નવી દિલ્હી: એક અઠવાડિયા સુધી ફ્લાઇટ કેન્સલ થવાની સમસ્યામાંથી ઇન્ડિગો એરલાઇન સમસ્યામાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, આ સમસ્યાથી અનેક યાત્રીઓના કિંમતી સમયનો વ્યય થયો છે. સાથોસાથ ઇન્ડિગોને પણ નુકસાન થયું છે. જોકે, હવે ઇન્ડિગો એક બીજી સમસ્યાનો સામનો કરી રહ્યું છે. જે કસ્ટમ ડ્યૂટી સાથે સંકળાયેલી છે. જેને લઈને તે દિલ્હી હાઈ કોર્ટ પહોંચી છે.
કંપની પર બે વાર ટેક્સ લદાયો
ઇન્ડિગો એરલાઇની પેરેન્ટ કંપની ઇન્ટરગ્લોબલ એવિએશન લિમિટેડે વિમાનના એન્જિન અને પાર્ટ્સ પર લગાવેલ કસ્ટમ ડ્યૂટીના રિફંડને લઈને દિલ્હી હાઈ કોર્ટમાં અરજી કરી છે. કંપનીએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે, અમારી ઉપર એક જ વસ્તુ માટે બે વાર ટેક્સ લાદવામાં આવ્યો છે. આ ખોટું અને ગેરકાયદે પણ છે. ઇન્ટરગ્લોબલ એવિએશન લિમિટેડની આ અરજીને લઈને દિલ્હી હાઈ કોર્ટની ડિવીઝન બેંચે શુક્રવારે સુનાવણી હાથ ધરી હતી.
હાઈ કોર્ટની સુનાવણી દરમિયાન ઇન્ડિગોના વકીલ વી. લક્ષ્મીકુમારને દલીલ કરી હતી કે, જ્યારે વિમાનના એન્જિન તથા અન્ય જરૂરી પાર્ટ્સને મેન્ટેનન્સ માટે વિદેશમાં મોકલવામાં આવે છે અને તેને ફરી પાછા ભારત લાવવામાં આવે છે, તો તેને નવી ખરીદી ગણી શકાય નહીં. તેમ છતાં કસ્ટમ વિભાગે તેને નવી આયાત ગણીને મોટી કસ્ટમ ડ્યૂટી વસૂલ કરી છે.
પોતાની દલીલમાં ઇન્ડિગોએ આગળ જણાવ્યું કે, કંપનીએ આ પાર્ટ્સને રી-ઇમ્પોર્ટ કરતી વખતે બેઝિક કસ્ટમ ડ્યૂટી પહેલીથી જ ચૂકવી દીધી હતી. આ ઉપરાંત, વિદેશમાં કરાવેલ મેન્ટેનન્સ એક સર્વિસની કક્ષામાં આવે છે. તેથી તેના પર રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ GST પણ ચૂકવવામાં આવ્યો છે. તેમ છતાં કસ્ટમ અધિકારીઓએ ફરીથી કસ્ટમ ડ્યૂટી લાદવાની માંગ કરી છે, આ ડબલ ટેક્સેશન છે.
કસ્ટમ વિભાગે રિફંડ આપ્યું નહીં
વકીલ વી. લક્ષ્મીકુમારને કોર્ટની બેંચને જણાવ્યું કે, કસ્ટમ વિભાગની આ વસૂલાતને કસ્ટમ ટ્રિબ્યુનલ ખોટી જાહેર કરી ચૂકૂ છે. ટ્રિબ્યુનલે સ્પષ્ટપણે કહ્યું હતું કે, મેન્ટેનન્સ બાદ પરત આવેલા સામાન પર બીજી વાર કસ્ટમ ડ્યૂટી લગાવી શકાય નહીં. તેમ થતાં અધિકારીઓ દ્વારા રિફંડ આપવામાં આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે, ઇન્ડિગોની અરજી પર સુનાવણી કરી રહેલી દિલ્હી હાઈ કોર્ટની ડિવિઝન બેંચના જસ્ટિસ શૈલ જૈને પોતાને સુનાવણીથી અળગા કરી દીધા છે. જસ્ટિસ શૈલ જૈને જણાવ્યું કે, તેમનો દીકરો ઇન્ડિગો એરલાઇનમાં પાયલટ છે. જેથી તે આ અંગે કોઈ ચૂકાદો આપશે નહીં. હવે આ કેસ ચીફ જસ્ટિસની સલાહથી અન્ય બેંચને સોંપવામાં આવશે.