(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ લંડન ખાતે આજે નવા વર્ષ નિમિત્તે બુલિયન માર્કેટ બંધ રહી હોવાથી વૈશ્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે આજે સ્થાનિક ઝવેરી બજારમાં બન્ને કિંમતી ધાતુઓ એકંદરે કામકાજો નિરસ રહેતાં ભાવમાં સામસામા રાહ જોવા મળ્યા હતા, જેમાં ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 1170નો ઘટાડો આવ્યો હતો, જ્યારે સોનામાં ખાસ કરીને ડૉલર સામે રૂપિયામાં ધોવાણ જળવાઈ રહેતાં રૂપિયો વધુ નવ પૈસા ઘટીને બંધ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરો વધી આવતાં ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 265થી 266નો સુધારો આવ્યો હતો.
ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર આજે સ્થાનિકમાં વૈશ્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 2520નો અને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 44નો ઘટાડો આવ્યો હતો અને વેરારહિત ધોરણે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 2,27,900ના મથાળે રહ્યા હતા અને 995 ટચ અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ અનુક્રમે 1,32,618 તથા 1,33,151ના મથાળે રહ્યા હતા. જોકે, ત્યાર બાદ ખાસ કરીને ચાંદીમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી નીકળતા ભાવ ગઈકાલના બંધ સામે કિલોદીઠ રૂ. 1170ના ઘટાડા સાથે રૂ. 2,29,250ના મથાળે રહ્યા હતા. એકંદરે આજે ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની છૂટીછવાઈ લેવાલી રહી હતી, પરંતુ જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક હતી. તે જ પ્રમાણ સોનામાં મુખ્યત્વે ડૉલર સામે રૂપિયામાં નરમાઈ રહેતાં આયાત પડતરો વધી આવતા સત્રના અંતે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 265ના સુધારા સાથે રૂ. 1,32,927ના મથાળે અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 266ના સુધારા સાથે રૂ. 1,33,461ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં આજે સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત વર્ષ 2025માં વિશ્વ બજાર પાછળ સ્થાનિકમાં સોનાના ભાવમાં 77 ટકાનો ઉછાળો આવ્યો હતો. આમ એકંદરે વર્ષ દરમિયાન સોનામાં તેજીનું વલણ જળવાઈ રહેતાં વર્ષ 2025ના પહેલા નવ મહિનામાં દેશની સોનાની માગમાં 14 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જેમાં જ્વેલરી માટેની માગ 26 ટકા ઘટીને 278 ટનની સપાટીએ રહી હતી, જ્યારે રોકાણલક્ષી માગ 13 ટકા વધીને 185ના સ્તરે રહી હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની આંકડાકીય માહિતીમાં જણાવતાં ઉમેર્યું હતું કે આ સમયગાળામાં દેશમાં સોનાની કુલ માગ પૈકી રોકાણલક્ષી માગ 40 ટકાના સ્તરે વિક્રમ સપાટીએ રહી હતી.