(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈઃ મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગે્રડની ખાંડમાં વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે 20 અને ઉપલા મથાળેથી રૂ. 10ના સુધારા સાથે રૂ. 3620થી 3660માં થયાના પ્રોત્સાહક અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સપ્તાહના અંતને કારણે હાજરમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં ભાવમાં ટકેલું વલણ જોવા મળ્યું હતું, જ્યારે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે મથકો પાછળ સ્મોલ ગે્રડની ખાંડના ભાવમાં ક્વિન્ટલે રૂ. 10થી 30નો સુધારો આવ્યો હતો અને મિડિયમ ગે્રડની ખાંડમાં મિશ્ર વલણ રહેતાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 20નો સુધારો અને ઉપલા મથાળેથી રૂ. 10નો ઘટાડો જોવા મળ્યો હતો.
ગઈકાલે મોડી સાંજે અનાજ અને જાહેર વિતરણ મંત્રાલયના વિભાગે આગામી જાન્યુઆરી મહિનાના મુક્ત વેચાણ માટે બાવીસ લાખ ટન ખાંડના ક્વૉટાની જાહેરાત કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન આજે સ્થાનિકમાં અંદાજે 28થી 29 ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત સપ્તાહના અંતને કારણે રિટેલ સ્તરની લેવાલી પણ પાંખી રહેતાં ઉપાડ લગભગ 26થી 27 ટ્રકનો રહ્યો હોવાથી મથકો પર ટેન્ડરોના ભાવમાં સુધારો આવ્યો હોવા છતાં હાજર ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. આજે હાજરમાં સ્મોલ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 3782થી 3882માં અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 3882થી 3990માં ટકેલા ધોરણે થયા હતા.
જોકે, આજે નાકા ડિલિવરી ધોરણે ખાસ કરીને સ્મોલ ગે્રડની ખાંડમાં ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની લેવાલીને ટેકે ભાવ ક્વિન્ટલે રૂ. 10થી 30 વધીને રૂ. 3720થી 3780ના મથાળે રહ્યા હતા અને મિડિયમ ગે્રડની ખાંડમાં મિશ્ર વલણ રહેતાં ભાવ નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 20 વધીને અને ઉપલા મથાળેથી રૂ. 10નો ઘટીને રૂ. 3810થી 3840ના મથાળે રહ્યા હતા.