મુંબઈ : દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગોએ બુધવારે 70 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી હતી. જેમાં બેંગલુરુ અને મુંબઈ જેવા મુખ્ય એરપોર્ટનો પણ સમાવેશ થાય છે. જેનું મુખ્ય કારણ ક્રૂની તીવ્ર અછત પ્રકાશમાં આવી છે. જેના લીધે દેશભરના એરપોર્ટ પર ઇન્ડિગોની ઘણી ફ્લાઇટ્સ કલાકો સુધી મોડી પડી હતી. એવિએશન સેક્ટરમાં ક્રૂની તીવ્ર અછત પડકારરૂપ બન્યો છે. જેના લીધે મુસાફરો પરેશાન થઈ રહ્યા છે.
ફ્લાઈટ રદ અને વિલંબ અંગે પૃષ્ટિ કરી
આ અંગે ઇન્ડીગોએ સત્તાવાર રીતે પ્રતિક્રિયા આપી છે. જેમાં તેણે ફ્લાઈટ રદ અને વિલંબ અંગે પૃષ્ટિ કરી હતી. જેના કારણોમાં ટેકનીકલ ખામી, સ્ટાફનો અભાવ અને એરપોર્ટ પર ટ્રાફિકની સમસ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ફ્લાઇટ ડ્યુટી સમય મર્યાદાના નવા નિયમો બાદ મુશ્કેલી
એવિએશન સુત્રોના જણાવ્યા અનુસાર ફ્લાઇટ ડ્યુટી સમય મર્યાદાના (FDTL)નવા નિયમોના બીજા તબક્કાના અમલીકરણ પછી આ પરિસ્થિતિ ઊભી થઈ હતી. સુત્રોએ જણાવ્યું હતું કે FDTL નિયમોના બીજા તબક્કાના અમલીકરણ બાદ ઇન્ડિગો ક્રૂની તીવ્ર અછતનો સામનો કરી રહી છે, જેના કારણે મોટી સંખ્યામાં ફ્લાઇટ રદ અને વિલંબ થયો છે.
ઇન્ડિગો દરરોજ આશરે 2,100 ફ્લાઇટ્સનું સંચાલન કરે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર મંગળવારે પરિસ્થિતિ બગડવાની શરૂઆત થઈ અને બુધવારે સમગ્ર દેશમાં વધુ ખરાબ થઈ. ઇન્ડિગો દરરોજ આશરે 2,100 ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. જેમાંથી મોટાભાગની રાત્રિ ફ્લાઇટ્સ છે, જે નવા નિયમોથી સૌથી વધુ પ્રભાવિત થઈ છે. ફ્લાઇટ રદના આ સંકટથી ઇન્ડિગોના સંચાલન પર ગંભીર અસર પડી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયની વેબસાઇટ અનુસાર, મંગળવારે છ મુખ્ય સ્થાનિક એરપોર્ટ પર ઇન્ડિગોનું ઓન-ટાઇમ પર્ફોર્મન્સ માત્ર 35 ટકા હતું.