Thu Jan 01 2026

Logo

White Logo

લોકપાલે 7 BMW કારનું વિવાદિત ટેન્ડર રદ્દ કર્યું, : ભારે વિરોધ બાદ લેવાયો મોટો નિર્ણય

1 hour ago
Author: Vimal Prajapati
Video

નવી દિલ્હીઃ ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા લોકપાલે ગુરુવારે સાત લક્ઝરી BMW કાર ખરીદવાના વિવાદિત ટેન્ડરને રદ્દ કરવાની જાહેરાત કરી દીધી છે. આ કારોની ખરીદીથી સરકારી તિજોરીમાંથી આશરે 5 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો હતો. જે સંસ્થાને ભ્રષ્ટાચારને ડામવા માટે બનાવવામાં આવી હતી, જેન સંસ્થાને આવી મોંઘી કારની શું જરૂર પડી? જેના કારણે આનો વ્યાપક વિરોધ શરૂ થયો હતો. બે મહિલાના પહેલા જ સાત BMW કાર ખરીદવાનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું. ભારતભરમાં આનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેના કારણે હવે આ વિવાદિત ટેન્ડરને રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 

સાત BMW 330 Li લક્ઝરી કારની માંગ કરવામાં આવેલી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, આ ટેન્ડર બે મહિના પહેલા ઓક્ટોબર 2025માં જારી કરવામાં આવ્યું હતું, જેમાં સાત BMW 330 Li લક્ઝરી કારની માંગ કરવામાં આવી હતી. આ કારો લોકપાલના અધ્યક્ષ અને છ સભ્યો માટે મંગાવવાની હતી, જેમાં ડ્રાઈવરો અને સ્ટાફ માટે વ્યાવસાયિક તાલીમની પણ જોગવાઈ હતી. દિલ્હીમાં આ કારોની ઓન-રોડ કિંમત 60 લાખ રૂપિયાની આસપાસ હોવાનું જાણવા મળ્યું હતું. કાર પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવાનો હોવાના કારણે વિપક્ષી પાર્ટીઓ અને સિવિલ સોસાયટીએ વિરોધ કર્યો હતો. 

વિપક્ષે લોકપાલને ‘શૌક પાલ’ સંસ્થા ગણાવી

​વિપક્ષી નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ સંસ્થાને ‘શૌક પાલ’ સંસ્થા ગણાવી હતી. કોંગ્રેસ સહિત અનેક પાર્ટીઓએ આ ટેન્ડરનો વિરોધ કર્યો હતો. એટલું જ નહીં પરંતુ નીતિ આયોગના પૂર્વ CEO અમિતાભ કાંટે તો એક સલાહ પણ આપી હતી કે, BMW  કાર લાવવાને બદલે ભારતીય ઇલેક્ટ્રિક કાર ખરીદવી જોઈએ. આખરે આ સંસ્થાને મોંઘી કારોમાં બેસવાની શું જરૂર હશે? તેવા પ્રશ્નનો સાથે લોકપાલ સંસ્થાનો સોશિયલ મીડિયામાં પણ વિરોધ કરવામાં આવ્યો હતો. 

વર્તમાનમાં લોકપાલના અધ્યક્ષ કોણ છે?

તમને જણાવી દઈએ કે, લોકપાલે તેના અધ્યક્ષ અને છ અન્ય વર્તમાન સભ્યો માટે આ લક્ઝરી કાર માટે ટેન્ડર બહાર પાડ્યું હતું. ન્યાયાધીશ (નિવૃત્ત) એએમ ખાનવિલકર હાલમાં લોકપાલના અધ્યક્ષ છે. લોકપાલમાં અધ્યક્ષ સહિત વધુમાં વધુ આઠ સભ્યો હોઈ શકે છે. આમાંથી ચાર સભ્યો ન્યાયિક અને ચાર બિન-ન્યાયિક હોઈ શકે છે. આમના માટે BMW 330 Li લક્ઝરી કારની માંગ કરવામાં આવી હતી પરંતુ ભારે વિરોધ વચ્ચે આ ટેન્ડરને રદ્દ કરી દેવામાં આવ્યું છે.