એકસ્ટ્રા અફેર - ભરત ભારદ્વાજ
એક સમયના ભાજપના લાડકા અને અત્યારે વખારમાં નાંખી દેવાયેલા સંગીત સિંહ સોમ પાછા વરતાયા છે. ઉત્તર પ્રદેશમાં બે વાર ધારાસભ્ય રહી ચૂકેલા સંગીત સોમે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓની થઈ રહેલી હત્યાઓ અને વધી રહેલા અત્યાચારો મુદ્દે શાહરૂખ ખાનને લઈ પાડ્યો છે. સોમે શાહરૂખને દેશદ્રોહી ગણાવીને ભારતમાંથી કાઢી મૂકવાની માગ કરી છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 2026ની સીઝન માટે શાહરૂખની ટીમ કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) એ બાંગ્લાદેશના ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાનને 9 કરોડ રૂપિયા આપીને ખરીદ્યો છે. સોમે આ ખરીદી બદલ શાહરૂખ ખાનને દેશદ્રોહી ગણાવીને લવારો કર્યો છે કે, એક તરફ, બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા થઈ રહી છે અને બીજી તરફ આઈપીએલમાં બાંગ્લાદેશી ક્રિકેટરોને ખરીદવામાં આવી રહ્યા છે. સોમના કહેવા પ્રમાણે, ભારતીયોએ શાહરૂખને સુપરસ્ટાર બનાવ્યો છે અને આ દેશમાંથી જ શાહરૂખને નાણાં મળે છે પણ બાંગ્લાદેશી ક્રિકેટરને ખરીદીને શાહરૂખે દેશ સાથે દગો કર્યો છે એ જોતાં શાહરૂખ ખાન જેવા દેશદ્રોહીઓને આ દેશમાં રહેવાનો કોઈ અધિકાર નથી. સોમે ધમકી પણ આપી છે કે, મુસ્તફિઝુર રહેમાન સહિતનો કોઈ પણ બાંગ્લાદેશી ક્રિકેટર ભારત આવશે તો એરપોર્ટની બહાર પગ પણ નહીં મૂકી શકે.
સંગીત સોમ ફાલતુ નેતા છે અને તેના લવારાથી ત્રાસીને ભાજપે પણ તેને કોરાણે મૂકી દીધો છે તેથી તેની વાત પર ધ્યાન જ ના અપાય પણ સોમે જે મુદ્દો ઉઠાવ્યો છે એ મહત્વનો છે તેથી તેની વાત કરવી જરૂરી છે. બીજું એ કે, સોમ જેવા પોતાને દેશભક્ત અને હિંદુત્વના મસિહા તરીકે સ્થાપિત કરવા મથતા નેતાઓનો અસલી ચહેરો શું છે એ જાણવું પણ જરૂરી છે.
શાહરૂખે મુસ્તફિઝુરને ખરીદ્યો કેમ કે આઈપીએલની હરાજી માટેની યાદીમાં તેનું નામ હતું. સોમને વાંધો હોય તો તેણે આઈપીએલ સામે અને બીસીસીઆઈ સામે વાંધો લેવો જોઈએ પણ એવી હિંમત નથી કેમ કે બોર્ડમાં જય શાહ બેઠા છે. જય શાહનું નામ પણ લે તો અમિત શાહ ફાડી નાંખે એટલે શાહરૂખને ટાર્ગેટ કરે છે. આઈપીએલ કે બોર્ડે પણ કશું ખોટું કર્યું નથી. ભારત સરકારે પોતે બાંગ્લાદેશ પર કોઈ પ્રતિબંધ મૂક્યો નથી કે તેની સાથેના રાજદ્વારી સંબંધો કાપ્યા નથી પછી બાંગ્લાદેશી ક્રિકેટરોને શું કરવા દૂર રાખવાના ?
હવે સોમના અસલી ચહેરાની પણ વાત કરી લઈએ. પોતાને હિંદુવાદી વિચારધારાના સમર્થક ગણાવતા સંગીત સોમ મૂળ સમાજવાદી પાર્ટીનો નેતા છે અને 2009ની લોકસભા ચૂંટણીમાં સપાના ઉમેદવાર તરીકે ચૂંટણી પણ લડેલો પણ ખરાબ રીતે હારી ગયેલો. મુઝફ્ફરનગર બેઠક પર સંગીત સોમ છેક ત્રીજા નંબરે આવેલો. એ પછી સોમ પલટી મારીને ભાજપમાં આવી ગયો અને નવો બાવો બે ચીપિયા વધારે વગાડે એ હિસાબે ભાજપના નેતાઓ કરતાં પણ વધારે જોરશોરથી હિંદુત્વની વાતો કરવા માંડ્યો તેમાં 2012માં ભાજપે વિધાનસભાની ટિકિટ આપી દીધી. સોમ ઠાકુર છે અને જમીનદારનો દીકરો છે તેથી સરધાના બેઠક પરથી જીતી ગયો.
ભાજપે 2014ની લોકસભા ચૂંટણીના પ્રચારનો આરંભ 2013માં કર્યો ત્યારે સોમ ધારાસભ્ય હતો. અમિત શાહ ભાજપના ઉત્તર પ્રદેશના પ્રભારી બનીને ગયેલા ને તેમણે ઉગ્ર હિંદુવાદી નેતાઓને પકડ્યા તેમાં સંગીત સોમ પણ એક હતા. ઉત્તર પ્રદેશમાં ભાજપનો ઉદય 2013નાં મુઝફ્ફરનગરનાં રમખાણોના કારણે થયો. આ રમખાણોમાં સોમ કેન્દ્રસ્થાને હતા અને ઉત્તર પ્રદેશ સરકારે નિમેલા જસ્ટિસ વિષ્ણુ સહાય પંચે રમખાણો ભડકાવવામાં સૌથી મહત્ત્વની ભૂમિકા સોમે ભજવેલી એવું લખ્યું છે. સોમ સામે નેશનલ સીક્યુરિટી એક્ટ હેઠળ પણ કેસ નોંધાયેલો. 2017માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલાં સોમે રમખાણોની ક્લિપ્સ ફરતી કરેલી તેના કારણે પણ તેમની સામે કેસ થયો હતો.
સંગીત સોમ 2012થી 2022 એમ 10 વર્ષ માટે ધારાસભ્યપદે હતા. આ દરમિયાન વારંવાર ઉશ્કેરણીજનક ભાષણો આપીને કટ્ટરવાદી હિંદુઓમાં લોકપ્રિય થયા પણ ભાજપની નેતાગીરી માટે માથાનો દુ:ખાવો પણ ઊભો કર્યો એટલે ભાજપે 2022માં સોમને ટિકિટ નહોતી આપી. 2022ના ઓક્ટોબરમાં સોમને ઉશ્કેરણીજવક ભાષણ આપવાના કેસમાં દોષિત ઠેરવાયેલા પણ દંડ ભરાવીને છોડી મૂકાયેલા. સોમ ત્યારથી નવરા છે અને છાસવારે જીભે ચડે એ ભસીને ભાજપ હાઈકમાન્ડનું ધ્યાન ખેંચવા મથે છે પણ હાઈકમાન્ડને રસ પડતો નથી.
સંગીત સોમ પોતાને હિંદુવાદી નેતા ગણાવે છે અને ગૌહત્યા વિરોધી નિવેદનો ફટકારે છે, ઝુંબેશ પણ ચલાવે છે પણ એ પોતે કતલખાનાં અને માંસનું પ્રોસેસિંગ તથા નિકાસ કરતી કંપનીઓમાં ભાગીદાર છે. સોમ વ્યક્તિગત રીતે બે માંસ પ્રોસેસિંગ અને નિકાસ કંપનીઓ અલ-દુઆ અને અલ-અનમ સાથે સંકળાયેલો હોવાના દસ્તાવેજી પુરાવા છે. અલ-દુઆ ભારતની ટોચની હલાલ માંસ નિકાસ કંપનીઓમાંની એક છે અને આરબ દેશોમાં માંસની નિકાસ કરે છે. અલ દુઆ ફૂડ પ્રોસેસિંગ કંપની ગુણવત્તાયુક્ત હલાલ ભેંસ, ઘેટાં/ઘેટાં, બકરીનું માંસ અને ચામડાની નિકાસ કરે છે એવું કંપનીની સત્તાવાર વેબસાઈટ પર લખાયેલું છે.
સંગીત સોમની આ બે કંપનીઓમાં ભાગીદારીના સમાચાર 2015માં આવ્યા ત્યારે પહેલાં તો સોમે હાથ જ અધ્ધર કરી દીધેલા. 9 ઓક્ટોબર, 2015 ના રોજ હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં સોમે દાવો કર્યો હતો કે, પોતાની જાણ બહાર પોતાને અલ-દુઆના ડિરેક્ટર બનાવી દેવાયા છે અને હિંદુ કટ્ટરવાદી તરીકે પોતે આવી કોઈ પ્રવૃત્તિમાં જોડાય એવી કલ્પના જ ના થઈ શકે. અહેવાલ છાપનાર અખબારે દસ્તાવેજી પુરાવા મૂક્યા પછી ધ હિંદુ અખબાર સામે સોમે સ્વીકાર્યું કે પોતે લગભગ બે વર્ષ સુધી અલ-દુઆના ડિરેક્ટર હતા. સ્વાભાવિક રીતે જ સોમે એ પછી સત્તાવાર રીતે પોતે આ કંપનીઓ સાથે સંકળાયેલા નથી એવો બંદોબસ્ત કરાવી દીધો પણ આ ઘટના સોમ જેવા હિંદુત્વના નામે ચરી ખાનારા લોકોનો અસલી ચહેરો છતો કરે છે.
હિંદુઓની તકલીફ છે કે, તેમને હિંદુત્વની વાતો કરનારાંના અવગુણ દેખાતા નથી કેમ કે તેમનું હિંદુત્વ મુસ્લિમો કેન્દ્રિત થઈ ગયું છે. મુસ્લિમોને ગાળો ભાંડે, પાકિસ્તાન કે બાંગ્લાદેશ સામે કશું કરે નહીં પણ ખાલી થૂંક ઉડાડે એ બધા નેતા હિંદુવાદી લાગે છે.
ખેર, એ મુદ્દો અલગ છે પણ જે માણસ પોતે હિંદુવાદી હોવાનો દાવો કરીને પશુઓની કતલ કરીને રૂપિયા રળતો હોય એ માણસ શાહરૂખ ખાનને દેશદ્રોહી ગણાવે ત્યારે કેવું લાગે ? ભલા માણસ, પહેલાં તુ તો હિંદુ સમાજને વફાદાર બન પછી બીજાંને સર્ટિફિકેટ આપજે.
શાહરૂખે બાંગ્લાદેશી ક્રિકેટરને ખરીદીને દેશ સાથે ગદ્દારી કરી હોવાનું કહેનારા સોમ પહેલા નથી. આ પહેલાં પોતાને આધ્યાત્મિક ગુરુ ગણાવતા કથાકાર દેવકીનંદન ઠાકુરે પણ આ જ વાત કરેલી.