Mon Dec 08 2025

Logo

White Logo

ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર થઈ ગઈ : જાણો કોને જગ્યા મળી અને કોની બાદબાકી થઈ

4 days ago
Author: Ajay Motiwala
Video

રાયપુરઃ મંગળવાર, નવમી ડિસેમ્બરે સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે શરૂ થનારી પાંચ મૅચની ટી-20 સિરીઝ માટેની ભારતીય ટીમ (Team)ની જાહેરાત કરવામાં આવી છે જેમાં શુભમન ગિલને ફિટનેસને લગતી એક શરત સાથે સમાવવામાં આવ્યો છે, જ્યારે રિન્કુ સિંહ તથા નીતીશ કુમાર રેડ્ડીની બાદબાકી કરવામાં આવી છે. હાર્દિક પંડ્યા બે મહિના બાદ ફરી આંતરરાષ્ટ્રીય મેદાન પર કમબૅક કરશે. તે આ ટીમનો મુખ્ય ઑલરાઉન્ડર છે.

સૂર્યકુમાર યાદવના સુકાનમાં ભારતીય ટી-20 ટીમ 9-19 ડિસેમ્બર દરમ્યાન સાઉથ આફ્રિકા (South Africa) સામે પાંચ ટી-20 રમશે. ગિલને ટીમમાં વાઇસ-કૅપ્ટન તરીકે સમાવવામાં આવ્યો છે, પરંતુ ગરદનની ઈજા બાબતમાં તેને બીસીસીઆઇ (BCCI) તરફથી લીલી ઝંડી મળશે (ફિટ હોવા વિશેનું સર્ટિફિકેટ મળશે તો જ) તેને આ શ્રેણીમાં રમવા મળશે. તાજેતરમાં ઑસ્ટ્રેલિયા ખાતેના પ્રવાસ માટેની ટી-20 ટીમમાં રિન્કુ અને નીતીશનો સમાવેશ હતો, પરંતુ હવે જાહેર કરાયેલી ટીમમાં તેમના નામ નથી.

સિરીઝની પાંચ મૅચ અનુક્રમે કટક, ન્યૂ ચંડીગઢ, ધરમશાલા, લખનઊ અને અમદાવાદમાં રમાશે. સિલેક્શન કમિટીની રાયપુરમાં બુધવારે મીટિંગ યોજાઈ હતી જેમાં આ ટીમ નક્કી કરવામાં આવી હતી. ટી-20નો વર્લ્ડ નંબર-વન બૅટ્સમૅન અભિષેક શર્મા આ ટીમનું સૌથી મોટું આકર્ષણ છે.

ભારતની ટી-20 ટીમ

સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કૅપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જિતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સૅમસન (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા અને વૉશિંગ્ટન સુંદર.


પાંચ ટી-20 મૅચનું શેડ્યૂલ

(1) મંગળવાર 9મી ડિસેમ્બર, પ્રથમ ટી-20, કટક, સાંજે 7.00
(2) ગુરુવાર 11મી ડિસેમ્બર, બીજી ટી-20, ન્યૂ ચંડીગઢ, સાંજે 7.00
(3) રવિવાર 14મી ડિસેમ્બર, ત્રીજી ટી-20, ધરમશાલા, સાંજે 7.00
(4) બુધવાર 17મી ડિસેમ્બર, ચોથી ટી-20, લખનઊ, સાંજે 7.00
(5) શુક્રવાર 19મી ડિસેમ્બર, પાંચમી ટી-20, અમદાવાદ, સાંજે 7.00