આપણામાંથી અનેક લોકો રેલવેમાં મુસાફરી કરી જ હશે. હવે રેલવેમાં મુસાફરી કરી હશે તો તમને ખ્યાલ હશે કે રેલવે ટ્રેક પર પાટાની વચ્ચે નાના નાના પથ્થર જોવા મળે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે ખરું કે આખરે રેલવે ટ્રેક પર આ પથ્થર કેમ નાખવામાં આવે છે? તમને જાણીને નવાઈ લાગશે કે દેખાવમાં સામાન્ય દેખાતા આ પથ્થર હકીકતમાં તો રેલવે એન્જિનિયરિંગની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું કામ કરે છે. ટેક્નિકલ લેન્ગ્વેજમાં આ પથ્થરોને 'બેલાસ્ટ' (Ballast) તરીકે ઓળખવામાં આવે છે અને બેલાસ્ટ જ ટ્રેનને સુરક્ષિત અને સ્થિર રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
ચાલો સમજીએ કે આખરે રેલવે ટ્રેક પર આ પથ્થરો શા માટે બિછાવવામાં આવેછે અને તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે?
રેલવે બેલાસ્ટ શું છે?
સૌથી પહેલાં તો સમજીએ કે આખરે આ રેલવે બેલાસ્ટ શું છે એ- નદીના ગોળ પથ્થરોને બદલે રેલવે ટ્રેક પર જાણી જોઈને ખરબચડા પથ્થરો વાપરવામાં આવે છે, જેથી તેઓ એકબીજા સાથે મજબૂતીથી જોડાઈ રહે અને ખસી ન જાય. ભારતમાં આ માટે સામાન્ય રીતે ગ્રેનાઈટ, બેસાલ્ટ અથવા ક્વાર્ટઝાઈટ જેવા મજબૂત પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે.
સ્લીપરને સ્થિર રાખવાનું કામ
રેલવે ટ્રેકની નીચે સિમેન્ટ કે લાકડાના કે સિમેન્ટ બ્લોક્સ જોવા મળે છે એને 'સ્લીપર' કહેવાય છે. જ્યારે હજારો ટન વજન ધરાવતી ટ્રેન પાટા પરથી પસાર થાય છે, ત્યારે આ પથ્થરો સ્લીપરને પોતાની જગ્યાએ જકડી રાખે છે. જો પથ્થર ન હોય તો ટ્રેનના વજન અને ધ્રુજારીથી પાટા આડાઅવળા થઈ શકે છે.
વજન સરખે ભાગે વહેંચે છે
ટ્રેન જ્યારે ટ્રેક પર ચાલે છે ત્યારે ટ્રેનના પૈડાં અને પાટાના કોન્ટેક્ટ પોઈન્ટ પર ભારે દબાણ આવે છે. બેલાસ્ટ આ વજનને પાટા પરથી સ્લીપર અને પછી જમીનમાં સમાન રીતે વહેંચવાનું કામ કરે છે. આને કારણે જમીન પર એક જ જગ્યા પર દબાણ નથી આવતું અને પાટા જમીનમાં ધસી જતા નથી.
પાણીના નિકાલની વ્યવસ્થા
વરસાદનું પાણી રેલવે ટ્રેક માટે જોખમી છે. જો પાણી પાટા પાસે ભરાઈ રહે તો તેની નીચેની જમીન નરમ પડી જાય અને પાટા બેસી જાય. પથ્થરો વચ્ચેની ખાલી જગ્યા પાણીને ઝડપથી જમીનમાં શોષાઈ જવા દે છે, જેનાથી ટ્રેક હંમેશા કોરો રહે છે અને કાટ લાગવાનું જોખમ પણ ઘટે છે.
ધ્રુજારી અને અવાજમાં ઘટાડો
ટ્રેન જ્યારે ફૂલ સ્પીડમાં રેલવે ટ્રેક પરથી પસાર થાય છે ત્યારે સ્ટ્રોન્ગ વાઈબ્રેશન પેદા થાય છે. ટ્રેક પર બિછાવવામાં આવેલા પથ્થર આ વાઈબ્રેશન્સને શોષી લે છે, જેને કારણે ટ્રેક અને સ્લીપર પર ઓછું દબાણ આવે અને ટ્રેનનો અવાજ પણ ઘટી જાય છે.
મેન્ટેનન્સ કેમ જરૂરી છે?
સમય જતાં ટ્રેનના ભારને કારણે પથ્થરો ઘસાઈને ગોળ થઈ જાય છે કે પછી તેમાં ધૂળ ભરાઈ જાય છે, જેનાથી પાણીનો નિકાલ અટકે છે. આથી રેલવે સમયાંતરે 'ડીપ સ્ક્રીનિંગ' દ્વારા આ પથ્થરોને સાફ કરવામાં આવે છે અથવા નવા પથ્થરો નાખે છે જેથી મુસાફરી સુરક્ષિત રહે.
છે ને એકદમ અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.