નવી દિલ્હી: ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં તબક્કાવાર સ્પેશિયલ ઇન્ટેસિવ રિવિઝન(SIR)ની કામગીરી ચાલી રહી છે. તાજેતરમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, કેરળ તથા અંદમાન અને નિકોબારની SIR કામગીરી પૂરી થઈ ગઈ છે, જેથી આ ત્રણ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની નવી મતદારયાદી જાહેર કરવામાં આવી છે. જૂની મતદારયાદીની સરખામણીએ નવી મતદારયાદીમાં કેવો સુધારો-વધારો થયો છે? આવો જાણીએ.
મધ્ય પ્રદેશમાં સૌથી વધારે મતદારો ઘટ્યા
SIRની કામગીરી બાદ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને કેરળમાંથી લાખોની સંખ્યામાં મતદારોના નામ કમી થયા છે. મધ્ય પ્રદેશમાં 42.74 લાખ, છત્તીસગઢમાં 27.34 લાખ અને કેરળમાં 24 લાખ મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે.
મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાંથી કુલ 4.38 લાખ મતદારોના નામ કમી થયા છે. 31.51 લાખ મતદારો શિફ્ટેટ અથવા ગેરહાજર માલૂમ પડ્યા છે. આ ઉપરાંત 2.77 લાખ મતદારોના નામ એકથી વધુ જગ્યાએ મળી આવ્યા છે.
છત્તીસગઢમાં 19 લાખ મતદારોએ પોતાનું સરનામું બદલાવ્યું છે. 6.42 લાખ મતદારોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. એકથી વધુ જગ્યાએ નામ ધરાવતા 1.79 લાખ મતદારોનું નામ કમી કરવામાં આવ્યું છે. જોકે, એકથી વધુ જગ્યાની મતદારયાદીમાં નામ ધરાવતા મતદારો કેરળમાં વધુ પ્રમાણમાં મળી આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, જે લોકોનું નામ ભૂલથી કમી થઈ ગયું છે, એવા મતદારોને ચૂંટણી પંચે વધુ એક મોકો આપ્યો છે. આવા મતદારોને 22 જાન્યુઆરી 2026 સુધીનો સમય આપવામાં આવ્યો છે. વાંધા અરજીઓનું નિવારણ આવ્યા બાદ નવી યાદી 21 ફરવરી 2026ના રોજ પ્રકાશિત કરવામાં આવશે.