(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘાતક શસ્ત્રોની ધાકે નાલાસોપારાના જ્વેલરી સ્ટોરમાં લૂંટ ચલાવતાં પહેલાં દારૂની જિયાફત માણવા બારમાં બેસેલા ચાર લૂંટારાને મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યા હતા.
ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ઈરશાદ નિયાઝ ખાન ઉર્ફે યુસુફ અમિન શેખ ઉર્ફે બાબુ હસન ખાન (42), રેવાધર દુર્ગાદત્ત ભટ્ટ, મોહનસિંહ જોગીસિંહ રાવત અને સુમિત પપ્પુ રાવત તરીકે થઈ હતી. પોલીસની રેઇડનો અંદેશો આવતાં આરોપીઓનો સાથી મોહમ્મદ ફરાર થઈ ગયો હતો.
નાલાસોપારા પૂર્વમાં રેલવે સ્ટેશન નજીકના દીપા બાર પાસે કેટલાક શકમંદો શસ્ત્રો સાથે ભેગા થવાના હોવાની માહિતી ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-3ના ઇન્ચાર્જ શાહુરાજ રણવરેને સોમવારે મળી હતી. માહિતીને આધારે પોલીસની ટીમે છટકું ગોઠવી બારમાં રેઇડ કરી હતી.
બારમાંથી પકડાયેલા ચારેય આરોપી પાસેથી એક પિસ્તોલ, ત્રણ કારતૂસ, એક પિસ્તોલ જેવું દેખાતું લાઈટર, સ્ક્રૂડ્રાઈવર સહિતનાં શસ્ત્રો જપ્ત કરવામાં આવ્યાં હતાં. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે નાલાસોપારા પૂર્વમાં ટાંકી રોડ પરની એક જ્વેલરીની દુકાનમાં તેમણે લૂંટની યોજના બનાવી હતી.
પકડાયેલા આરોપીમાંથી ખાન રેકોર્ડ પરનો ગુનેગાર હોઈ તેની વિરુદ્ધ મુંબઈના કાલાચોકી પરિસરમાં હત્યાનો ગુનો નોંધાયેલો હતો. એ સિવાય બાન્દ્રા, માહિમ, થાણે અને ગુજરાતના ઉમરગામ પોલીસ સ્ટેશનમાં પણ લૂંટ અને આર્મ્સ ઍક્ટ હેઠળ ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીના ફરાર સાથીની પોલીસ શોધ ચલાવી રહી છે.