન મેળવી શકાશે. સભ્યોએ પાસ મેળવવા માટે તેમનું બાયોમેટ્રિક કાર્ડ અથવા સરકાર માન્ય ફોટો આઈડી સાથે રાખવા પાડશે. જો કોઈ સભ્ય અન્ય વ્યક્તિને પાસ લેવા માટે અધિકૃત કરે છે, તો તે અધિકૃત વ્યક્તિએ સભ્યના આઈડી પ્રૂફની નકલ સાથે સહી કરેલો ઓથોરાઈઝેશન લેટર આપવો પડશે.
આ જાહેરાત સાથે, શહેરમાં ક્રિકેટ પ્રેમીઓએ ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેના હાઈ-વોલ્ટેજ મુકાબલા માટે અગાઉથી ઓનલાઈન ટિકિટ સુરક્ષિત કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે 2010માં વડોદરામાં યોજાયેલી છેલ્લી વન-ડે મેચ પણ રિલાયન્સ સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે જ રમાઈ હતી, જેમાં ભારતે 9 વિકેટે વિજય મેળવ્યો હતો.
₹250 કરોડના ખર્ચે બનેલ કોટંબી સ્ટેડિયમ 35,000 પ્રેક્ષકોની ક્ષમતા ધરાવે છે. આ મેદાન પર ડિસેમ્બર 2024માં ભારત-વેસ્ટ ઈન્ડિઝ મહિલા વન-ડે અને આ વર્ષની શરૂઆતમાં વિમેન્સ પ્રીમિયર લીગની મેચો યોજાઈ હતી.
ભારત-ન્યૂઝીલેન્ડ વન ડે સીરિઝનો કાર્યક્રમ
પ્રથમ વન ડે, 11 જાન્યુઆરી, 2026 - વડોદરા
બીજી વન ડે, 14 જાન્યુઆરી, 2026- રાજકોટ
ત્રીજી વન ડ, 18 જાન્યુઆરી, 2026 - ઈન્દોર