Tue Jan 06 2026

Logo

White Logo

પ્રદૂષણના વધતા જોખમ વચ્ચે બ્રિટન-કેનેડા-સિંગાપોરે જાહેર કરી એડવાઈઝરી : -

3 weeks ago
Author: Tejas Rajpara
Video

નવી દિલ્હી: દિલ્હી અને સમગ્ર ઉત્તર ભારતમાં સતત બગડતી હવાની ગુણવત્તાએ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા ઊભી કરી છે. પ્રદૂષણની ગંભીર પરિસ્થિતિને જોતાં, તાજેતરમાં બ્રિટન, કેનેડા અને સિંગાપોરે પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરીને ઉત્તર ભારત, ખાસ કરીને દિલ્હી-એનસીઆરની યાત્રા ટાળવા અથવા સાવચેતી રાખવાની ચેતવણી આપી છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, દિલ્હીના આનંદ વિહાર વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 493 નોંધાયો હતો, જે 'ગંભીર' શ્રેણીમાં આવે છે.

પ્રદૂષણની બગડતી પરિસ્થિતિને જોતા સિંગાપોર હાઈ કમિશને નિવેદન બહાર પાડ્યું છે કે ભારત દ્વારા લાગુ કરાયેલા ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)ના સ્ટેજ-4ને ધ્યાનમાં રાખીને દિલ્હી-એનસીઆરમાં રહેતા અથવા મુસાફરીનું આયોજન કરી રહેલા સિંગાપોરના નાગરિકોને સતર્ક રહેવું. 

યુકેના ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO)એ ભારપૂર્વક જણાવ્યું છે કે ઉત્તર ભારતમાં ઓક્ટોબરથી ફેબ્રુઆરીના શિયાળાના મહિનાઓમાં વાયુ પ્રદૂષણ એક ગંભીર સ્વાસ્થ્ય જોખમ બની જાય છે. બ્રિટને ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ, હૃદય અને શ્વાસ સંબંધિત બીમારીઓથી પીડિત લોકોને ડૉક્ટરની સલાહ લેવા અને બાળકો, વૃદ્ધો તથા પહેલાથી બીમાર લોકો પર પ્રદૂષણની ગંભીર અસર થવાની ચેતવણી આપી છે. 

કેનેડાએ પણ પોતાના નાગરિકોને નિયમિતપણે હવાની ગુણવત્તાનું નિરીક્ષણ કરવા અને દિલ્હી જેવા શહેરી વિસ્તારોમાં શિયાળામાં સ્મોગની ખરાબ સ્થિતિ તથા ગ્રામીણ વિસ્તારોમાં પરાળી સળગાવવાથી થતા પ્રદૂષણ અંગે સાવચેત રહેવા જણાવ્યું છે.

આજે દિલ્હીમાં હવાની ગુણવત્તા અત્યંત ખરાબ, એટલે કે "ગંભીર" અથવા "ખતરનાક" શ્રેણીમાં પહોંચી ગઈ છે, જ્યાં ઘણા વિસ્તારોમાં AQI 400થી ઉપર છે અને અમુક જગ્યાએ તે 500ની નજીક નોંધાયો છે. આ ગાઢ ઘુમ્મસના કારણે વિઝિબિલિટીમાં મોટો ઘટાડો થયો છે, જેના પરિણામે દિલ્હી એરપોર્ટ પરથી ગત દિવસે 200થી વધુ ફ્લાઇટ્સ રદ કરવી પડી અથવા તેમનો રૂટ બદલવો પડ્યો હતો. 

ખરાબ હવાને ધ્યાનમાં રાખીને દિલ્હી, નોઇડા અને ગાઝિયાબાદમાં ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે શાળાઓને ઓનલાઈન અથવા હાઇબ્રિડ મોડમાં ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવા માટે GRAP-4 લાગુ કર્યું છે, જેના હેઠળ મોટાભાગના બાંધકામ અને તોડફોડના કામો સંપૂર્ણપણે અટકાવી દેવાયા છે અને ઓફિસોને 50% ક્ષમતા સાથે કામ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

આ ગંભીર વાયુ પ્રદૂષણ અને ધુમ્મસના વાતાવરણ વચ્ચે મથુરા પાસે યમુના એક્સપ્રેસ વે પર એક દુઃખદ માર્ગ અકસ્માત સર્જાયો હતો. મંગળવારે વહેલી પરોઢે લગભગ બે વાગ્યે આગ્રાથી નોઇડા તરફ જઈ રહેલી 8 બસો અને 3 કાર ગાઢ ધુમ્મસને કારણે એકબીજા સાથે ટકરાઈ ગઈ. ટક્કર એટલી જોરદાર હતી કે તમામ વાહનોમાં ભીષણ આગ લાગી ગઈ, જેના પરિણામે 4 મુસાફરોના મૃત્યુ થયા અને લગભગ 25 જેટલા મુસાફરો ઘાયલ થયા. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મથુરાના એસએસપીએ જણાવ્યું કે આ ઘટના માઇલ સ્ટોન 127 પાસે બની હતી. મથુરાના જિલ્લાધિકારી (DM) ચંદ્ર પ્રકાશ સિંહે જણાવ્યું કે મુખ્યમંત્રીએ આ ઘટનાની નોંધ લીધી છે અને ઘાયલોને ઉત્તમ સારવાર આપવા તથા મૃતકોના પરિજનોને ₹2 લાખની રાહત રાશિ આપવાના નિર્દેશ આપ્યા છે. પ્રત્યક્ષદર્શીઓ અને બચી ગયેલા મુસાફરોના જણાવ્યા અનુસાર, ધુમ્મસ એટલું ગાઢ હતું કે કંઈ દેખાતું નહોતું, જેના કારણે આ ભયાનક અકસ્માત થયો.