થાણે: જમીનમાં રોકાણ પર આકર્ષક વળતરની ખાતરી આપી અનેક લોકો સાથે 64 લાખ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા બદલ થાણે પોલીસે મહિલા સહિત સાત જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
મુંબઈના કાંદિવલી પરિસરમાં રહેતા 28 વર્ષના યુવાન અને છેતરાયેલા અન્ય લોકોની ફરિયાદને આધારે વાગળે એસ્ટેટ ડિવિઝન હેઠળની કાપૂરબાવડી પોલીસે ગુનો નોંધ્યો હતો.
આરોપીઓની ઓળખ કિસનરાવ રાઠોડ, મેનકા રાઠોડ, યુગંધર, સંતોષ પાવસકર, સ્વપ્નિલ બેગળે, અવિનાશ નારકર અને અન્ય એજન્ટ તરીકે થઈ હોવાનું કાપૂરબાવડી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
ફરિયાદ અનુસાર આરોપીઓ એક ઈન્વેસ્ટમેન્ટ કંપનીના પ્રતિનિધિ તરીકે કામ કરતા હતા અને 2023માં તેમણે એક બોગસ સ્કીમ રજૂ કરી હતી. તેમણે રોકાણકારોને આકર્ષક વળતરનું વચન આપ્યું હતું અને કેવની દીવે, કાલ્હેર અને ભિવંડીમાં પ્લૉટ આપવાની ખાતરી આપી હતી. યોજનાનો પ્રચાર કરવા માટે જાહેરાતો પણ પ્રસિદ્ધ કરવામાં આવી હતી, એવું અધિકારીએ જણાવ્યું હતું.
જોકે આવા પ્લૉટ ક્યારેય અપાયા નહોતા. બાદમાં આ બાબતે સ્પષ્ટતા કરવા અને નાણાં પરત કરવા રોકાણકારોએ આરોપીઓનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીઓ દ્વારા કોઈ પ્રતિસાદ અપાયો નહોતો. પરિણામે રોકાણકારોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 64.56 લાખ રૂપિયાની છેતરપિંડી થયાની ફરિયાદ પોલીસને મળી હતી. ફરિયાદને આધારે મહિલા સહિત સાત આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. દરેક આરોપીઓની ગુનામાં ભૂમિકા અને અન્ય આરોપી સંડોવાયેલા છે કે કેમ તેની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. (પીટીઆઈ)