Sun Dec 14 2025

Logo

White Logo

દિવ્યાંગ ઉમેદવારો માટે UPSCનો મોટો નિર્ણય : હવે મળશે મનપસંદ પરીક્ષા કેન્દ્ર!

21 hours ago
Author: Himanshu Chavada
Video

નવી દિલ્હી: ભારતના સંવિધાન સમક્ષ દરેક વ્યક્તિ સમાન છે. જેથી દિવ્યાંગો પણ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી શકે છે. પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઘણીવાર ઉમેદવારને તેના ઘરથી નજીકનું અથવા દૂરનું પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવે છે. જોકે, જ્યારે ઘરથી દૂરનું કેન્દ્ર ફાળવાય છે, ત્યારે દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મોટી તકલીફ ઉભી થાય છે. આ તકલીફને ધ્યાનમાં રાખીને UPSC દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

દિવ્યાંગોને મળશે મનપસંદ પરીક્ષા કેન્દ્ર

સંઘ લોક સેવા આયોગ(UPSC) દ્વારા બેન્ચમાર્ક ડિસેબિલિટી(PwBD) ધરાવતા ઉમેદવારો માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિવ્યાંગ ઉમેદવારોને પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ મુશ્કેલી ઊભી ન થાય એ માટે UPSC દ્વારા દિવ્યાંગ ઉમેદવારોને તેમનું મનપસંદ પરીક્ષા કેન્દ્ર ફાળવવાનો નિર્ણય કર્યો છે. 

UPSCના ચેરમેન અજય કુમારે મીડિયાને જણાવ્યું કે, છેલ્લા 5 વર્ષથી પરીક્ષા કેન્દ્રના ડેટા એનાલિસિસમં જોવા મળ્યું છે કે, દિલ્હી, કટક, પટના અને લખનઉ જેવા કેટલાક પરીક્ષા કેન્દ્રો બહુ જલ્દી તેની ક્ષમતા સીમા સુધી પહોંચી જાય છે. એવામાં બેન્ચમાર્ક ડિસેબિલિટી(PwBD) ધરાવતા ઉમેદવારોની મુશ્કેલી વધી જાય છે. કારણ કે તેઓનો નંબર એવા પરીક્ષા કેન્દ્ર પર આવે છે, જ્યાં સરળતાથી પહોંચવું મુશ્કેલ હોય છે. તેથી એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે."

ફોર્મ ભરતી વખતે કરવી પડશે કેન્દ્રની પસંદગી

અજય કુમારે આગળ જણાવ્યું કે, "આ નિર્ણય હેઠળ બેન્ચમાર્ક ડિસેબિલિટી(PwBD) ધરાવતા ઉમેદવારોને તેમનું મનપસંદ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે. જેના માટે ફોર્મ ભરતી વખતે ઉમેદવારે તેના મનપસંદ પરીક્ષા કેન્દ્રની પસંદગી કરવાની રહેશે."

ઉલ્લેખનીય છે કે, UPSC તરફથી એ પણ જણાવાયું છે કે, પરીક્ષા કેન્દ્રની ફાળવણીની શરૂઆત બેન્ચમાર્ક ડિસેબિલિટી(PwBD)થી કરવામાં આવશે અને ત્યારબાદ નોન-PwBD ઉમેદવારોને પણ સમાવવામાં આવશે. પરંતુ જો કોઈ કેન્દ્ર પર ઉમેદવારો સમાવવાની ક્ષમતા પૂરી થઈ જશે. તો નોન-PwBD ઉમેદવારોને સમાવવામાં આવશે નહીં. જોકે, તેમ છતાં PwBD ઉમેદવારો પોતાના પરીક્ષા કેન્દ્રની પસંદગી કરી જ શકશે.