Thu Jan 01 2026

Logo

White Logo

ઈરાનમાં ઈસ્લામિક શાસન સામે બળવો, : આર્થિક કંગાળી અને મોંઘવારી મામલે જનવિદ્રોહ

Tehran   1 day ago
Author: Tejas Rajpara
Video

નવી દિલ્હી: છેલ્લા બે દિવસથી ઈરાનના અનેક શહેરોમાં અંધાધૂંધી અને તણાવભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઈરાની ચલણ 'રિયાલ' અમેરિકી ડોલરની સામે ઐતિહાસિક નીચલી સપાટીએ પહોંચી ગયું છે, જેના કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. આ આર્થિક સંકટ હવે રાજકીય આંદોલનમાં ફેરવાઈ ગયું છે, જ્યાં હજારો લોકો સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના ધાર્મિક શાસન સામે રસ્તા પર ઉતરી આવ્યા છે. આ પ્રદર્શન છેલ્લા ત્રણ વર્ષમાં જોવા મળેલી સૌથી મોટી જન-વિરોધી લહેર માનવામાં આવી રહી છે.

આ આંદોલનની શરૂઆત તેહરાનના પ્રખ્યાત ગ્રાન્ડ બજારથી થઈ હતી, જે હવે મશહદ, ઈસ્ફહાન અને શિરાજ જેવા મુખ્ય શહેરોમાં પ્રસરી ચુકી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં પ્રદર્શનકારીઓ 'તાનાશાહી મુર્દાબાદ' જેવા ઉગ્ર નારા લગાવી રહ્યા છે. લોકોમાં સરકાર સામે એટલો ગુસ્સો છે કે સુરક્ષા દળોની હાજરી હોવા છતા તેઓ પીછેહઠ કરવા તૈયાર નથી. તેહરાન હાઈવે પર એકલા હાથે સુરક્ષા દળોનો સામનો કરતા વ્યક્તિની તસવીર અત્યારે 1989ના 'ટ્રિબ્યુનલ સ્ક્વેર'ના 'ટેન્ક મેન'ની યાદ અપાવી રહી છે.

ઈરાનમાં મોંઘવારીનો દર 42 ટકાને વટાવી ગયો છે, જ્યારે ખાદ્ય પદાર્થોના ભાવમાં 72 ટકા જેટલો તોતિંગ વધારો થયો છે. સામાન્ય નાગરિકો માટે હવે બે ટંકનું ભોજન અને દવાઓ મેળવવી મુશ્કેલ બની ગઈ છે. પ્રદર્શનકારીઓનું માનવું છે કે શાસન ભ્રષ્ટાચારમાં ડૂબેલું છે અને દેશની સંપત્તિનો દુરુપયોગ થઈ રહ્યો છે. આ દબાણને કારણે ઈરાનની સેન્ટ્રલ બેંકના ગવર્નરે રાજીનામું આપી દીધું છે, જ્યારે રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન આર્થિક સુધારાના વાયદા કરીને જનતાને શાંત રાખવા પ્રયાસ કરી રહ્યા છે.

ઈરાનની આ વર્તમાન સ્થિતિ પાછળ 'ટ્રમ્પ ફેક્ટર' પણ મહત્વનું માનવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પની 'મેક્સિમમ પ્રેશર પોલિસી' અને ઈરાન પર લાદવામાં આવેલા કડક આર્થિક પ્રતિબંધોએ તેની તેલની આવકને તોડી નાખી છે. 2025 માં ટ્રમ્પની સત્તામાં વાપસી બાદ આ પ્રતિબંધો વધુ કડક થવાની ભીતિએ ઈરાની અર્થતંત્રમાં ડરનું વાતાવરણ ઉભું કર્યું છે. અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી માઈક પોમ્પિઓના મતે, આ વિદ્રોહ વર્ષોથી દબાયેલા આક્રોશનું પરિણામ છે જે હવે ફાટી નીકળ્યો છે.

વિશ્લેષકોનું કહેવું છે કે ઈરાનમાં અત્યારે 1979ની ક્રાંતિ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાક સ્થળોએ શાહના સમર્થનમાં પણ નારા લાગ્યા છે, જે વર્તમાન શાસન માટે ખતરાની ઘંટડી છે. એક તરફ ઈઝરાયેલ અને અમેરિકા સાથેનો પરમાણુ વિવાદ અને બીજી તરફ આંતરિક બળવો—આ બંને મોરચે ઈરાનનું ઇસ્લામિક શાસન અત્યારે સૌથી મોટા અસ્તિત્વના સંકટનો સામનો કરી રહ્યું છે. જો મોંઘવારી પર કાબૂ નહીં મેળવાય, તો આ જનતાનો આક્રોશ ભવિષ્યમાં મોટી સત્તાપલટ તરફ દોરી શકે છે.