Thu Jan 01 2026

Logo

White Logo

મુંબઈ BMC ચૂંટણી : : રાજ્યમાં ૩૩,૬૦૬ અને મુંબઈમાં ૨,૫૧૬ ઉમેદવારોએ ભર્યા ફોર્મ

4 hours ago
Author: Sapna Desai
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા સહિત રાજ્યની કુલ ૨૯ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મંગળવારે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખે મુંબઈમાં ૨,૧૨૨ લોકોએ ફોર્મ ભર્યા હતા. તો બે દિવસમાં ૨,૫૧૬ લોકોએ ઉમેદવારી નોંધાવી છે. જયારે સમગ્ર રાજ્યમાં ૮૯૩ વોર્ડમાં આવેલી ૨,૮૬૯ બેઠક માટે કુલ ૩૩,૬૦૬ લોકોએ નોમિનેશન ફોર્મ ભર્યા હતા.

રાજ્યમાં ૩૦ ડિસેમ્બરના છેલ્લે દિવસે નોમિનેશન દાખલ કરવાના દિવસે રાજકીય પાર્ટીઓમાં નાટકીય દૃશ્યો જોવા મળ્યા હતા, જેમાં ખાસ કરીને મુંબઈ, નાશિક, નાગપુર અને જળગાંવનો સમાવેશ થાય છે. પક્ષોએ ટિકિટ નકારી દેતા અપક્ષ ઉમેદવારોની છેલ્લી ઘડીએ ફોર્મ લેવાની ધડાપડી જોવા મળી હતી.

મુંબઈ મહાનગરપાલિકાની ૧૫ જાન્યુઆરી, ૨૦૨૬ના ૨૨૭ બેઠક માટે ચૂંટણી થવાની છે અને ૧૬ જાન્યુઆરીના મતગણતરી થવાની છે. મુંબઈ સહિત રાજ્યમાં ૨૩ ડિસેમ્બરની ચૂંટણી માટે નોમિનેશન દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ થઈ હતી, જે ૩૦ ડિસેમ્બરના છેલ્લા દિવસે પૂરી થઈ હતી.

બુધવાર ૩૧, ડિસેમ્બરના સવારના ૧૧ વાગ્યાથી ઉમેદવારોનો નોમિનેશન ફોર્મની સ્ક્રુટીની ચાલુ થઈ હતી. ઉમેદવારો માટે પોતાની ઉમેદવારી પત્રક પાછી ખેંચવાની મુદત બે જાન્યુઆરી, ૨૦૨૬ના બપોરના ત્રણ વાગ્યા સુધીની રહેશે.

મુંબઈમાં ૨૩ જાન્યુઆરીથી નોમિનેશન દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ થઈ હતી, જેમાં ૨૯ ડિસેમ્બર સુધી ફક્ત ૪૦૦ નોમિનેશન દાખલ થયા હતા. જોકે છેલ્લાં દિવસે કુલ ૨,૧૨૨ ઉમેદવારોએ નોમિનેશન ફોર્મ દાખલ કર્યા હતા. તો ૩૦ ડિસેમ્બર સુધીમાં કુલ ૧૧,૩૯૧ નોમિનેશન ફોર્મ (એબી ફોર્મ) આપવામાં આવ્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

મુંબઈના પડોશી શહેર થાણેમાં પાલિકાની ૧૩૧ સીટ માટે ૧,૧૨૮ અને નવી મુંબઈમાં ૧૧૧ સીટ માટે ૯૫૬, વસઈ-વિરારમાં ૧૧૫ સીટ માટે ૯૩૫ નોમિનેશન ફોર્મ ભરાયા હતા.

પુણેમાં ૪૧ સીટ માટે સૌથી હાઈએસ્ટ ફોર્મ ફરાયા

સમગ્ર રાજ્યમાં સૌથી હાઈએસ્ટ નોમિનેશન ફોર્મ પુણે મહાનગરપાલિકામાં ભરાયા હતા. પુણેમાં કુલ ૪૧ વોર્ડ માટે ૩,૧૭૯ નોમિનેશનલ ફોર્મ ભરવામાં આવ્યા હતા. અહીં ૧૬૫ સીટ માટે ચૂંટણી થવાની છે, જેમાં તમામ રાજકીય પક્ષોએ પોતાની રાતે જોર લગાવ્યું છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હોમટાઉન નાગપુરમાં પાલિકાની ચૂંટણીમાં ૩૮ વોર્ડમાં ૧૫૧ સીટ માટે ૧,૪૫૨ ઉમેદવારીપત્રક ભરવામાં આવ્યા હતા.

નાશિકમાં ૧૨૨ સીટ માટે ૨,૩૫૬, પિંપરી-ચિંચવડમાં ૧૨૮ બેઠક માટે ૧,૯૯૩ અને છત્રપતિ સંભાજીનગરમાં ૧૧૫ સીટ માટે ૧,૮૭૦ નોમિનેશન ફોર્મ દાખલ થયા હતા. નાની પાલિકા ગણાતી પનવેલમાં ૭૮ સીટ માટે ૩૯૧ નોમિનેશન ફોર્મ, ઈચલકરંજીમાં ૬૫ સીટ માટે ૪૫૬ ફોર્મ અને જાલનામાં ૬૫ સીટ માટે ૧,૨૬૦ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.

સૌથી વધુ ઉમેદવારી પત્રક એમ-ઈસ્ટ વોર્ડમાં

મુંબઈમાં ૨૩ રિર્ટનિંગ ઓફિસર પાસે કુલ ૨,૫૧૬ ઉમેદવારોએ નોમિનેશન દાખલ કર્યા હતા, જેમાં સૌથી વધુ ફોર્મ એમ-ઈસ્ટ વોર્ડમાં દાખલ થયા હતા. આ વોર્ડમાં ગોવંડી, દેવનાર, ચેમ્બુર, ટ્રોમ્બે, માનખુર્દ અને આણિક વિસ્તાર આવે છે. અહીંથી કુલ ૧૮૩ નોમિનેશન ફોર્મ દાખલ થયા હતા.