Thu Jan 01 2026

Logo

White Logo

એકસ્ટ્રા અફેરઃ ખાલિદા ભારત તરફી નહોતાં : પણ પાકિસ્તાન-ચીનની કઠપૂતળી ના બન્યાં

21 hours ago
Author: ભરત ભારદ્વાજ
Video

બાંગ્લાદેશનાં પહેલાં મહિલા વડા પ્રધાન બેગમ ખાલિદા ઝિયાનું મંગળવારે 80 વર્ષની વયે નિધન થયું એ સાથે જ એશિયાનાં એક મહાન મહિલા નેતાએ કાયમી વિદાય લીધી. બાંગ્લાદેશના મુખ્ય રાજકીય પક્ષોમાંથી એક બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી બીએનપીનાં ચેરપર્સન ખાલિદા ઝિયા  ઘણાં વર્ષોથી ગંભીર રીતે બીમાર હતાં અને લીવર સિરોસિસ, ડાયાબિટીસ તેમ જ હૃદય અને છાતીની સમસ્યાઓથી પિડાતાં હતાં. 

લાંબા સમયથી ઢાકાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં ખાલિદા ઝિયાની તબિયત કથળી જતાં તેમના પરિવારને અંતિમ દિવસોમાં તેમની સાથે રહેવા કહી દેવાયું હતું. આ કારણે મોટા પુત્ર તારિક પાંચ દિવસ પહેલાં એટલે કે પચીસ ડિસેમ્બરે જ 18 વર્ષ પછી યુકેથી બાંગ્લાદેશ પાછા ફર્યા હતા. લાંબા સમયથી બીમાર ખાલિદાએ મોટા દીકરાનું મોં જોવા માટે જ શ્વાસ ટકાવીને બેઠાં હોય એમ તારીકના આગમનના 48 કલાકમાં જ જીવનલીલા સંકેલી લીધી. 

બાંગ્લાદેશના રાજકારણમાં ખાલિદા ઝિયા અને શેખ હસીનાની રાજકીય હરીફાઈ જાણીતી છે. શેખ હસીનાનો પરિવાર ભારત તરફી હતો અને હસીના પોતે પણ ભારતનાં સમર્થક છે. બીજી તરફ ખાલિદા ઝિયાની નીતિ ભારત તરફી નહોતી તેથી ભારતીયોને હસીના માટે સોફ્ટ કોર્નર છે અને ખાલિદાને ઘણાં વિલન માને છે પણ બાંગ્લાદેશમાં ખાલિદા ઝિયાને શેખ હસીના કરતાં મોટાં નેતા માનવામાં આવે છે. 

ખાલિદા ઝિયાને બાંગ્લાદેશીઓ જ નહીં પણ આખી દુનિયા જીગરવાળાં નેતા તરીકે સલામ કરે છે. તેમાં કશું ખોટું પણ નથી કેમ કે ખાલિદા ઝિયાએ બાંગ્લાદેશમાં લોકશાહીની ફરી સ્થાપના માટે જે જંગ ખેલ્યો એવો જંગ બહુ ઓછાં લોકો ખેલી શકે. જનરલ ઈર્શાદના સરમુખત્યારશાહી શાસન સામે શેખ હસીના સહિતનાં બધાંએ ઘૂંટણ ટેકવી દીધાં હતાં ત્યારે ખાલિદા લડતાં હતાં અને બાંગ્લાદેશમાં ફરી લોકશાહીની સ્થાપના કરાવીને જ તેમણે ઝંપ લીધો. 

જનરલ ઈરશાદે ખાલિદાને દબાવી દેવા માટે બહુ ફાંફાં મારી જોયાં પણ ખાલિદાએ મચક નહોતી આપી. સાત વર્ષમાં સાત વાર તો ખાલિદાને જેલભેગાં કરી દેવાયાં અને નજરકેદ તો કેટલો સમય રહ્યાં તેનો હિસાબ જ નથી પણ ખાલિદા ના નમ્યાં તે ના જ નમ્યાં. ઈરશાદે 1986માં તમાશારૂપ ચૂંટણી કરી ત્યારે શેખ હસીનાની અવામી લીગ સહિતની પાર્ટીઓ પાણીમાં બેસી ગઈ હતી અને ચૂંટણી લડી હતી પણ ખાલિદાએ ચૂંટણીનો બહિષ્કાર કરીને કદી નહીં ઝૂકવાના મિજાજનો પરચો આપ્યો હતો. આ કારણે બાંગ્લાદેશના રાજકીય ઇતિહાસમાં ખાલિદા ઝિયાને મર્દાના મિજાજનાં નેતા ગણવામાં આવે છે. 

ખાલિદાને આ મિજાજ તેમના પતિ ઝિયા ઉર રહેમાનની સોબતના કારણે મળ્યો હતો. જનરલ ઝિયા પાકિસ્તાન આર્મીમાં હતા પણ પાકિસ્તાન મિલિટરીએ બાંગ્લાદેશીઓ પર કરેલા અમાનુષી અત્યાચારોના કારણે બળવો કરીને પોતાના કમાન્ડિંગ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ અબ્દુલ રશિદ જાંજુઆને ફાંસીએ લટકાવી દીધા. ઈન્ડિયન આર્મીએ પાકિસ્તાનને 1971ના યુદ્ધમાં હરાવીને બાંગ્લાદેશને મુક્ત કરાવ્યું તેના 8 મહિના પહેલાં માર્ચમાં જનરલ ઝિયાએ બાંગ્લાદેશને આઝાદ જાહેર કરીને નવા રાષ્ટ્રની સ્થાપનાનું એલાન કરી દીધું હતું. 

જનરલ ઝિયાની બગાવતના કારણે ખાલિદા ઝિયા પોતાના બંને દીકરા સાથે ભાગતાં થઈ ગયાં હતાં. લગભગ 4 મહિના સુધી અલગ અલગ ઠેકાણે રહ્યાં ને પાકિસ્તાન આર્મીના જાસૂસો સતત તેમની પાછળ જ હતા. છેવટે 2 જુલાઈએ ખાલિદા ઝડપાઈ ગયાં ને પાકિસ્તાની સેના દ્વારા તેમને નજરકેદ કરવામાં આવ્યાં હતાં. જુલાઈથી ડિસેમ્બર 1971સુધી પાકિસ્તાની સેનાની કેદમાં રહ્યા પછી પાકિસ્તાન આર્મીની હાર સાથે 16 ડિસેમ્બર 1971ના રોજ ખાલિદાને પણ મુક્ત કરવામાં આવ્યાં હતાં.

બાંગ્લાદેશની રચના પછી જનરલ ઝીયા આર્મીમાં રહ્યા ને પછી બાંગ્લાદેશ નેશનલ પાર્ટીની સ્થાપના કરીને રાજકારણમાં આવેલા. ઝીયા પ્રમુખ પણ બનેલા. અને 1981માં તેમની હત્યા પછી ખાલિદાએ તેમનું સ્થાન લીધું અને જનરલ ઈરશાદના સરમુખત્યારશાહી સામે યાદગાર લડત આપી. આ લડતના કારણે ઈરશાદે સત્તા છોડવી પડી અને 1991માં ખાલિદા ઝિયા ભવ્ય વિજય સાથે ચૂંટણી જીતીને બાંગ્લાદેશનાં પ્રથમ મહિલા વડાં પ્રધાન બન્યાં. 

ખાલિદાએ બાંગ્લાદેશની કાયાપલટ કરી નાખી એમ કહેવામાં ખોટું નથી. તેમના કાર્યકાળમાં સંસદીય લોકશાહી એ હદે મજબૂત બની કે, છેક હમણાં સુધી બાંગ્લાદેશમાં લોકશાહી ટકી તેનું શ્રેય ખાલિદાને જાય છે. હસીના પણ ખાલિદાની જેમ વર્ત્યાં હોત તો સત્તા ના ખોવી પડી હોત. ખાલિદાએ મુક્ત અને ન્યાયી ચૂંટણી થાય એ માટે સત્કાતા છોડીને કાર્યકારી સરકારની પ્રથા દ્વારા નવો ચિલો ચાતર્યો કે જેથી કોઈ આંગળી જ ના ચીંધી શકે. 

બાંગ્લાદેશ આજે હોઝિયરી મેન્યુફેક્ચરિંગમાં ચીનને હંફાવે છે તેનો પાયો ખાલિદાએ નાખેલો. ખાલિદાએ પોતાના પહેલા કાર્યકાળમાં ઘણા આર્થિક સુધારા કર્યા. વેલ્યુ એડેડ ટેક્સ (વીએટી) ઉપરાંત, બેંકો, નાણાકીય સંસ્થાઓ  માટે કાયદા બનાવ્યા. 

બાંગ્લાદેશમાં શિક્ષણનું પ્રમાણ વધારવા માટે મફત શિક્ષણ સહિતની યોજનાઓ અત્યંત સફળ રહી. ખાલિદા  1996માં ફરી સત્તામાં આવેલો પણ બીજો કાર્યકાળ ખૂબ ટૂંકા સમય માટે હતો. 2001માં ખાલિદા ઝિયા  ભ્રષ્ટાચાર તથા આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવાનું વચન આપીને ફરી સત્તામાં આવ્યાં પણ સત્તા ટકાવવા માટે જમાત ઈસ્લામી જેવી કટ્ટરવાદી પાર્ટી સાથે હાથ મિલાવ્યા તેમાં આબરૂ ખરડાઈ. 

ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થયા તેમાં પણ અપ્રિય થયાં ને તેનો લાભ શેખ હસીનાને એવો મળ્યો કે હસીના સત્તા પર ચોંટડૂક થઈ ગયાં. હસીનાના કાર્યકાળમાં ખાલિદા સામે કેસ પર કેસ થયા ને તેમાં દોષિત ઠરતાં જેલમાં પણ જવું પડ્યું. હસીના ભાગ્યાં પછી માંડ માંડ એ જેલમાંથી બહાર આવ્યાં પણ ફરી સત્તામાં આવી શકાય એટલું લાબું ન જીવી શક્યાં.
 
ખાલિદા ઝિયા શેખ હસીનાની જેમ ભારતનાં ખુલ્લાં સમર્થન નહોતાં. બલકે ઘણા બધા મુદ્દે ખાલિદાનું વલણ ભારત વિરોધી હતું પણ સામે એ પણ કબૂલવું પડે કે, ખાલિદાએ પાકિસ્તાન કે ચીનને બાંગ્લાદેશમાં ઘૂસવા નહોતાં દીધાં. ખાલિદા ઝિયા કહેતાં કે, બાંગ્લાદેશની સાર્વભૌમત્વ અને સુરક્ષા સર્વોપરી છે. આ કારણે ભારત સાથે ટકરાવ પણ થતો પણ ભારત તરફ ખાલિદાએ કદી ખાર નહોતો બતાવ્યો કે, પાકિસ્તાન કે ચીનના ખોળામાં બેસીને ભારતને નુકસાન પણ નહોતું કર્યું.

ખાલિદા 1972ની ભારત-બાંગ્લાદેશ મૈત્રી સંધિની વિરુદ્ધ હતાં. તેમની દલીલ હતી કે આ સંધિને કારણે બાંગ્લાદેશ પગભર નથી થતું અને ભારતનું આંગળિયાત હોય એવી છાપ પડે છે.  ખાલિદા વડાં પ્રધાન હતાં ત્યારે ભારતે ઉત્તરપૂર્વીય રાજ્યો સુધીનો રસ્તો પહોળો કરવા માટે બાંગ્લાદેશ પાસે જમીન માગી હતી પણ ખાલિદાએ જમીન નહોતી આપી. ખાલિદાનું કહેવું હતું કે, બાંગ્લાદેશની ધરતી પરથી ભારતને પસાર થવા દેવાથી બાંગ્લાદેશની સુરક્ષાને જોખમ થશે. ખાલિદા પોતાનું રાજકારણ રમતાં હતાં પણ પાકિસ્તાન-ચીનની કઠપૂતળી કદી ના બન્યાં એ માટે પણ ભારત તેમને યાદ રાખશે.