મુંબઈ: ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો માટે મહત્વના સમાચાર છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ એક મહત્વનું નોટીફિકેશન બહાર પાડ્યું છે, જે હેઠળ ગ્લોબલ સ્ટાન્ડર્ડ મુજબ ભારતમાં હીરા માટેના નવા સ્ટાન્ડર્ડ જાહેર કર્યા છે. જેમાં ભારપૂર્વક સૂચવવામાં આવ્યું છે કે "હીરા" (Diamond) શબ્દ ફક્ત કુદરતી હીરા માટે જ વાપરી શકાશે.
BISએ જાહેર કરેલા તાજેતરના નોટીફિકેશન મુજબ લેબોરેટરીમાં બનાવવામાં આવતા સ્ટોન્સને હવે માન્ય પરિભાષા - "લેબોરેટરી-ગ્રોન ડાયમંડ" અથવા "લેબોરેટરી-ક્રિએટેડ ડાયમંડ" શબ્દોનો ઉપયોગ કરવાનો રહેશે.
ગેર માર્ગે દોરતા શબ્દોનો ઉપયોગ કરી શકાશે નહીં:
નવા નોટીફિકેશન મુજબ લેબોરેટરીમાં બનાવવામાં આવતા સ્ટોન્સ માટે "નકલી હીરા" અથવા "કૃત્રિમ હીરા" જેવા ગેરમાર્ગે દોરનારા શબ્દો ઉપયોગ કરી શકાશે નહીં. ગ્રાહકોને કોઈ મૂંઝવણનાં થાય એ માટે ચોક્કસ ટ્રીટમેન્ટ અને વ્યાખ્યાઓની સંપૂર્ણ માહિતી આપવી ફરજિયાત રહેશે.
નવા ધોરણો મુજબ "લેબ ગ્રોન", "લેબ ક્રિએટેડ", "લેબ ડાયમંડ" અથવા "LGD" જેવા સંક્ષિપ્ત શબ્દોનો પણ ઉપયોગ કરી શકાશે નહીં.
વૈશ્વિક ધોરણો મુજબ BISના ધોરણો:
હીરાને કેવી રીતે પ્રોસેસ કરવામાં આવ્યો છે એ અંગે ગ્રાહકોને સ્પષ્ટતા રહે એ માટે BISએ નવા ધોરણોમાં કેમિકલ વેપર ડિપોઝિશન (CVD) અને હાઇ પ્રેશર હાઇ ટેમ્પરેચર (HPHT) જેવી ટ્રીટમેન્ટ પ્રક્રિયાઓને જ સત્તાવર માન્યતા આપી છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) અનુસાર, નવા રજૂ કરાવામાં આવેલા IS 19469:2025 આંતરરાષ્ટ્રીય ધોરણ ISO 18323:2015 પર આધારિત છે.
આ હેતુથી લેવામાં આવ્યો નિર્ણય:
અહેવાલ મુજબ ગ્રાહકોમાં વિશ્વાસ વધે હીરાની પરિભાષા સ્પષ્ટ થાય અને ભારતના હીરા વેપારને આંતરરાષ્ટ્રીય ધોરણો સુધી લઇ જઈ શકાય એવા ઉદેશ્યથી BIS MTD 10 સમિતિએ આ નવા ધોરણો બનાવ્યા છે. BISના જણાવ્યાં મુજબ GJEPC અને મીનીસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ સાથે પરામર્શ કર્યા બાદ નવા ધોરણો બનવવામાં આવ્યા છે. BISના જણાવ્યા મુજબ સોનામાં હોલમાર્ક લાગુ કરવામાં આવ્યું તેમ હિરા અંગે પણ ગ્રાહકોની મૂંઝવણ દૂર થઇ શકશે.
હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા એક વેપારી જણાવ્યું કે અગાઉ ઘણા લેબોરેટરી સર્ટીફીકેટ આપવામાં આવતા હતાં, જે ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા હતાં.
ભારતનું વિકસતું જ્વેલરી સેક્ટર:
નાણાકીય વર્ષ 2024માં ભારતનાં જ્વેલરી સેક્ટરનું મૂલ્ય લગભગ $80 બિલિયન હતું, તે નાણાકીય વર્ષ 2035 સુધીમાં વધીને $225 બિલિયન થવાનો અંદાજ છે.
ચીનને પાછળ છોડીને ભારત ડાયમન્ડ જ્વેલરીનું વિશ્વનું બીજું સૌથી મોટી માર્કેટ બન્યું છે. હાલમાં ભારતમાં ડાયમન્ડ જ્વેલરી માર્કેટનું મૂલ્ય લગભગ $10 બિલિયન છે, આ માર્કેટ 2030 સુધીમાં બમણી થઇ શકે છે.
ત્યારે BISના નવા ધોરણો ભારતના ક્વોલિટી સુધારવા મહત્વનો ફાળો ભજવશે.