નવી દિલ્હી: પત્રકારત્વને લોકશાહીનો ચોથો સ્તંભ ગણવામાં આવે છે. પત્રકારો વગર પત્રકારત્વ શક્ય નથી. જેમ સૈનિકો લડતાં લડતાં શહીદ થઈ જાય છે. તેમ પત્રકારો પણ નીડરતાપૂર્વક પત્રકારત્વ કરતાં કરતાં જીવ ગુમાવે છે. વર્ષ 2025માં ઘણા પત્રકારોના મોત થયા છે. જેના અંગે ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ જર્નાલિસ્ટ(IFJ)નો રિપોર્ટ સામે આવ્યો છે.
ભારતમાં કેટલા પત્રકારોના મોત થયા?
IFJના રિપોર્ટ અનુસાર, 2025માં કુલ 128 પત્રકારોના મોત થયા છે. 10 ડિસેમ્બર પહેલા પત્રકારોના મૃત્યુનો આંકડો 111 હતો. પરંતુ 10 ડિસેમ્બર બાદ 17 પત્રકારોના મોત થયાની વાત સામે આવી હતી. જેથી કુલ આંકડો 128 પર પહોંચ્યો હતો. 128 પૈકીના 9 મોત દુર્ઘટનાના કારણે થયા છે. મૃત્યુ પામનાર પત્રકારોમાં 10 મહિલા પત્રકારોનો પણ સમાવેશ થાય છે.
પત્રકારોના સૌથી વધુ મોત મધ્ય પૂર્વ અને અરબ દેશોમાં થયા છે. આ દેશોમાં 74 પત્રકારોના મોત થયા છે. જે કુલ મોતના 58 ટકા છે. માત્ર ગાઝામાં યુદ્ધ દરમિયાન 56 પત્રકારોના મોત થયા છે. 10 ઓગસ્ટના રોજ અલ ઝઝીરાના રિપોર્ટરને ટાર્ગેટ બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. તેની સાથે બીજા 5 પત્રકારો અને મીડિયાકર્મીઓના પણ મોત થયા હતા. રિપોર્ટ મુજબ યમનમાં 13, યુક્રેનમાં 8, સુદાનમાં 6 અને ભારત તથા પેરૂમાં 4-4 પત્રકારોના મોત થયા છે. આ સિવાય પાકિસ્તાન, મેક્સિકો, ફિલિપાઈન્સમાં 3-3 પત્રકારોના મોત થયા હતા.
સરકારે પત્રકારોની રક્ષા કરવી પડશે
એશિયા-પેસેફિક વિસ્તારમાં 15 પત્રકારોના મોત થયા છે. આ વિસ્તારના દેશોમાં સૌથી વધુ પત્રકારોને જેલમાં મોકલવામાં આવ્યા છે. આ વિસ્તારમાં કુલ 277 મીડિયાકર્મીઓ જેલવાસ ભોગવી રહ્યા છે. હોંગકોંગ સહિત ચીનમાં કુલ 143 પત્રકારો જેલમાં છે. ત્યારબાદ મ્યાનમારમાં 49, વિયેતનામમાં 37 પત્રકારો જેલમાં છે. યુરોપમાં કુલ 10 પત્રકારનો મોત થયા છે. આફ્રિકામાં કુલ 9 પત્રકારોના મોત થયા છે. જ્યારે અમેરિકામાં 11 પત્રકારોના મોત થયા છે.
ઉલ્લેખનીય છે કે, IFJ દ્વારા 1990થી પત્રકારોના મોતના આંકડાની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. અત્યારસુધીમાં કુલ 3173 પત્રકારોના મોત નોંધાઈ ચૂક્યા છે. IFJના મહાસચિવ એંથની બેલેંજરના જણાવ્યાનુસાર, આ આંકડો વૈશ્વિક સંકટ દર્શાવે છે. મૃત્યુનો આ આંકડો યાદ અપાવે છે કે, પત્રકારોને તેમના કામના કારણે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. સરકારે હવે પત્રકારોની રક્ષા કરવી પડશે. હત્યારાઓને કોર્ટના કઠેડામાં લાવીને પ્રેસની સ્વતંત્રતાને કાયમ રાખવા માટે પ્રયાસો કરવા જોઈએ.