Mon Dec 08 2025

Logo

White Logo

ઈન્ડિ-નો-ગો: : ભારતમાં એક એક કરીને કેમ નિષ્ફળ ગઈ ખાનગી એરલાઇન્સ?

2 days ago
Author: Himanshu Chavda
Video

1991ના ઉદારીકરણ બાદ શરૂ થયેલી પાંચથી વધુ ખાનગી એરલાઇન્સનું કેમ થયું 'પેકઅપ'? જાણો કંપનીઓ કેમ ટકી શકી નહીં...

દેશમાં એવિયેશન ક્ષેત્રે સૌથી મોટા સંકટનો સામનો ઈન્ડિગો કરી રહ્યું છે. સરકારે અમુક નિયમોમાં રાહત આપ્યા પછી આંશિક રાહત થવાનો અવકાશ છે, પરંતુ હજુ હજારો પ્રવાસીઓની યાતનાઓનો અંત આવ્યો નથી. રોજની સેંકડો ફ્લાઈટ રદ થવાની સાથે એરપોર્ટ પર ઈન્ડિગોના પ્રવાસીઓને પડી રહેલી હાલાકી અંગે સોશિયલ મીડિયા પર લોકો રીતસર બળવો પોકારી રહ્યા છે. ટવિટર, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક સહિત રેડિટ પર લોકો IndiGo માટે Indi-No-Go લખીને આક્રોશ ઠાલવી રહ્યા છે. ભારતમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ એમ બંને ક્ષેત્રે એવિયેશન ક્ષેત્ર દુનિયામાં સૌથી ઝડપથી વિકસતું ઉડ્ડયન માર્કેટ હોવા છતાં સરકારની નીતિ અને વૈશ્વિક પરિબળોને કારણે અનેક દિગ્ગજ કંપની ગણતરીના વર્ષોમાં ગાયબ થઈ ગઈ. હાલમાં ઈન્ડિગોનું નામ ખરાબ થઈ ગયું, જ્યારે તકનો લાભ લઈને અન્ય એરલાઈન્સે ગ્રાહકોની લૂંટી લીધા છે, પરંતુ ભૂતકાળ લોકોસ્ટ અને પેસેન્જર ફ્રેન્ડલી કંપનીઓ કેમ ડૂબી ગઈ હતી એની વિસ્તૃત વાત કરીએ.

આઝાદી બાદ ભારતમાં માત્ર 'સરકારી વિમાન'નું જ પ્રભુત્વ હતું. એર ઇન્ડિયા ઇન્ટરનેશનલ રૂટ  પર ચાલતી હતી, જયારે ઇન્ડિયન એરલાઇન્સ ડોમેસ્ટિક રૂટ પર ચાલતી હતી. પ્રાઇવેટ વિમાનને આકાશમાં ઉડાવવાની ભારતમાં પરવાનગી નહોતી ત્યારે ભારતમાં પ્રાઇવેટ એરલાઇન્સ કંપનીની એન્ટ્રી કઈ રીતે થઈ અને કેટલીક એરલાઇન્સ કંપનીઓ શરૂ થઈને બંધ કરવાની નોબત આવી હતી.

*ઉદારીકરણે ખાનગી એરલાઇન કંપનીને મળી એન્ટ્રી*

વર્ષ 1991માં આર્થિક સંકટનો સામનો કરવા માટે તત્કાલિન સરકાર ઉદારીકરણનો સિદ્ધાંત અપનાવ્યો હતો, જેથી પ્રાઇવેટ એરલાઇન્સ કંપનીને ભારતમાં પ્રવેશવા માટે મોકળો માર્ગ મળ્યો હતો. 1992માં ઇસ્ટ-વેસ્ટ એરલાઇન્સ દેશની પહેલી પ્રાઇવેટ શેડ્યૂલ્ડ એરલાઇન્સ બની હતી. ત્યાર બાદ જેટ, દમાનિયા, મોદીલુફ્ત, એનઇપીસી જેવી એરલાઇન્સ કંપનીઓ પણ આવી હતી. જેને ઇન્ડિયન એરલાઇન્સને ટક્કર આપવા માટે નવા વિમાન અને ઓછું ભાડું, બેસ્ટ સર્વિસ વગેરે આપવાનું શરૂ કર્યું હતું, પરંતુ દાયકો પૂરો થયો એ પૂર્વે તો મોટા ભાગની ગાયબ થઈ ગઈ હતી.

*ત્રણ વર્ષમાં ત્રણ પ્રાઇવેટ એરલાઇન્સ બંધ થઈ*

ભારતમાં પ્રાઇવેટ એરલાઇન્સની પડતીની શરૂઆત 'ઇસ્ટ-વેસ્ટ' એરલાઇન્સથી થઈ હતી. કેરળના કોન્ટ્રાક્ટર થાકિઉદ્દીન વાહિદની આ એરલાઇન્સ કંપનીએ ઇન્ડિયન એરલાઇન્સથી પણ ઓછી ભાડું રાખવાનું નક્કી કર્યું હતું. આગળ જતાં 1995 સુધીમાં બેંકોએ તેની લોન બંધ કરી હતી, પરિણામે કંપની સંકટમાં આવી અને દેવાળિયા બની. 13 નવેમ્બર, 1995ના  થાકિઉદ્દીન વાહિદની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી બીજી બાજુ અંડરવર્લ્ડનો શક પણ આજે છે. ઓગસ્ટ, 1996 સુધીમાં તો એરલાઈને 'પેક-અપ' કરી દેવું પડ્યું હતું.

દરમિયાન ઇન્ડિયન એરલાઇન્સ સાથે સ્પર્ધા કરવા માટે 'દમાનિયા'એ 'ઇસ્ટ-વેસ્ટ'થી થોડો અલગ રસ્તો અજમાવ્યો હતો. તેને બોમ્બે-ગોવા, બોમ્બે-પુણે જેવા શોર્ટ રૂટ પર પ્રિમિયમ સર્વિસ, તાજું જમવાનું, વધારે લેગરૂમ જેવી સુવિધા આપવાનું શરૂ કર્યું હતું, પરંતુ ભાડામાં કોસ્ટ કવર કરી શકતી નહોતી, એ ચાર વર્ષ પણ ચાલી નહીં, જેથી આ એરલાઇન્સ સરખી રીતે ચાર વર્ષ પણ ચાલી શકી નહીં. 1997માં તેણે પોતાના બંને વિમાન 'સહારા'ને વેચી દેવા પડ્યા હતા અને કંપનીને બંધ કરવી દેવાની નોબત આવી હતી.

*સહારા સૌથી મહત્વાકાંક્ષી હતી, પણ મોટો ઝટકો લાગ્યો*

1993માં શરૂ થયેલી 'સહારા' એરલાઇન્સે ઇન્ડિયન એરલાઇન્સને ટક્કર આપવા માટે બોમ્બે-દિલ્હી માટેનું ભાડું 2,999 રુપિયા રાખ્યું હતું, જ્યારે ઇન્ડિયન એરલાઇન્સનું ભાડું 6000 રૂપિયા કરતાંય વધુ હતું. તેણે નવા ચાર બોઇંગ 737-400 વિમાન લીઝ પર લીધા હતા. 1997-98માં પૂર્વી એશિયામાં નાણાકીય સંકટ આવ્યું. ડૉલરની સરખામણીમાં રૂપિયાની કિંમત રાતોરાત ઘટી ગઈ. જેથી લીઝના ભાડામાં 20 ટકા સુધીનો ઉછાળો આવ્યો હતો, તેથી દર મહિને 'સહારા'ને થનારૂં નુકસાન દિવસેને દિવસે વધતું ગયું. 

'સહારા'એ આર્થિક સંકટનો સામનો કરવા માટે 1998માં 'જેટ એરવેઝ'ને પોતાનો 49 ટકા શેર વેચ્યો હતો. ત્યારબાદ 2007માં 'સહારા' સંપૂર્ણપણે વેચાઈ ગયું હતું. ત્યાર બાદ તેને 'જેટલાઈન' નામ મળ્યું હતું. જોકે, 2019માં 'જેટ એરવેઝ' પણ વેચાઈ ગયું હતું, તેથી 'જેટ એરવેઝ' સાથે 'જેટલાઈન'નો પણ અંત આવ્યો હતો.

*એર ડેક્કન અને કિંગફિશરનો ખરાબ અંત આવ્યો*

1993માં મોદી રબરવાળા મોદી પરિવારે અને જર્મનીના દિગ્ગજ લુફ્થાંસા સાથે મળીને 1993માં 'મોદીલુફ્ત' એરલાઇન શરૂ કરી હતી. જોકે, એરલાઇન શરૂ કર્યાના ત્રણ વર્ષમાં જ બંને વચ્ચે ગંભીર મતભેદ ઊભા થયા હતા, પરિણામે 1996માં લુફ્થાંસાએ એક જ રાતમાં પોતાના તમામ વિમાન પાછા ખેંચી લીધા હતા. ત્યાર પછીના અઠવાડિયે DCGAએ તેનું લાઈસન્સ સસ્પેન્ડ કરી દીધું હતું. 2003માં 'એર ડેક્કન' અને કિંગફિશર, 2005માં સ્પાઇસજેટ, 2006માં ઇન્ડિગો શરૂ થઈ હતી. જોકે, આગળ જતા 'એર ડેક્કન'ને કિંગફિશરે ખરીદી લીધી હતી.  

2012માં કિંગફિશરનું પણ દેવાળિયું બન્યું હતું. આ દરમિયાન પેરામાઉન્ટ, એર કોસ્ટા, એર પેગાસસ, એર ઓડિશા, ડેક્કન 360 જેવી પ્રાદેશિક એરલાઇન્સ પણ શરૂ થઈને બંધ થઈ ગઈ હતી. 2023માં ગો-ફર્સ્ટને પણ નાદાર જાહેર કરવામાં આવી હતી. સ્પાઈસજેટ પણ ગોકળગાયની ઝડપે ચાલી રહી છે. 

*આજે ઈન્ડિગોની હાલત પણ કફોડી*

આજે ઈન્ડિગો પણ સ્થિતિ કફોડી થઈ છે. નો-ફ્રિલ્સ, શૂન્ય દેવું, એક જ પ્રકારના વિમાનના કાફલા વિના ઉડાન ભરતી રહે છે, પરંતુ નવા એફડીટીએલના નિયમો અને વધતા ખર્ચને કારણે તેની તાકાત પર સવાલો ઉઠી રહ્યા છે. ટાટાએ તો એર ઈન્ડિયાને નવજીવન આપ્યું છે, પરંતુ હજુ પણ લાંબી મજલ કાપવાની બાકી છે. કાચબા ગતિએ સ્પાઈસ જેટ પણ આગળ વધી રહી છે, જ્યારે અકાસા નવા દાવ લગાવી રહી છે, પરંતુ ભારતીય એવિયેશન સેક્ટરમાં કેટલા વર્ષો ટકશે એમાં શંકા છે.