(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ગત કૅલેન્ડર વર્ષ 2025માં ડૉલર સામે રૂપિયાએ પાંચ ટકાનું ધોવાણ દાખવ્યા બાદ આજે વર્ષ 2026ના પહેલા સત્રમાં પણ ખાસ કરીને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની જળવાઈ રહેલી ઈક્વિટીમાં વેચવાલી અને ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ 10 પૈસાના ઘટાડા સાથે 89.98ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, ગઈકાલે બે્રન્ટ ક્રૂડ તેલના વાયદામાં ભાવ ઘટી આવ્યા હોવાથી રૂપિયાને અમુક અંશે ટેકો મળ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.
સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીના પગલે ડૉલરમાં આક્રમક લેવાલીનું દબાણ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં વર્ષ 2026ના પ્રથમ સત્રમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 89.88ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 89.94ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 89.99 અને ઉપરમાં 89.93ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 10 પૈસાના ઘટાડા સાથે 89.98ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં 13 પૈસાનો ઘટાડો આવ્યો હતો.
એકંદરે વિદેશી ફંડોની વેચવાલીનું દબાણ જળવાઈ રહેવાની સાથે તાજેતરની ક્રિસમસની રજાઓના સમયગાળાને ધ્યાનમાં લેતા આયાતકારોની ડૉલરમાં વ્યાપક લેવાલી રહેતાં ડૉલર સામે રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.09 ટકા વધીને 98.32 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે 32 પૉઈન્ટ અને 16.95 પૉઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યા હતા, જ્યારે ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 3597.38 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હતો.
જોકે, ગઈકાલે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડો આવ્યા બાદ આજે ઘટ્યા મથાળેથી ભાવ સાધારણ 0.78 ટકા વધીને બેરલદીઠ 60.85 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ ગત ડિસેમ્બર મહિનામાં જીએસટીની વસૂલી 6.1 ટકા વધીને રૂ. 1.74 લાખ કરોડના સ્તરે રહી હોવાના અહેવાલને ધ્યાનમાં લેતા રૂપિયામાં ધોવાણ મર્યાદિત રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.