Mon Dec 08 2025

Logo

White Logo

રૂપિયો તૂટીને 90ને પાર : પ્રિયંકાનો મોદીને સવાલ, મનમોહન સિંહના સમયમાં કહેતા એ હવે કહેશો...

3 days ago
Author: Devayat Khatana
Video

નવી દિલ્હી: અમેરિકી ડૉલર સામે ભારતીય રૂપિયાના મૂલ્યમાં સતત અને અભૂતપૂર્વ ઘટાડો જોવા મળતા દેશમાં રાજકીય ગરમાવો આવ્યો છે. ભારતીય ચલણનું મૂલ્ય આ અઠવાડિયે ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગયું છે, જેના કારણે કોંગ્રેસ પાર્ટી કેન્દ્ર સરકાર અને ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જૂના નિવેદનો પર આક્રમક રીતે પ્રહાર કરી રહી છે. ગુરુવારે રૂપિયો 22 પૈસા ઘટીને ડૉલર સામે ₹90.41 ના સ્તરે ખૂલ્યો હતો, જે તેના અગાઉના 90.19 ના બંધ ભાવ કરતાં વધુ નબળો છે.

રૂપિયાના અવમૂલ્યનના ગંભીર મુદ્દાને લઈને કોંગ્રેસના મહાસચિવ અને વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ વડા પ્રદાન નરેન્દ્ર મોદી પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે, "જ્યારે મનમોહન સિંહના સમયમાં 'હાઈ' ચાલી રહ્યું હતું, ત્યારે તેમણે શું કહ્યું હતું? આજે તેમનો જવાબ શું છે, તે પૂછાવું જોઈએ." આ ઉપરાંત, રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ રૂપિયાના પતન માટે મોદી સરકારની નીતિઓને જવાબદાર ગણાવી છે. ખડગેએ કહ્યું, "મોદી સરકારની નીતિઓનાં કારણે રૂપિયો નબળો થઈ રહ્યો છે. જો સરકારની નીતિ સારી હોત, તો રૂપિયાનું મૂલ્ય વધ્યું હોત."

ખડગેએ રૂપિયાના સતત ઘસારા અંગે સરકારની ટીકા કરતાં આગળ જણાવ્યું હતું કે, "રૂપિયો નબળો થઈ રહ્યો છે એટલે એ દર્શાવે છે કે આપણી આર્થિક હાલત સારી નથી. સરકાર ભલે પોતાની પીઠ થપથપાવે, પણ દુનિયામાં આપણી કરન્સીની કોઈ વેલ્યૂ નથી." તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પણ એક પોસ્ટ કરી, જેમાં તેમણે 2014 પહેલાના ભાજપના નિવેદનને ટાંકીને કહ્યું, "2014ના પહેલા ભાજપે કહ્યું, 'શું કારણ છે ભારતનો રૂપિયો નબળો થતો જઈ રહ્યો છે? આ જવાબ આપવો પડશે તમારે. દેશ તમારી પાસેથી જવાબ માંગી રહ્યો છે.' ભાજપ સરકારને આજે અમે આ જ સવાલ પૂછી રહ્યા છીએ. તેમને જવાબ તો આપવો જ પડશે."